ગાંધીધામ, ચુડવા, કંડલા બાદ મીઠીરોહર સીમમાં કોઇપણ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા ધોરણ 8 પાસ બોગસ તબીબને સ્થાનિક પોલીસે મેડિકલ ઓફિસર સાથે રાખી પાડેલા દરોડામાં પકડી તેના પાસેથી મેડિકલના સાધનો, દવાઓ તેમજ રોકડ સહિત કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.
એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, સંકુલમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદોના આધારે ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઇ એચ.કે.હુંબલને મળેલી બાતમીના આધારે મીઠીરોહરની સીમમાં આવેલા મિત્તલ ટીમ્બર પટેલ પ્લોટની બાજુમાં આવેલા ક્લીનિક પર મેડીકલ ઓફિસર આદિલભાઇ કુરેશીને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં કોઇપણ માન્ય ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા ધોરણ 8 પાસ અચિંતો આતિશકુમાર વિશ્વાસની અટક કરી તેમના કબજામાંથી રૂ.4,500 ની કિંમતના મેડિકલના સાધનો અને દવાઓ, રૂ.5,000 ની કિંમતનો મોબાઇલ તેમજ રૂ.900 રોકડ સહિત કુલ રૂ.10,400 નો મુદ્દામાલ જપ્ત કરી ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 અને 35 હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે એએસઆઇ ગોપાલ મહેશ્વરી, હેડકોન્સ્ટેબલ સંજયદાન ગઢવી, હિરેન ચાવડા, કોન્સ્ટેબલ રાજાભાઇ હિરાગર, જયદિશભાઇ સહિતની ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.