વિવાદ:ખંભરામાં છેડતી બાદ બે જુથ વચ્ચે ડખો વકરતાં તંગદિલી: પોલીસ કાફલો ખડકાયો

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત મધરાત્રે બનેલી ઘટનામાં બે ઘાયલ : બીજા પક્ષે લૂંટનો આરોપ કર્યો
  • ગુરૂવાર બાદ શનિવારે ફરી મારામારીની ઘટના: બન્ને પક્ષના 19 વિરૂધ્ધ ગુનો

અંજાર તાલુકાના ખંભરા ગામે બુધવારે છેડતીના બનાવ બાદ બીજા દિવસે એક જુથે બે મહિલા સહિત ચારને ઘાયલ કર્યા બાદ સામેના જુથ દ્વારા શનિવારે રાત્રે પ્રાણઘાતક હથિયાર વડે પાંચ જણાએ હુમલો કરતાં બે દિવસથી ખંભરા ગામનો માહોલ તંગ બન્યો હતો, જો કે મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસે આ બબાલ વકરતાં ગામમાં પોલીસ કાફલો ખડકી દઇ માહોલને કાબૂમાં લીધો હતો. બન્ને પક્ષે નોંધાવેલી ફરિયાદ બાદ 19 વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

આ સમગ્ર બનાવનો ઘટનાક્રમ મંગળવારે બે યુવતીની છેડતીના બનાવ સાથે શરૂ થયો હતો જેમાં ભોગ બનનાર બે યુવતીએ નિર્મલસિંહ હઠીસિંહ જાડેજા, શ્રકાન્ત હઠીસિંહ તેમજ રાજેશ ઉર્ફે હોલિયા નામના ઇસમે બન્ને જણા સામે બિભત્સ ચેન ચાળા કરી છેડતી કર્યા ઉપરાંત જાતિ અપમાનિત કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવ્યાના બીજા દિવસે આ બાબતનું મનદુ:ખ રાખી કુહાડી અને ધોકાથી બે મહિલા સહિત ચારને ઇજા પહોંચાડાઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

આ ઘટના ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં ખંભરા ગામે કાનબાઈ કરસનભાઈ સુંઢાના ઘરમાં હુમલો થયો હતો. કાનબાઈના બે પુત્રો રાજેશ અને મયૂર બુધવારે તેમના સમાજની યુવતીઓની છેડતી મામલે કરેલી મારામારીના કેસમાં આરોપી હોઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઘરે રાજેશ અને મયૂરની પત્નીઓ અને સાસુ કાનબાઈ એકલાં હાજર હતા ત્યારે પાંચ શખ્સો ગાડીમાં ધારિયા-કૂહાડી લઈ ધસી આવી બાકીના ચાર જણે કાનબાઈના ઘરમાં ઘૂસી જઈ તોડફોડ કરી હતી.

હથિયારધારી યુવકોના હુમલાથી ફફડતાં પરિવારે ફોન પર આસપાસમાં રહેતા લોકોને જાણ કરતાં લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. ટોળાને જોઈ પાંચેય યુવકોએ ગાડીમાં નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો પરંતુ હિતેન્દ્રસિંહ નામનો યુવક ટોળાના હાથે ચડી ગયો હતો. આ યુવાન પર લોકો તૂટી પડ્યા હતા. અંગે કાનબાઈએ મોડી રાત્રે અંજાર પોલીસ મથકે હકુડા નામના યુવક અને ચાર અજાણ્યા મળી પાંચ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

તો સામે પક્ષે સમરતસિંહ જોરૂભા વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હિતેન્દ્રસિ઼હ તેમના સાળા શ્રીકાંતસિ઼હને પૈસા આપવા ખંભરા ગયો હતો ત્યારે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી રાજેશ કરશન મહેશ્વરી, રાજેશની માતા, ભાવેશ બુધીયા મહેશ્વરી, મયુર કરશન મહેશ્વરી, ગોપાલ નામોરી, ભુરો નામોરી, હિરેન મહેશ્વરી, હીના બુધીયા, નિલમ ગોપાલ તેમજ અજાણ્યા અન્ય ચાર શખ્સોએ પ્રાણઘાતક હથિયાર ધારણ કરી માથાના ભાગે ગંભીર ઇજા પહો઼ચાડી રોકડા રૂ઼બે લાખ અને મોબાઇલની લૂંટ કરી ગાડીમાં પણ નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ તેમણે નોંધાવી હતી.

બુધવારે થયેલી બબાલ બાદ પોલીસ સતર્કતા બતાવી શકી હોત
મંગળવારે છેડતીના બનાવ બાદ બીજા દિવસે ધીંગાણું ખેલાયું હતું અને સામ સામી ફરીયાદો પણ આ ઘટનામાં નોંધાયા બાદ જો પોલીસે સતર્કતા દાખવી આ ઘટનાની ગંભીરતા પારખી હોત તો તંગદીલી ઉભી ન થાત તેવી ચર્ચાઓ પણ સંભળાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...