ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આવનારા સમયમાં સંકુલના યુવાનોને વેપાર-ઉદ્યોગ અને સંકુલના વિકાસ માટે એક અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે પ્રથમ વાર ચેમ્બરની યુવા પાંખની રચના કરાઈ હતી. ચેમ્બરની નવનિયુક્ત યુવા પાંખની પ્રથમ બેઠકનો પ્રારંભ કરાવવા ડીપીએ ના ડે. ચેરમેન શ્રી નંદિશ શુક્લાના અતિથિ પદે સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખો, કારોબારી સભ્યો, મહિલા પાંખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે યુવાનોની શક્તિ અને પ્રતિભાને ઉજાગર કરવા માટે ચેમ્બરની યુવા પાંખ બનાવી તેઓને સંકુલના વિકાસમાં સામેલ કરવા માટે ગાંધીધામ ચેમ્બરે આ એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યો હોવાનું જણાવ્યું હતું. નવનિયુક્ત યુવા પાંખના કન્વીનર અભિષેક પારખ, સહ કન્વીનર રાજીવ અશોક ચાવલા અને બાળાજી નાયડુને શુભેચ્છા આપી હતી.
ડીપીએ ડે. ચેરમેન શુક્લાએ શીપીંગ અને લોજીસ્ટિક તથા પોર્ટ સાથેના સંકલનમાં ચેમ્બરની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરતા યુવા પાંખના લોન્ચીંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તબક્કે યુવા પાંખના પ્રથમ કન્વીનર પારખે વડીલોના માર્ગદર્શન, આશિર્વાદ અને સહદ્યોગથી રચનાત્મક અને સકારાત્મક કાર્યો કરશે તેમ જણાવ્યું હતું. પૂર્વ પ્રમુખ ચંપાલાલ પારખ, ગુજરાત ચેમ્બરના પ્રમુખ હેમંત શાહ, નિર્મમ ઝવેરીએ અભીનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અરજણ કાનગડ, અનિલ કુમાર જૈન, કુશલરાજ અને ધનપત પારખ, મહેશ તિર્થાણી, નવનીતા ગજ્જર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.