ઉત્સાહ:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચારના પડઘમ શાંત થશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 ગ્રામ પંચાયતોમાં મોટા ભાગની બેઠકમાં સીધો જંગ : વધુને વધુ મતદાન થાય તે દિશામાં ઉમેદવારોએ રણનીતિ અપનાવી

ગાંધીધામ તાલુકાની સાત પૈકી ગળપાદરને બાદ કરતાં 6 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યની બેઠકો માટે 19મીએ મતદાન થનાર છે. આવતી કાલે સાંજે માઇકના ભુંગરા બંધ થઇ જશે ત્યાર બાદ ઘરે ઘરે જઇને લોક સંપર્ક કરી વધુને વધુ મતદાન પોતાના તરફી થાય તે દિશામાં ઉમેદવારો અને તેના સમર્થકો દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. મોટાભાગની બેઠકોમાં સીધો જંગ ખેલાઇ રહ્યો છે. કેટલીક બેઠકોમાં ત્રિપાંખીયો જંગ પણ થતાં રસાકસી જામે તેવું વાતાવરણ જણાઇ રહ્યું છે.

ગાંધીધામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. સંવેદનશીલ મતદાન મથકો પર વધુ ધ્યાન આપવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તૈયારી કરવામાં આવી છે તેની સાથે ઉમેદવારો પણ તેના સમર્થકો સાથે હવે વધુને વધુ પોકેટ મતો પર ધ્યાન આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

જે તે વિસ્તારોમાં તેમના સમર્થનમાં લાગે તેવી મતદારોનો સંપર્ક કરવાની સાથે જ્ઞાતિ સમુહોને પણ આવરી લઇને સંપર્ક વધારી ફોકસ કરી રહ્યા છે. કેટલાક સ્થળો પર ભલે સામાન્ય રીતે રાજકીય પ્રેરીત ન હોય પરંતુ ભાજપના આગેવાનો ટેકા વાળા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ રહી છે. કેટલીક બેઠકોમાં કોંગ્રેસ અને ભાજપના પડદા પાછળના ખેલાડીઓ ચૂંટણી જંગમાં જોડાયા છે.

ઉત્સાહ | ઠંડીની અસર મતદાન પર નહીં પડવા દેવાય
સામાન્ય રીતે બે દિવસમાં ઠંડીએ જોર પકડ્યું છે. જનજીવનને વ્યાપક પણે અસર પડી રહી છે. વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમ છતાં ગામડાઓમાં રાત્રિ બેઠકો પણ ધમધમી રહી છે. રાત થોડીને વેશ ઝાઝા ભજવવાના હોવાથી આવી બેઠકોમાં ગરમી આવી રહી છે. મતદાનમાં ઠંડીની અસર ન વર્તાય તે માટે પણ કાઉનડાઉન તૈયાર કરી દેવામાં આવી રહ્યાના સંકેત મ‌ળી રહ્યા છે. જે તે ઉમેદવારો દ્વારા ચોક્કસ સમુહ પર પણ વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યારે સામા પક્ષે પણ તોડફોડ કરવા માટેની રણનીતિ અપનાવી છે અને તેને લઇને શામ, દામ, દંડ ભેદની નીતિનું વાતાવરણ વધશે તેવું જણાઇ રહ્યું છે.

વર્ષો બાદ બેલેટ પેપરથી મતદાન
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી ચૂંટણી ઇવીએમ દ્વારા જ કરવામાં આવી છે. જે તે ચૂંટણી યોજાઇ તેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય કે લોકસભાની તેમાં ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અગાઉની જેમ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવનાર છે. આ અંગે તાલીમ શિબિર પણ જે તે સંબંધિત કર્મચારીઓની યોજાઇ ગઇ છે અને આગામી દિવસોમાં જેતે સ્થળો પર અંદાજે 42 જેટલા મતદાર મથકો ઉભા કરવામાં આવ્યા છે ત્યાં પણ વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

મતદારોમાં જાગૃતિ લાવવા છાત્રો દ્વારા રેલી કાઢવામાં આવી
લોકો નિષ્પક્ષ અને નિર્ભીક રીતે મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ લાવવા માટે પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. જી.એ. પટેલ ઉચ્ચ માધ્યમિક શાળા આદિપુર કચ્છ ખાતે એન એસ એસ યુનિટ1ની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને સ્ટાર્ટ ગાંધીધામ તાલુકાના મામલતદાર મેહુલભાઈ ડાભાણી દ્વારા લીલી ઝંડી આપી હતી. નાયબ મામલતદાર હરેશભાઇ જોષી રહ્યા હતા. ઉપરાત નાયબ મામલતદાર કટારા, શાળાના આચાર્ય ડૉ. પી.પી.દવે, વી.એ.ગઢિયા, પ્રોગ્રામ ઓફિસર કલ્પનાબેન તેરૈયા તથા દેવ્યાનીબેન પંડિત સાથે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...