ગાંધીધામ નગરપાલિકામાં 20 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન છે તેમ છતાં સામાન્ય રીતે ચૂંટણી ટાણે રોજ પાણી આપવાની લોલીપોપ આપવામાં આવે છે. બીજી તરફ કેટલાય વિસ્તારોમાં પાણી ક્યારે મળે છે તે નક્કી હોતું નથી. ગાંધીધામમાં એકાંતરે અને આદિપુરમાં ત્રણ દિવસે પાણી આપવાનું શિડ્યુલ છે તેમાં પણ જે તે દિવસે પાણી આવે ત્યારે ચોક્કસ સમયનું નક્કી ન હોય તેમ એક કર્મચારી સાઇકલ પર નિકળીને થાળી પીટીને પાણી આવ્યું છે તેવી જાહેરાત કરે છે. આમ વર્ષોથી આ વ્યવસ્થા કેટલાક વિસ્તારો માટે બની છે તેમાં સુધારો લાવવાની જરૂર છે.
શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી પુરૂં પાડવા માટે પાલિકા સક્ષમ હોવા છતાં અને વધુ પાણી નર્મદાનું ઉપાડે તેમ છતાં વ્યવસ્થાના અભાવે કે અન્ય ખામીને લઇને ચોમાસું, શિયાળો કે ઉનાળામાં ઘણા વિસ્તારોમાં પાણીની તકલીફની ફરિયાદો ઉઠે છે. વળી, કેટલાક વિસ્તારોમાં તો રાત્રિના સમયે કે પરોઢીયે પાણીનું શિડ્યુલ ગોઠવાયું છે, જેમાં પણ લોકોને ઉજાગરા કરવા પડે તેવી સ્થિતિ છે. આ બાબતે હવેની બોડી દ્વારા આગળ વધીને કોઇ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે. ભાજપ વર્ષોથી નગરપાલિકામાં સત્તા ધરાવે છે પરંતુ કેટલીક સુવિધાઓને મુદ્દે અગાઉની પદ્ધતિ મુજબ હોતી હૈં ચલતી હૈંની નીતિ અપનાવીને આગળ વધી રહી છે. જેને લઇને લોકોને કેટલીક સુવિધાઓ છતે સુવિધાએ મળી શકતી નથી અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરીણામ લાવી શકાતું નથી.
શહેરમાં 32થી 35 એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે તેમાં પણ વિતરણ વ્યવસ્થાની ખામી અવારનવાર બહાર આવી છે. શહેરના કેટલાય વિસ્તારોમાં જુની પરંપરા મુજબ જ હજુ પાણી આવે ત્યારે સાઇકલ પર નિકળેલો કર્મચારી અડધા કલાક પહેલા પાણી ક્યારે આવશે તે અંગે થાળી વગાડીને જાહેરાત કરે છે. કાગડોળે કેટલાક લોકો આ થાળી વગારનાર શખ્સની રાહ જોવી પડે તેમ છે. કારણ કે જે તે શિડ્યુલ મુજબ પાણી આવવું જોઇએ તેમાં પણ કેટલીક વખત ગરબડ થતી હોય છે અને પાણી આવતું નથી. અપનાનગર, લીલાશાનગર, ડીસી-5 વગેરે વિસ્તારોમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઇને રહીશોમાં પાલિકાની આ કામગીરી સામે દીર્ઘદ્રષ્ટીના અભાવની છાપ ઉપસી રહી છે.
વોટ્સએપ ગ્રૂપથી જાણ કરીએ છીએ : પાણી સ. ચેરમેન
પાણી સમિતિના ચેરમેન સંજય ગર્ગે જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી ડિસ્ટર્બ થતું હોઇ ટાઇમ ટેબલ ખોરવાય છે. બધા વિસ્તારોના વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યા છે તેમાં પાણી ક્યારે આવશે તેની જાણ વાલ્વમેન દ્વારા કરવામાં આવતી હોય છે. સેક્ટર 1, 2, 3, 4, સપનાનગર સહિતના વિસ્તારોમાં આ રીતે લોકોને પાણી ક્યારે આવશે તેની માહિતી પુરી પાડવામાં આવે છે. અન્ય વ્યવસ્થા ગોઠવાય તે માટે વિચારણા ચાલી રહી છે.
30 કરોડની પાણીની લાઇન નખાયા બાદ જોડાણનો વિવાદ
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ પીવાના પાણીની લાઇન નાખવામાં આવી છે. અંદાજે 30 કરોડથી વધુના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવેલી આ સુવિધામાં કેટલાક વિસ્તારોમાં પાણીના નળના કનેકશન આપવામાં આવ્યા છે. મુખ્ય લાઇન તૈયાર કરી દેવામાં આવી છે પરંતુ સંબંધિત લોકોએ તેના જાેડાણ લેવા જોઇએ તે હજુ કેટલાકે લીધા નથી. વળી અગાઉની યાદી હોવાથી પાણીના કનેકશનની નવી યાદી આપવામાં આવી છે તે મુજબ પણ આગળ વધવામાં આવી રહ્યું છે.
જોકે, પાણીની લાઇન નાખવામાં આવી તેમાં પણ થર્ડ પાર્ટી મોનટરીંગસહિતના પ્રશ્નો તો અન્ય વિકાસ કામોની જેમ ઉભા થયા જ છે. હવે જોવું એ રહ્યું કે, ક્યાં અને ક્યારે આ બાબતે કાર્યવાહી થાય છે. ઉલ્લેખનીય છે કે, કેટલાય સ્થળો પર પાણીના ટેસ્ટીંગ વખતે નબળાઇ બહાર આવી હતી. પરંતુ આ આવેલી ફરિયાદ પર ભીનું સંકેલી દેવા ટાઢું બોર પાણી છાંટી દેવાયું હોય તેવો પણ કલબલાટ ખુદ ભાજપના જ વર્તૂળોમાં થઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.