કાર્યવાહી:કાસેઝમાં દુબઈથી આયાત થયેલો 160 ટન બેઝઓઈલનો શંકાસ્પદ જથ્થો સીઝ

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • DRI અને કસ્ટમનું સેઝમાં જોઈન્ટ ઓપરેશનઃ 8 ટેન્કરમાં 82 લાખના કાર્ગોને થોભાવ્યો, ખરેખર કિંમત કરોડોની હોવાની વકી
  • મીસ ડિક્લેર કરી ડિઝલ, કેરોસીન આયાત કર્યાનો શક, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયાઃ એબી વેરહાઉસમાં સ્ટોરેજ, શીવા એન્ટરપ્રાઈઝ ઈમ્પોર્ટર

કાસેઝમાં રેવન્યુ ઈન્ટેલીજન્સ ની બે એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આઠ ટેન્કરને રુકજાવોનો આદેશ આપી દીધો હતો. જથ્થાના સેમ્પલ લઈને તે ખરેખર શું છે ? તે તપાસવા સેમ્પલ લેબોરેટરી મોકલી અપાયા છે. બેઝ ઓઈલ હોવાનું જાહેર કરીને તેમાં ડીઝલ કે કેરોસીન જેવી પેટ્રોલીયમ પ્રોડક્ટ ઘુસાડવાની શંકાએ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

ગુરુવારના સાંજે કંડલા કસ્ટમની એસઆઈઆઈબી અને ડીઆરઆઈની ટીમે કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ધસી જઈને કોઇ નિશ્ચિત બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ચાર સ્થળ પરજ અને ચાર નિકળી ગયેલા ટેંકરને પરત બોલાવીને ઉભા રખાવી દેવાયા હતા. આંતરિક આધારભુત સુત્રોનાં જણાવ્યા અનુસાર શીવા એન્ટરપ્રાઈઝ નામક આયાત કાર પેઢીએ આ કાર્ગોને કાસેઝમાં આવેલા એબી વેરહાઉસમાં સ્ટોર કરેલા હતા.

દુબઈથી બેઝ ઓઈલ હોવાનું ડિક્લેર કરીને આયાત કરેલા 160 ટન જથ્થો ખરેખર તો ડિઝલ કે કેરોસીન જેવો અન્ય કોઇ વધુ મૂલ્યવાન પેટ્રોલિયમ પદાર્થ હોવાની શંકા હતી. બેઝ ઓઈલના આધારે આ જથ્થાની કુલ કિંમત 82 લાખ આસપાસ થવા જાય છે, પરંતુ જો મીસડિક્લેરેશન કરીને કરોડોની કિંમતનો જથ્થો ઘુસાડાયાનો કારસો હોવાની શંકાના આધારે બન્ને એજન્સીઓએ ધસી જઈને કુલ 8 ટેંકરને થોભાવીને તપાસ કામગીરી હાથ ધરી હતી. જે તમામમાંથી સેમ્પલ લઈને ખરેખર આ જથ્થો શું છે, તે તપાસવા કંડલા લેબોરેટરી મોકલાયા છે.

4 નિકળી ગયેલા ટેન્કરને પાછા બોલાવ્યા, કુલ 10 ટેન્કર આવ્યા હતા
એજન્સીઓ તપાસ કરવા પહોંચી ત્યારે સ્થળ પરથી બેઝ ઓઈલના નામે ભરેલા 4 ટેંકર નીકળવાની તૈયારીમાં હતા. ત્યારેજ એજન્સીઓએ તેને રોકાવી દીધા હતા. તો બીજી તરફ તપાસ કરતા માલૂમ પડ્યું કે આજ પ્રકારના 4 ટેંકર તો નિકળી ગયા છે. જેથી તેમને પરત બોલાવવામાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આયાત થયેલા 160 ટનના જથ્થાને ભરવા માટે 10 ટેંકર મંગાવાયા હતા, જે તમામ જથ્થો 8ટેંકરમાંજ આવી ગયો હતો.

કોંગ્રેસી રાજનેતાની ભૂમિકા પર ચર્ચા ઉઠી, અગાઉ પણ હતા વિવાદમાં
અગાઉ યેનકેન કારણોસર ચર્ચામાં રહેલા કોંગ્રેસી રાજનેતાનું કનેક્શન પણ આ પ્રકરણમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. રાજકીય તેમજ અન્ય ઓથ તળે કામ કઢાવવા, મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યાની ઉચ્ચ સ્તરે રજુઆત પણ થઈ હોવાનું અગાઉ પ્રકાશમાં આવ્યું હતું.

‘સમાધાન’ માટે સવાર સુધી દોડાદોડી, પણ મેળ જ ના પડ્યો
સુત્રોએ જણાવ્યું હતું કે કાલ સાંજની કાર્યવાહી બાદ બીજા દિવસના સવાર સુધી અનેક રઝળપાટો થતી રહી હતી, ‘સમાધાન’ ના પ્રયાસો પણ ઘણા કરાયા હતા. પણ મેળ ના પડતા આખરે ઉંટએ પહાડ નીચે આવીજ જવુ પડ્યું હતું.

આયાતકાર પેઢી સાચી કે ઉભી કરેલી ?, તપાસનો વિષય
ઝડપાઈ જતા સીધા આરોપીમાં ન આવે તે માટે દાણચોરો ફેક આયાતકાર પેઢી ઉભી કરતા હોવાની રીત જુની છે. જેથી ફરી આ મોડસ ઓપરેન્ડી નો ઉપયોગ તો નથી કરાઈ રહ્યો ને? તે દિશામાં પણ તપાસ થવી જોઇએ તેવી ચર્ચા જાણકાર વર્તુળોમાં ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...