જામીન નામંજૂર:બે અલગ ગુનામાં ત્રણ વ્યાજખોરોની આગોતરા જામીન અરજી કોર્ટે નકારી

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વધુ વ્યાજ-વટાવનો ધંધો સમાજની સેવા ન માની શકાય તેવી આકરી ટિપ્પણી કોર્ટે કરી

ગાંધીધામમાં ત્રણ વ્યાજખોરો વિરૂધ્ધ દાખલ થયેલી બે અલગ અલગ ફોજદારી ફરિયાદોમાં ત્રણ આરોપીઓએ કરેલી આગોતરા જામીન અરજીઓ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ-વટાવના ધંધાને સમાજની સેવા માની ના શકાય અને તે દ્વારા કોઈની ઉપર ઉપકાર કર્યો છે તેવું પણ માની ના શકાય તેવી આકરી ટિપ્પણી કરી નકારી હતી. આ કેસની વિગતો એવી છે કે, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગત 28-08-2021ના રોજ હર્ષ શૈલેષ લિંબાચીયા અને હિતેન્દ્ર કનાડા નામના બે વ્યાજખોરો સામે ધાક-ધમકી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુનામાં અગાઉ હર્ષે કરેલી આગોતરા જામીન અરજી કોર્ટમાં નામંજૂર કરી ચૂકાઇ છે. ત્યારબાદ સહઆરોપી હિતેન્દ્ર કનાડાએ કરેલી આગોતરા જામીન અરજીને પણ કોર્ટે ફગાવી દીધી હતી. એ જ રીતે, 04-09-2021ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગાંધીધામના રાહુલ કાના ચાવડા અને ભીમાસરના શંભુ શામજી ગોગરા (આહીર) વિરુધ્ધ ગેરકાયદે વ્યાજવટાવ અને ધાક-ધમકીની ફરિયાદ દાખલ થયેલી.આ કેસમાં આરોપીએ કરેલી આગોતરા જામીન માટેની અરજીમાં બન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બે અલગ કેસમાં ત્રણ આરોપીઓએ કરેલી આગોતરા જામીન અરજીનકારી હતી.

ગાંધીધામના એડિશનલ સેશન્સ જજ તુષાર વી. જોશીએ આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદીઓની મજબૂરીનો લાભ લઇ શોષણ કરતાં રહ્યાં હોવાનું રેકર્ડ પરથી જણાઈ આવે છે. તેમણે નાણાં ધીરધારનું કોઈ લાયસન્સ લીધેલું નથી અને ધીરેલાં નાણાંનો કોઈ ચોખ્ખો હિસાબ, વ્યાજનો સ્પષ્ટ દર અને બાકી રકમનો અોડિટેડ હિસાબ રજૂ કરવો જોઈતો હતો.

તે રજૂ કર્યો નથી. ગેરકાયદે રીતે વધુ વ્યાજ-વટાવના ધંધાને સમાજની સેવા માની ના શકાય અને તે દ્વારા કોઈની ઉપર ઉપકાર કર્યો છે તેવું પણ માની ના શકાય. આવા માનવતાવિહીન પ્રકારના આર્થિક ગુનામાં મજબૂર વ્યક્તિ અને સમાજ ઉપર ખૂબ જ વિપરીત અસર પડી રહેલ છે, જેને નજર અંદાજ કરી શકાય નહીં.

પોક્સો એક્ટના ગુનામાં પણ કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે પોક્સો એક્ટ સહિતની કલમો તળે તા.16-09-2021 ના રોજ નોંધાયેલા ગુનામાં સેક્ટર-5 માં રહેતા આરોપી પ્રવિણ કાનજી સથવારાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી ગાંધીધામ અધિક સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં થઇ હતી. આ કેસમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં બન્ને પક્ષકારોની દલીલો સાંભળી અધિક સેશન્સ જજ અને સ્પેશીયલ પોક્સો જજ ટી.વી. જોષીએ આરોપી પ્રવીણે કરેલી આગોતરા જામીન ફગાવી હતી. સરકાર પક્ષે એડ્વોકેટ એમ.આર.જાડેજાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...