તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:શિણાયના બે ઘરમાં તસ્કરો ત્રાટક્યા: 75 હજારની તસ્કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ, અંજાર અને શિણાયમાં તસ્કરો ત્રાટક્યા
  • અંજારમાં મકાનમાંથી દાગીના- રોકડ મળી 1.22 લાખની ચોરી

અંજારમાં ઘરમાંથી 1.22 લાખની અને શિણાયમાં બે બંધ મકાનોમાંથી 75 હજારની માલમત્તા ચોરાઇ હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી વિજય નગરમાં કૌશર મસ્જિદ પાસે રહેતા શેરબાનું અબ્દુલભાઇ સુમરાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 22/8ના તેમના ઘર પાસેની મસ્જિદમાં મજલિશ હોવાથી સમગ્ર પરિવાર ત્યાં ગયો હતો અને ઘરને તાળું મારી ચાવી એક થેલીમાં મૂકી તે થેલી રસોડા પાસે રાખી હતી. જેથી બંધ ઘરને જોઈ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તે ઘરની ચાવીથી ઘરમાં પ્રવેશ કરી તિજોરી ખોલી તેમાંથી સોનાની ચેન, વીંટી, નાકની સળી, ચાંદીની ચેન ઉપરાંત રોકડ રૂ. 25,000 મળી કુલ રૂ. 1,22,000ની ચોરી કરી લીધી હતી. જે બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શિણાય ખાતે આવેલી આકાર વિલામાં રહેતા ગણપતકુમાર મણીલાલ શુક્લએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.21/8 ના રોજ તેમના પત્ની અને બાળકો રક્ષાબંધનનો તહેવાર હોઇ પિયર ગયા હતા અને તેમની નાઇટ શિફ્ટ હોતાં રાત્રે પોણા દશ વાગ્યે ઘર બંધ કરી તેઓ નોકરી પર ગયા હતા. બીજા દિવસે તેઓ સવારે ઘરે પરત આવ્યા ત્યારે ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ચકાસણી કરતાં રૂ.15,000 ની કિંમતની અડધા તોલાની સોનાની 1 ચેન, રૂ.15,000 ની કિંમતની અડધા તોલાની કાનની સોનાની 1 જોડી બુટ્ટી, રૂ.15,000 ની કિંમતની સોનાની ચેન, 7,000 ની કિંમતનું મિક્સ ધાતુનું વર્ક ચડાવેલું સોનાનું કડું, રૂ.2,000 ની કિંમતનું સોનાનું પેંડલ, રૂ.20,000 ની કી઼મતની સોનાની વીંટી, ચાંદીના સાંકળા, લકી અને રૂ.1,000 રોકડ સહિત કુલ રૂ.62,000 ની માલમત્તા ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો.

તો તેમની સામે જ રહેતા હિતેષભાઇ હરેશભાઇ વાળંદના ઘરમાંથી પણ તસ્કરોએ રૂ.6,000 ની કિંમતના ચાંદીના સાંકળાની જોડ, રૂ.600 ની કિંમતની પગમાં પહેરવાની ચાંદીની 4 માછલી અને રૂ.7,000 રોકડ મળી રૂ.13,600 ની માલમત્તા ચોરી થઇ હોવાનો બહાર આવતાં તેમણે બન્ને મકાનમાંથી કુલ રૂ.75,600 ની ચોરીને અંજામ અપાયો હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી.

ગાંધીધામમાં સાળા બનેવીની દુકાનમાંથી 61 હજારની ચોરી
ગાંધીધામના વોર્ડ-12/એ માં જય પેટ્રોલિયમ અને કચ્છ ઓઇલ ડેપો નામની દુકાન ધરાવતા જયેશભાઇ આત્મારામભાઇ ઠક્કરની દુકાનના પતરા અને પીઓપી તોડી ગત રાત્રે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલા રૂ.35,000 રોકડા અને સીસી ટીવી કેમેરાનું ડીવીઆર તેમજ બાજુમાં જ આવેલી જયેશભાઇના બનેવી ગીરીશભાઇ ચંદુલાલ ઠક્કરની રિધ્ધી ટાયર્સ દુકાનમાં પણ પતરા અને પીઓપી તોડી તસ્કરોએ રૂ.6,000 રોકડા અને સીસી ટીવીના ડીવીઆરની ચોરીને અંજામ આપી સાળા બનેવીની દુકાનોમાંથી કુલ રૂ.61 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ જયેશભાઇએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પીએસઆઇ ડી.જી.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

શિણાયમાં તુણાના તલાટીનું બાઇક ચોરાયું
મુળ સુરેન્દ્રનગરના હાલે તુણામાં તલાટી તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનું બાઇક શિણાયની સાંઇનાથ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર અવિરાજસિંહ રમજુભા ગોહિલ છેલ્લા 15 દિવસથી ઉપયોગ કરી રહ્યા હતા. તા.21/8 ના પોતાના ઘર પાસે રાત્રે પાર્ક કર્યુ઼ હતું તા.22/8 બાઇક ન દેખાતાં ભુપેન્દ્રસિંહને જાણ કરી હતી. ભુપેન્દ્રસિંહ જાડેજાએ રૂ.30,000 ની કિંમતનું બાઇક ચોરી થયું હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાવી છે.

ભુજમાં 50 હજારની બાઇક ઉઠાવી તસ્કર ફરાર
ભુજના સંજોગનગરમાં ઇમામ ચોકમાં રહેતા આસિફ હુશેન રાયમાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની રૂપિયા 50 હજારની બાઇક સોમવારે વિરામ હોટલની સામેના રોડ પર સોમવારે બપોરે પાર્ક કરી હતી જેને કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...