કાર્યવાહી:એએસઆઇ પર હુમલો કરનાર શબલા સામે 12 ગુના નોંધાયેલા છે

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુણામાં પોલીસ કર્મીને છરીના ઘા મારી આદિપુર મકાનમાં ઘૂસ્યો હતો : દિલધડક ઓપરેશન બાદ છત ઉપરથી દબોચાયો
  • ચોરાઉ બે બાઇક, અંજારમાંથી છીનવેલી ચેઇન સહિત 1.10 લાખનો મુદ્દામાલ કબજે : પકડાયેલા કુખ્યાત આરોપીને આજે કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજૂ કરાશે

અંજારમાં મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપને અંજામ આપી તુણામાં નંબર પ્લેટ વગરની બાઇક પર બેઠેલા કુખ્યાત ગુનેગાર શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડાને કંડલા મરિન પોલીસ મથકના એએસઆઇએ પુછપરછ કર્યા બાદ તેમને છરીના ઘા મારી આદિપુર વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે નવી 15 વાળી વિસ્તારના ઘરની છત ઉપરથી તેને પકડી લેવાયો હતો આરોપીની પ્રાથમિક પુછપરછમાં હુમલાના આગલા દિવસે જ અંજારમાં મહિલાના ગળામાંથી ખેંચેલી ચેઇન તેમજ બે ચોરાઉ બાઇકો સહિત પોલીસે રૂ.1.10 લાખનોમુદ્દામાલ કબજે કર્યો હતો. આ ખૂંખાર આરોપી વિરૂધ્ધ ચોરી, લૂંટ અને ચીલ ઝડપ સહિતના કુલ12 ગુના નોંધાયા છે.

આ બાબતે કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ કે.પી.સાગઠીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડાએ 53 વર્ષીય એએસઆઇ મહેશભાઇ જયરામભાઇ ચાવડા ઉપર તે તુણામાં નંબર પ્લેટ વગરની બાઇક પર બેઠો હતો ત્યારે બાતમીના આધારે પુછતાછ કરી હતી જેમાં શબલાએ છરીના ઘા મારી મારી નાખવાના ઇરાદે ગણવેશમાં સજ્જ પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો હતો.

આ ઘટના બાદ એસપી મયૂર પાટિલની સુચના મુજબ એસઓજી, એલસીબી , કંડલા મરિન પોલીસ તેમજ આરોપી શબ્બીર આદિપુર વિસ્તારમાં હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ વિસ્તાર કોર્ડન કર્યો હતો અને દિલધડક ઓપરેશન પાર પાડી શબ્બીરને નવી 15 વાળી વિસ્તારના મકાનની છત ઉપરથી દબોચી લેવાયો હતો.

આ શબ્બીરે હુમલાના આગલા દિવસે જ અંજારના જેસલ તોરલ મંદિર સામે મહીલાના ગળામાંથી રૂ.60 હજારની ચેઇન ખેંચી ચીલ ઝડપને અંજામ આપ્યો હતો. પકડાયેલા આ આરોપીને આજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. હજી પણ વધુ ગુનાઓ બહાર આવે તેવી શક્યતા છે.

શબ્બીર ઉર્ફે શબલાનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર શબ્બીર ઉર્ફે શબલા વિરૂધ્ધ ચોરી, લૂંટ, મારામારી અને ચીલ ઝડપના કંડલા મરિન પોલીસ મથકે એક , આદિપુર પોલીસ મથકે 1, એ-ડિવિઝન પોલીસ મથકમાં 3, બી-ડિવિઝન પોલીસ મથકે 5, અંજાર પોલીસ મથકે 1 તેમજ સામખિયાળી પોલીસ મથકે 1 એમ કુલ 12 ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...