અવિરત ઝુંબેશ:રોટરી સર્કલથી રાજવી ફાટક સુધી 37 દબાણ પર બુલડોઝર ફર્યું

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસના વિરામ પછી નગરપાલિકાએ અન્ય સ્થળે દબાણ દૂર કર્યું
  • શહેરના પ્રવેશવાના સ્થળો ઉપર દબાણ ન જોઇએ તેવી પાલિકાની નીતિ યથાવત રહેશે કે કેમ ?

ગાંધીધામ નગરપાલિકા દ્વારા ટાગોર રોડ પર માર્ગ અને મકાન વિભાગ, પોલીસના સહયોગથી બે દિવસ દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ રેલ્વે સ્ટેશન આસપાસ અને હાઇવે પરના દબાણો દૂર કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એકાદ દિવસના વિરામ પછી ફરી એક વખત દબાણ હટાવ ઝૂંબેશને વધુ વેગવાન કરવાની દિશામાં પગલાં ભરવામાં આવ્યા હતા. આજે રોટરી સર્કલથી રાજવી ફાટક સુધીના વિસ્તારમાં રોડ પર ખડકાયેલા લારી ગલ્લા સહિતના અંદાજે 37 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

નગરપાલિકા દ્વારા શહેરના પ્રવેશદ્વાર આસપાસ કોઇ દબાણ ન હોય અને બહારથી આવતા લોકો સારી છાપ લઇને જાય તથા શહેરમાં ટ્રાફીકની સમસ્યા ન વકરે તે સહિતના મુદ્દે પગલાં ભરવામાં આવી રહ્યા છે. દિવાળી પછી મૂર્હત કાઢીને પાલિકા દ્વારા જે-તે ઓથોરિટી સાથે મળીને દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યાં કેટલીક વખત વિરોધનો સામનો કરવાની નોબત પણ આવી છે પરંતુ પોલીસના રક્ષણ સાથે અને સમજાવટથી કામ લઇને દબાણકારોનો વિરોધ શાંત કરવામાં સફળતા મેળવાઇ છે. જો કે, પ્રવેશદ્વાર આસપાસના દબાણો હટાવવામાં આવ્યા તે ફરીથી ન આવે તે માટે પાલિકાઅે યોગ્ય આયોજન ન કરાય તો પરિસ્થિતિ યથાવત થઇ જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સંકુલના અન્ય દબાણો પણ તબક્કાવાર દૂર થાય
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ, રેલ્વે સ્ટેશન, આદિપુર બસ સ્ટેશન, ટાગોર રોડ સહિતના સ્થળો પર જે રીતે દબાણ હટાવવામાં આવ્યું છે તે રીતે સંકુલના જુદા જુદા વિસ્તારોમાં ઉભા થયેલા દબાણો અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવે તે પણ જરુરી છે. આવી જ રીતે રેલ્વે, હાઇવે ઓથોરિટી, ડીપીટી વગેરે સાથે સંકલન સાધી દબાણ હટાવાયા છે તે ધોરણે ઝોન આસપાસ રોડ પરના દબાણો ઉપર પણ તવાઇ લાવવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...