અડચણ:શિપિંગ લાઇનોએ રશિયાનું કાર્ગો બુકિંગ બંધ કર્યું, યુક્રેનથી કચ્છ આવી રહેલાં કન્ટેઇનરો અટવાયાં

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુક્રેન માટે ભારત એશિયા પેસિફિકમાં સૌથી મોટો આયાતી દેશ, શિપિંગ ઉદ્યોગ પર અસર
  • નાટોના પ્રતિબંધોની અસર દેખાવાનું શરૂ, આયાત નિકાસ માટે કન્ટેનર મળવા દુર્લભ, આર્થિક આદાન પ્રદાનમાં પણ અડચણ થશે

ભારત દેશમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રે સર્વાધિક યોગદાન આપનાર કચ્છમાં શિપિંગ ઉદ્યોગની રશિયા-યુક્રેન પર ચાતક નજર લાગેલી છે. અત્યારથી જ આ યુદ્ધની સીધી અસર બન્ને પોર્ટની આયાત-નિકાસ, ભાડાં, ઉદ્યોગો, વેપારીઓ પર પડવાની શરૂ થઈ ગઈ છે. યુક્રેન માટે ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી મોટો એક્સપોર્ટ માટેનો દેશ છે.

આંતરરાષ્ટ્રીય શિપિંગ ઉધોગને સીધી રીતે પ્રભાવિત કરતી કેરિયર એવી શિપિંગ લાઈનર્સના મુખ્ય 5-6 પ્લેયર્સએ રશિયા માટેનાં કોઇ કન્ટેનર બુકિંગ ન લેવાની સૂચના બહાર પાડી છે. બીજી તરફ યુક્રેનના ઓડેસા પોર્ટથી એક્સપોર્ટ થવા માટે તૈયાર 210 જેટલા કચ્છ આવવા માટે તૈયાર કન્ટેનરો દસ્તાવેજો ન મળતાં અટકી પડ્યાં છે.

ભારત એ યુક્રેન માટે એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી મોટો આયાતી દેશ છે. જો યુક્રેન જેટલા દેશોને કુલ એક્સપોર્ટ કરે છે એની તુલના કરીએ સર્વાધિક એક્સપોર્ટ કરતા મુખ્ય 5 દેશમાં ભારતનો સમાવેશ થાય છે. તો ભારતથી મહત્તમ ફાર્મા સંબંધિત સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, મિનરલ્સનું એક્સપોર્ટ થાય છે.

યુદ્ધના માહોલ વચ્ચે રશિયા પર નાટો દેશોએ નાખેલા પ્રતિબંધોની સીધી અસર હવે શિપિંગ ઉદ્યોગ પર દેખાવાનું શરૂ થઈ ગયું છે અને કોઇ પણ સામગ્રીને જો રશિયા એક્સપોર્ટ કરવી હોય તો તે હવે લોઢાના ચણા ચાવવા બરાબર થઈ રહ્યું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

શિપિંગ ઉધોગ સાથે જોડાયેલા યુવા ઉદ્યમી આશિષ જોશીએ જણાવ્યું કે આ યુદ્ધ જેટલું લાંબું ચાલ્યું અને આ સાથે આ પ્રતિબંધો જેટલા ખેંચાશે તેના કારણે ઉભા થતા ચીત્રથી હાલ એવું પ્રતિત થઈ રહ્યું છે કે મોટું નુકશાન શીપીંગ ઉધોગને થશે.

ભારતથી યુક્રેનમાં એક્સપોર્ટ થતો મહત્તમ કાર્ગો ફાર્મા, મિનરર્લ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સંબંધિત
ભારતથી યુક્રેન એક્સપોર્ટ થતા કાર્ગો અંગે ગત વર્ષોના મળેલા આંકડાઓ અનુસાર ભારતથી ફાર્મા પ્રોડક્ટ્સ 158મીલીયન ડોલર, ઈલેક્ટ્રોનિક્સ સંશાધનો 33 મીલીયન ડોલર, પ્લાસ્ટીક્સ 21 મીલીયન ડોલર તેમજ આવીજ રીતે ઓઈલ સીડ્સ, કેમિકલ પ્રોડક્ટ્સ, મશીનરી, વાહનો ઓર્ગેનિક કેમીકલ,કોફી, ચા અને મસાલાઓનો 14 થી 20 મિલિયન ડોલર જેટલો કાર્ગો એક વર્ષમાં એક્સપોર્ટ થાય છે.

મહત્તમ ઉદ્યોગોને પ્રત્યક્ષ- પરોક્ષ ફટકો, લોજિસ્ટિક કોસ્ટ વધતાં બધા પર પડશે અસર
વિશ્વના મહત્ત્વના કન્ટેનર લાઈનર્સએ રશિયાની બુકિંગ લેવાની બંધ કરી નાખી છે, સિરામિક ઉધોગ પર સીધી મોટી અસર પડવાની છે, કેમ કે મોરબી થી મુંદ્રા પોર્ટ થકી સિરામિક એક્સપોર્ટનો મોટો કારોબાર છે. ક્રૂડ ઓઈલના ભાવો વધી રહ્યા છે, જેના કારણે કચ્છની અને ઉદ્યોગોની કરોડરજ્જુ સમાન ટ્રાન્સપૉર્ટ ઉધોગ પર સીધી અસર પડશે. જેથી લોજીસ્ટિક કોસ્ટ વધશે અને તેના કારણે ફાઈનલ પ્રોડક્ટ કોસ્ટ પણ વધશે.- તેજાભાઈ કાનગડ, પ્રમુખ, મહેશ તિર્થાણી, સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

કોરોનાથી માંડ રીકવર થતા શીપીંગ ઉદ્યોગને ફટકો
કોરોના કાળના કારણે શીપીંગ ઉધોગને ભારે ફટકો પડ્યો છે, હજી માંડમાંડ ઉધોગ તેનાથી બહાર નિકળી રહ્યો છે ત્યારે રશિયા યુક્રેન યુદ્ધના કારણે ફરી નવા પ્રકારનો પડકાર ઉધોગ સામે આવી પડ્યો છે. શીપીંગ રેટ સતત વધી રહ્યા છે, બુકિંગ કન્ફર્મ નથી થતા. કચ્છના ઉધોગોમાં પોર્ટ હિટરલેન્ડ પર તેની પ્રત્યક્ષ, અને પરોક્ષ બન્ને મોટી અસર પડી રહી છે.

ક્રૂડના ભાવો વધવાથી પેટ્રોલીયમ પ્રોડક્ટ્સના ભાવો વધશે અને ટ્રાન્સપૉર્ટ ઉધોગને તેનો સામનો કરવો પડશે, જે પરોક્ષ રીતે દરેક ઉધોગોને અસર કરશે. આમ, કોરોના બાદ હવે ઉધોગો નવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. - નીમીશ ફડકે, મેનેજીંગ ડાયરેક્ટર, ફોકીઆ

દર મહિને 400 જેટલાં કન્ટેનર કચ્છ આવે છે, યુક્રેનમાં ઓફિસો ઠપ હોવાથી ડોક્યુમેન્ટ્સ ના કારણે અટવાયાં
રશીયા, યુક્રેનથી અંદાજે દર મહિને 400 જેટલા કન્ટેનર દર મહિને તૈયાર લુમ્બર્સના એટલે કે કપાઈ ચુકેલા લાકડાઓના કંડલામાં આવે છે. યુદ્ધ ઘોષિત થયું તે પહેલા બુક થયેલા 200 જેટલા કન્ટેનરો આ સંજોગોના કારણે જહાજમાં અટકી પડ્યા છે.

હાલ યુક્રેનની તમામ સરકારી કચેરીઓ સ્વાભાવિક રીતે કામ નથી કરી રહી, જેના કારણે જરૂરી દસ્તાવેજો રીલીઝ નથી થઈ રહ્યા. જેથી કાર્ગો ત્યાંજ જહાજ પર અટકી પડ્યો છે. તમામ આયાત નિકાસ પર આ યુદ્ધની સીધી અસર પડી રહી છે. - નવનીત ગજ્જર, પ્રમુખ, કંડલા ટિમ્બર એસોસીએશન

અન્ય સમાચારો પણ છે...