તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વોર્ડમાં પાણી શેડ્યૂલને બદલે બીજા દિવસે આપવની નગરસેવકની માંગ ફગાવાઇ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નગરસેવકે કરેલી જિદ્દ સામે પદાધિકારીએ પણ નમતું જોખવાનું ટાળ્યું

ગાંધીધામ નગરપાલિકામાં નવી ટીમના આગમન પછી પાણીની સ્થિતિ ડગુમગુ થઇ રહી છે. છતે પાણીએ ભર ચોમાસામાં લોકોને પાણી આપવામાં કોઇને કોઇ કારણોસર નિષ્ફળ ગયેલા શાશકો અંદરો અંદર હઠાગ્રહ રાખીને પોતાના વિસ્તારમાં પાણી મળે તેવું ઇચ્છે છે. તાજેતરમાં વિતરણને લઇને નિયત થયેલા દિવસે પાણી આપવા તંત્રએ નક્કી કર્યા પછી બજાર વિસ્તાર સહિતના એરિયામાં પાણી બીજા દિવસે આપવા ભાજપના નગરસેવકે હઠાગ્રહ રાખ્યો હતો. આમ આગામી દિવસોમાં ભાજપમાં ખટપટનો ખેલ વધુ વકરે તો નવાઇ નહીં.પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પાણી વિતરણ વ્યવસ્થા ડામાડોળ બની ગઇ છે.

આજે પાણીનો જે વિસ્તારમાં શિડ્યુઅલ મુજબ સમય હતો તે બદલાવીને કાલે પાણીનું વિતરણ કરવા માટે ભાજપના જ એક નગરસેવક દ્વારા જિદ્દ પકડવામાં આવી હતી.ભાજપના પદાધિકારીઓએ આ બાબતે કૂણું વલણ દાખવે તો અન્ય શિડ્યુઅલને અસર પડે તેવી સ્થિતિ હોવાથી તાબે થયા ન હતા, જોકે ભાજપના આ મહાશય સભ્યએ લમણાજિંક પણ વધુ કરી હતી. ભાજપના ટોચના આગેવાનો અને કેટલાક નગરસેવકોએ પાણી વિતરણ વ્યવસ્થાને લઇને કોઇ ગરબડ ન થાય તે માટે પાણીના ટાંકા પર પણ મોરચો માંડ્યો હતો અને પાણી જેતે વિસ્તારમાં મળે તે માટે પ્રયત્ન કર્યા હતા.

સભ્ય દ્વારા ધમકી આપવામાં આવી હતી ?
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ, ભાજપના સભ્ય દ્વારા એક તબક્કે તેમના વોર્ડમાં પાણીનો સમય બીજા દિવસે ન અપાય તો જલદ પગલાં ભરવાની ચીમકી પણ આપી હતી. પાલિકાના ટોચના પદાધિકારી અને પ્રથમ વખત જ ચૂંટાયેલા સભ્ય અને આ નવ યુવાન નવા સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હોવાના સંકેત પણ મળ્યા હતા.

અગાઉ વોર્ડ નંબર 1 માં વિવાદ થયો હતો
વોર્ડ ન઼બર 1 માં પાણી મુદ્દે સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવ્યા છતાં કોઇ નીરાકરણ આવતું ન હોવાથી કેટલાક સભ્યોએ પાણીના ટાંકા પર જઇને તેમના વિસ્તારને પાણી આપવા પાણી બતાવ્યું હતું જેને લઇને અન્ય વિસ્તારોના પાણીના શિડ્યુઅલને અસર પડી હતી જેમાં ભાજપના જ અંદરો અંદરના સભ્યો આમને સામને આવી ગયા પછી ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. અંતે મામલો થાળે પડ્યો હતો.

કેટલાક વાલ્વમેનો ગાંઠતા નથી
નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને ચીફ ઓફિસર લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક વાલ્વમેનો આડોડાઇ કે અન્ય કારણોસર પૂરતા પ્રેશરથી પાણી મળે તે માટે વાલ્વ ખોલતા નથી તેવો ચણભણાટ પણ બહાર આવ્યો હતો. વળી કેટલાક સ્થળ ઉપર વાલ્વમેનને પૈસા આપવામાં આવે તો વધુ વાલ્વ ખોલતા હોવાની ફરિયાદ રૂપી આક્ષેપ પણ ટોળાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં કોઇ તપાસ કરી હોય કે પગલાં ભરાયા હોય તેવી વિગત બહાર આવી નથી.

અન્ય સમાચારો પણ છે...