ચક્કાજામ:ગળપાદર બ્રિજના કામમાં ઝડપ લાવો, ટ્રાફિકજામનો પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલનની અપાઇ ચિમકી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામથી મુન્દ્રા હાઇવે પર એક કિલોમીટરના બ્રિજનું કામ ધીમી ગતિએ થતાં વાહન ચાલકો ત્રસ્ત

હાઇવે પર ચાલતા કામને લઇને અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. ગાંધીધામથી મુન્દ્રા, મુન્દ્રાથી ગાંધીધામ તરફ આવતા ગળપાદર બ્રિજનું અંદાજે એક કિલોમીટરનું કામ વિલંબમાં પડ્યું છે. ગોકળગતિએ ચાલતા આ કામને લઇને અવારનવાર ટ્રાફિકજામની સમસ્યાનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે. આ કામ તાકીદે પૂર્ણ કરવા માટે કન્ટેનર એસોસિએશન દ્વારા આજે સ્થળ પર જઇને ચક્કાજામ જેવી સ્થિતિ થોડો સમય ઉભી કરવી પડી હતી. ચાર દિવસમાં જો નિરાકરણ ન લાવવામાં આવે તો પગલા ભરવા માટે પણ સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હાઇવે ઓથોરીટીના વિવિધ કામોને લઇને અવારનવાર ગાંધીધામ- આદિપુર કંડલા કોમ્પ્લેક્ષ વિસ્તારમાં વાહન ચાલકોને મુશ્કેલનો સામનો કરવાની નોબત આવી રહી છે. યોગ્ય રીતે કામ સમયસર કરવાને બદલે વિલંબ થતો હોવાથી અવર-જવર કરતા વાહન ચાલકોને જે તે હાઇવે પર સમસ્યાનો સામનો કરવો પડે છે. અને સમયનો પણ બગાડ થાય છે.

દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ- મુન્દ્રા તરફ આવતા અને જતા ગળપાદર પાસે બ્રિજ પરનું કામ અંદાજે એકાદ કિલોમીટરનું અટવાયું છે. જેને લઇને વાહન ચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે. આજે કન્ટેનર એસોસિએશનના મંત્રી ભગીરથસિંહ જાડેજા, પ્રકાશ ઠક્કર, રમેશભાઇ આહિર વગેરે ઘટના સ્થળે જઇને નિરીક્ષણ કરી કામ જલ્દી શરૂ થાય તે માટે ચિમકી આપી હતી. ચાર દિવસમાં નિરાકરણ ન આવે તો આંદોલન કરવા પણ તૈયારી કરાઇ હોવાનું જણાવાયું છે.

અગાઉ હાઇવે પર અકસ્માતો થયા છે
હાઇવે પર ચાલતા કામોમાં કેટલીક વખત જુદા જુદા કારણોસર અકસ્માતોના બનાવો પણ અવારનવાર બને છે. હાઇવે પરના આવા કામોમાં થતા વિલંબને લઇને ગ્રામજનો દ્વારા ચક્કાજામ પણ અગાઉ કરવામાં આવ્યા છે અને અકસ્માતમાં વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યા હોવાની ઘટનાઓ બની ચૂકી છે. આ તમામ બાબતો પછી યોગ્ય રીતે મોનીટરીંગ કરીને સમયસર કામ પૂર્ણ થાય અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત ઓથોરીટી જે તે આપેલા કામમાં કોન્ટ્રાક્ટરનો કાન આંમળશે કે થાપડ થાપડ ભાણાની નીતિ અપનાવશે તે એક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...