વેરા વસૂલાતમાં વિલંબ:વેરા વસૂલાત 36ની સામે હજુ 14 કરોડે પહોંચી!

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ નગરપાલિકા માટે જુના અને નવા લેણાં મળી નવા નાણાંકીય વર્ષે 36 કરોડ જેટલો લક્ષ્યાંક
  • વર્ષ પતવા આવ્યું પણ સુધરાઇના કામમાં કોઇ સુધારો નહીં : 6 ટીમના 12 કર્મચારીઓ વેરા વસૂલવા માટે સંપર્ક સાધે છે : બે દિવસ પહેલા પાલિકાની તિજોરીમાં 12 લાખ આવ્યા હતા

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસૂલવા માટે જે રીતે આયોજન કરવું જોઇએ તે કરાતું નથી. દર વર્ષની આ નબળાઇ પછી નવા નાણાંકીય વર્ષમાં અપાતા ટાર્ગેજ મુજબ આગળ વધવું જોઇએ તેમાં કોઇ સુધારો લવાતો નથી અને પરંપરાગત રીતે પાલિકા આગ‌ળ વધતી હોય છે. અંદાજે 36 કરોડ જેટલો લક્ષ્યાંક નક્કી થયો છે તેમાં હાલ 14 કરોડની રકમ પાલિકાની તિજોરીમાં આવી છે.

55 હજારથી વધુ મિલ્કતો બોલી રહી છે પરંતુ હજુ કેટલીક મિલ્કતો નવી બની રહી છે તે ઉમેરાતી નથી. જેને લઇને પણ સર્વે કરીને પગલા ભરવા જોઇએ તેની પણ ઉણપ જોવા મળી રહી છે. નોટિસ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે કેટલાક આસામી પૈસા ભરી જાય છે.

પાલિકાના આવકના મુખ્ય સ્ત્રોતમાં જોવામાં આવે તો જુદા જુદા વેરાનો સમાવેશ થાય છે. સ્વભંડોળને તરતું કરવા માટે મહત્વની આવકમાં જુદા જુદા વેરાઓનો ફાળો અગત્યનો હોય છે. પરંતુ જોઇએ તેવી વસૂલાત થતી નથી. જેને લઇને ઉચ્ચકક્ષાએથી પણ પાલિકાને ઠપકો ખાવાની નોબત આવતી હોય છે. ટેક્ષસેશન કમિટિના ચેરમેન મનોજ મુલચંદાણીએ દાવો કર્યો હતો કે નોટિસ કાઢવામાં આવી રહી છે અને વધુને વધુ આવક આવે તે માટે સૂચના આપવામાં આવી રહી છે.

દરમિયાન જોવામાં આવે તો ગત ટર્મ વખતે જેની પાસે મોટી રકમ બાકી હતી તેના લીસ્ટ તૈયાર કરીને તત્કાલિક કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતા દ્વારા તાળવણી કરીને લાગતા વળગતાઓને બોલાવીને પાલિકાના વેરા ભરાઇ જાય તે માટે વાતચિત કરતા હતા અને તેને લઇને કેટલાક બાકીદારોના વેરાની વસૂલાત થઇ પણ હતી. એક તબક્કે પાલિકાએ અગાઉ વેરા વસૂલાત માટે ખાનગી પાર્ટીને કામે રાખી હતી. પરંતુ તે ઉકાળી શકી ન હતી.હાલ જોવામાં આવે તો નગરપાલિકા પાસે એક તો કર્મચારીઓ ઓછા છે તેવા સંજોગોમાં 6 ટીમના 12 કર્મચારીઓ જુદા જુદા સ્થળો પર જઇને વેરાની વસૂલાત માટે બાકીદારોને સૂચના આપે છે.

40થી વધુ હોટલ- રેસ્ટોરન્ટના પ્રોપર્ટી ટેક્ષ માફ
સરકાર દ્વારા કોરોના કાળને ધ્યાનમાં રાખીને હોટલ, રેસ્ટોરન્ટના પ્રોપર્ટી ટેક્ષને માફ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પાલિકા દ્વારા આ બાબતે સર્વે કર્યો હતો જેમાં જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ અંદાજે 40થી 42 આવી મિલ્કતો હતી. જે પાલિકાના ચોપડે હતી તેને જ આ વેરાની માફીનો લાભ આપી શકાશે. તેમાં પણ માત્ર પ્રોપર્ટી ટેક્ષ જ માફ કરાશે. અન્ય વેરાઓ વસૂલાશે. જોકે, અગાઉનું બિલ બાકી હશે તો તે બાદ નહીં થાય તે ભરવું જ પડશે.

હવે બાકીના સમયમાં યુદ્ધસ્તરે આગળ વધવું પડશે
પાલિકાના વેરાની વસૂલાત વધુને વધુ થાય તે દિશામાં નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ સંયુક્ત રીતે ચિંતન કરવાની જરૂર છે. હવે બાકીના ત્રણ મહિનામાં વધુને વધુ આવક પાલિકાની તિજોરીમાં થાય તે માટે જરૂર પડે નળ- ગટર કનેકશન કટ કરવાની સાથે મિલ્કતોની સીલ મારવાની સાથેની તૈયારી દાખવવી પડશે. અગાઉ એવું પણ પાલિકાએ કર્યું હતું. જેમાં મસમોટી રકમ જેની બાકી હતી તેના નામના હોર્ડીંગ લગાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...