વ્યવસ્થા:સ્ટાફને મતદાન મથકે રવાના કરાશે, વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી સુપેરે પાર પાડવા તૈયારી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામની 6 ગ્રામ પંચાયતમાં 25 હજારથી વધુ મતદારોના મતદાન માટે 42બુથ પર વ્યવસ્થા ગોઠવાઇ

ગાંધીધામ તાલુકાની 6 ગ્રામ પંચાયતોની તા. 19મીએ યોજાનાર મતદાનની પ્રક્રિયામાં મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર બંદોબસ્ત રાખવાની સાથે સાથે શનિવારે સવારે જ મૈત્રી સ્કૂલથી ચૂંટણીના અંદાજે 200 જેટલા સ્ટાફને જે તે ઝોનલ રૂટ પર રવાના કરી દેવામાં આવશે. અંદાજે 25 હજારથી વધુ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.

કચ્છના સૌથી નાના તાલુકાની 7 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના અન્ય જિલ્લાની સાથે થયેલી આ જાહેરનામાની પ્રક્રિયા પછી ગળપાદર ગ્રામ પંચાયત સમરસ બની હતી. વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલી 6 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરાવવામાં આવી હતી. દરમિયાન શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે દિશામાં પગલા ભરવા બેઠકો પણ યોજવામાં આવી હતી. મામલતદાર સહિતના અધિકારી દ્વારા સંબંધિત બાબતો પર ધ્યાન રાખીને કોઇ કચાસ ન રહે તે માટે પણ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.

દરમિયાન ચૂંટણી સંબંધિત સ્ટાફને તાલીમ પણ આપવામાં આવી હતી. હવે આવતી કાલે શનિવારે જેતે બુથ પર સ્ટાફને રવાના કરવાના હેતુથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજ સુધીમાં જ મોટા ભાગના બુથ પર સ્ટાફ પહોંચી જશે. 42થી વધુ બુથ પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સૂત્રોના દાવા મુજબ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલા પણ ભરવામાં આવ્યા છે.

ગામડાઓમાં ઓપરેશનો શરૂ થયા
કચ્છ જિલ્લામાં સૌથી નાની તાલુકા પંચાયતમાં કેટલીક ગ્રામ પંચાયતો મોટા ગામો ધરાવે છે. આ વધારે વસ્તી વાળી ગ્રામ પંચાયતોમાં સોગઠા બાજી ગોઠવવામાં આવી હતી. આમને સામને ઉમેદવારો ઉભા રાખ્યા પછી હવે મતદાન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સૂત્રોના દાવા મુજબ કેટલાક આગેવાનો દ્વારા રાત્રિના સમયે ઓપરેશનો હાથ ધરીને જે તે ઉમેદવારના સમર્થનમાં વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરશે અને જરૂર પડે નાણાંની કોથળી છૂટી મુકવાની સાથે કંઇક સમાધાનો પણ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...