તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પાલિકાને 70 લાખની ગ્રાન્ટ ન મળતાં વહિવટ ડામાડોળ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ઓક્ટ્રોયની અવેજીમાં ગ્રાન્ટ આપવામાં આવે છે
  • મિલકત વેરાના બિલ ભરાતાં સ્વભંડોળમાં આવી આવક

રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોય નાબૂદ કર્યા પછી તેની અવેજીમાં કર્મચારીઓના પગાર વગેરે મુદ્દે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ગ્રાન્ટ આપવા નક્કી કરવામા઼ આવ્યું હતું. કોરોનાની મહામારી કે અન્ય કારણોસર ગાંધીધામ નગરપાલીકાને દર મહિને ઓક્ટ્રોયની અવેજીમાં મળતી અંદાજે 70 લાખની ગ્રાન્ટ ન મળતાં વહિવટ ડામાડોળ બન્યો છે. નાના મોટા કામો કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. જો કે, મિલકત વેરાની થઇ રહેલી આવક અને અન્ય બાકી બચતને લઇને પાલિકાનું ગાડું ગબડાવાઇ રહ્યું છે. પાલિકાના કર્મચારીઓનો પગાર પણ ગ્રાન્ટ આવી ન હોવા છતાં ચૂકવી દેવામાં આવ્યો હતો.

કોરોનાના પગલે અનેકવિધ ક્ષેત્રે તેની વ્યાપક અસર પડી રહી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મોટામાં મોટું ભારણ કર્મચારીના પગારનું રહેતું હોય છે. “અ’ વર્ગનીગાંધીધામ પાલિકામાં એકબાજુ હાલ જે-તે સમિતીઓની રચના ન થતાં લોકોના કામો અટકી રહ્યા છે. ખૂદ ભાજપના નગરસેવકો પણ પોતાના વિસ્તારના કામો કરાવવા માટે આજીજી કર્યા પછી પણ કેટલાક સંજોગોમાં સામાન્ય કામો પણ કરાવી શકતા નથી તેવી સ્થિતિ છે. દરમિયાન જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ, દર મહિને અપાતી ગ્રાન્ટ ન મળતાં મુશ્કેલી ઉભી થઇ હતી.

અંદાજિત75 લાખથી વધુ પગાર ચૂકવવાથી લઇને અન્ય પાણી, વીજળીના બિલ ભરવા વગેરે ખર્ચા કરવા મુશ્કેલ બન્યા હતા. મિલકત વેરાની નવા નાણાકિય વર્ષથી બજવણી કરવામાં આવતાં બિલમાં અપાતી રાહતની છૂટછાટને લઇને કોરોનામાં આર્થિક રીતે કમર તૂટી ગઇ હોવા છતાં કેટલાક મિલકત ધારકોએ વેરો ભરવાનું ચાલુ રાખ્યું છે. જેને લઇને પાલીકાના સ્વભંડોળમાં આવક આવી રહ્યાનું તારણ પણ નિકળી રહ્યું છે.

પદાધિકારીઓ અને વિપક્ષની નિષ્ક્રિયતા
શહેરના લોકોએ ભાજપને ફરી એક વખત ખોબલે ખોબલે મત આપીને બહુમતિ આપી હતી. 52 માંથી 47 બેઠકો આપ્યા પછી નવા વહિવટદારો હજુ લોક સેવાને લગતા ઉલ્લેખનિય કહી શકાય તેવા કામો કરવામાં પણ ઉદાસિનતા સેવતા હોવાની છાપ પણ પડી રહી છે. સરકારમાં રજુઆત કરીને બાકી પેન્ડિંગ કામો ફટાફટ શરૂ થાય તે માટે જે સક્રિયતા દાખવવી જોઇએ તેની પણ ઉણપ જણાઇ રહી છે. માત્ર ફોટો સેશનના કાર્યક્રમોમાં વધુ રસ દાખવાતો હોય તેવું ચિત્ર લોકોમાં ઉપસી રહ્યું છે. જ્યારે વિપક્ષ પણ આવી વિકટ પરિસ્થિતિમાં લોકોના પ્રશ્નો અંગે વધુ જાગૃતિ દાખવવી જોઇએ તેનો અભાવ જણાઇ રહ્યો છે. આવા સંજોગોમાં હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને સત્તા પક્ષ અને વિપક્ષે આળસ મરડીને પોતાની ભૂમિકા ભજવવા પ્રયત્નશીલ થવું જોઇએ તેવી લોક લાગણી છે.

પાલિકાના નિવૃત કર્મચારીઓને 3 કરોડથી વધુ રકમ ચૂકવવાના ફાંફા

પગાર પંચનો લાભ આપ્યા પછી તફાવતની રકમ મેળવવા કર્મચારીઓ પાલિકાના પગથિયાં ઘસે છે

નગરપાલિકાના નિવૃત થયેલા કર્મચારીઓ 2016 પછીનાને પગાર પંચનો લાભ મળતાં તફાવતની રકમ આપવા માટે પાલિકા પાસે નાણાંભીડ વર્તાઇ રહી છે. કેટલાક કર્મચારીઓ આ રકમ મેળવવા માટે રોજેરોજ પાલિકામાં આવીને રજૂઆત કરે છે પરંતુ સ્વભંડોળમાં જ રકમ ન હોવાથી કેવી રીતે પૈસા ચુકવવા તે એક પ્રશ્ન છે. અંદાજે 3 કરોડથી વધુ રકમ ચૂકવવાની થાય છે ત્યારે પાલિકાના નવા આવેલા પદાધિકારીઓ આ બાબતે કોઇ યોગ્ય રસ્તો કાઢવામાં આવે તેવી માગ કર્મચારીઓ કરી રહ્યા છે.

પાલિકાના કર્મચારીઓને નિવૃત થયા પછી પણ તેના હક્કની રકમ મેળવવા માટે રઝળપાટ કરવી પડે છે. કેટલાક કર્મચારીઓએ તો આ રકમ મળશે તે આશાએ અન્ય જગ્યાએ લોન લીધી છે અથવા તો અન્ય કોઇ પ્રસંગમાં આ રકમ વપરાશે તેવી આશા બાંધીને બેઠા છે. આ કર્મચારીઓ પાલિકામાં તાકીદે આ રકમ મળે તે માટે રજૂઆત કરે છે.

પાલિકાના વહીવટદારોની પણ તિજોરીમાં રકમ ન હોવાથી કેવી રીતે આ રકમનું ચુકવણું કરવંુ તે મુંઝવણમાં છે. રકમ મેળવવા માટે ધક્કા ખાતા કર્મચારીઓ એવી પણ લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે, જરૂર પડે હપ્તે હપ્તે રકમ ચૂકવવામાં આવે. જોકે, પાલિકામાં નાણાંકીય સ્થિતિ સદ્ધર થાય તે માટે નવા હોદ્દેદારોએ જે ચિંતન કરવું જોઇએ તેનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...