તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:સભ્યોને વિશ્વાસમાં લઇ કામ કરવા ટકોર, ગાંધીધામ તાલુકા પંચાયત ખાસ સભામાં ગ્રાન્ટના કામોને બહાલી

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠીરોહર પીએચસીને એમ્બ્યુલન્સ ફાળવવા, તા.પં.નું નવું બિલ્ડીંગ બનાવવા લીલીઝંડી અપાઇ

ગાંધીધામ તાલુકા પંચાયતની ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં પંદરમા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2021 તાલુકા કક્ષાએ 20 ટકા ગ્રાન્ટમાંથી પીએચસી મીઠીરોહર માટે એમ્બ્યુલન્સ વસાવવા ખુટતી રકમ ફાળવવાથી લઇને ગળપાદરમાં હાઇસ્કૂલ માટે કાર્યવાહી કરાવવા સહિતના મુદ્દાઓને બહાલી અપાઇ હતી. ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અગાઉની સભાના ઠરાવના અમલીકરણને મંજુરી આપવામાં આવી હતી. 15મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2020-21 તાલુકા કક્ષાએ 20 ટકાના કામો અંદાજે 96 લાખના કરવા માટે તાલુકા સમિતિએ કરેલા આયોજનને પણ મંજુરી આપવામાં આવી હતી.

ગળપાદર ગામમાં હાઇસ્કૂલ માટે સુવિધાનો અભાવ હોવાથી ખાસ કરીને કન્યાઓને ભણવા માટે સુવિધા ન હોઇ બહાર ગામ જવું પડતું હોવાથી ભણતર કેટલીક છાત્રાઓ છોડી દે છે તેવી સ્થિતિ છે. તેનેલઇને આ સુવિધા ઉભી થાય તે માટે આવેલી દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. તાલુકા પંચાયતનું બિલ્ડીંગ 2004 એપ્રિલના બનાવવામાં આવ્યું છે, જે નવું બનાવવા માટે નાયબ કાર્યપાલક ઇજનેરના અભિપ્રાય બાદ આગળ વધવામાં આવશે.

સભા પૂર્ણ થઇ ગયાની જાહેરાત બાદ ચર્ચા વિચારણાનો દોર ચાલું રહ્યો હતો જેમાં કારોબારી સમિતિના ચેરમેન નિખિલ હડીયા દ્વારા કેટલાક સભ્યોની લાગણી અંતર્ગત જણાવ્યું હતું કે, જે તે વિસ્તારના કામો હોય તે વિસ્તારના સભ્યોને પણ તેની જાણકારી આપીને પૂછીને કામ દેવામાં આવે તે જરૂરી છે. એક મહિલા સભ્યે તેમના વિસ્તારની સમસ્યા ઉકેલાતી ન હોવાની પણ હૈયાવરાળ કાઢી હતી. જ્યારે વિપક્ષના અલ્પેશ જરૂએ અત્યાર સુધી ખાસ સભા જ બોલાવવામાં આવી છે. જેને લઇને પ્રશ્નોત્તરી કરવામાં આવતી નથી તે સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. સભામાં ધનજીભાઇ આહિર સહિતના અન્ય તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...