વિશ્વાસ તુટ્યો:મોટા ભાઇએ જ મૃત નાના ભાઇની પત્નીએ લીધેલો પ્લોટ પચાવી પાડ્યો

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-7 ના આ પ્લોટ દબાવનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો નોંધાયો
  • ​​​​​​​કચેરીના ધક્કા ન ખાવા પડે એટલે જેઠ ઉપર રાખેલો વિશ્વાસ તુટ્યો

ગાંધીધામના સેક્ટર-7 માં આવેલા નાના ભાઇના પ્લોટ ઉપર કબજો જમાવી પચાવી પાડનાર મોટા ભાઇના પરિવાર વિરુધ્ધ નાના ભાઇના વિધવા પત્નીએ નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કલેક્ટરના આદેશ બાદ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. સેક્ટર-7 ના પ્લોટ નંબર 211 માં રહેતા 60 વર્ષીય ગોરબાઇ રામજીભાઇ લક્ષ્મણભાઇ મહેશ્વરી (બાળા) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ વર્ષ-1988 માં અકસ્માતમાં અવસાન પામ્યા છે.

તેમણે આ જવિસ્તારમાં આવેલો 282.57 ચો.મી. ક્ષેત્રફળનો 196 નંબરનો પ્લોટ 6 ફેબ્રુઆરી 1991 માં વિષ્ણુપ્રસાદ નારાયણલાલ જાની અને તેમના પત્ની સુમિત્રાબેન વિષ્ણુપ્રસાદ જાની પાસેથી લીધો હતો. તેઓ અભણ અને વિધવા હોવાને કારણે કચેરીઓના ધક્કા ખાવા ન પડે તેમાટે તેમના જેઠ આલારામ લક્ષ્મણભાઇ બાળાના નામે પાવરનામું કરાવી પ્લોટ લીધો હતો જેના રૂપિયા ફરિયાદી ગોરબાઇએ આપેલા હતા. વર્ષ-1993 માં અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિનો વીમો પાકતાં પ્લોટ ઉપર બાંધકામ કરવાનું હોઇ તમામ વહિવટ તેમના જેઠ કરતા હોઇ તેમને જ બાંધકામની જવાબદારી અપાઇ હતી.

તા.30/7/2002 ના રોજ મકાન બન્યા બાદ તેમના જેઠે પ્લોટનું ટ્રાન્સફર કમ સેલ ડીડનો દસ્તાવેજ તેમના નામે કરી દીધો હતો. આ પ્લોટમાં તેમના જેઠ આલારામનો પરિવાર રહે છે. ફરિયાદીબેનના પુત્રના લગ્ન કરવાનો સમય થયો ત્યારે તેમણે જેઠને મકાન ખાલી કરવાનું કહેતાં જેઠ આલારામ લક્ષ્મણભાઇ બાળા, જેઠાણી લક્ષ્મીબેન, તેમનાપુત્રો ભરત, ગોવિંદ અને અશોકે મકાનનો કબજો છોડવાની ના પાડતાં તેમણે કલેક્ટરને નવા કાયદા તળે કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ અરજી કરી હતી જેમાં કલેક્ટરે તપાસ બાદ ગુનો નોંધવા આદેશ કરતાં આ બાબતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે જેઠના પરિવાર વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.

નવો કાયદો આવ્યા બાદ ફરિયાદો રોજિંદી ઘટના બની રહી છે
ભૂકંપ બાદ જમીન કૌભાંડો ખૂલ્યા બાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ નો નવો કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદો અમલમાં આવ્યા બાદ ટપોટપ આ નવા કાયદા હેઠળ ફરીયાદો નોંધાઇ રહી છે જેમાં હવે તો આ કાયદા તળે ફરિયાદ નોંધાવવી રોજિ઼દી થઇ છે. તેના ઉપરથી ક્યાસ નીકળે કે કચ્છમાં ભૂકંપ બાદ જમીનોમાં મોટા પ્રમાણમાં કાવા દાવા થયા છે. જો કે આ કાયદા હેઠળ ફરીયાદ નોંધાયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરુરી બને છે તેવું જાણકારો દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...