ગાંધીધામમાં મધરાત્રે 24 કલાક ધમધમતા ટાગોર રોડ જેવા જાહેર રોડ પર વાહનચાલકોને અડચણ ઊભી થાય તે રીતે દ્વિચક્રી વાહનો આડા રાખી કેક કાપી, માસ્ક વગર અને સામાજિક અંતર જાળવ્યા વગર મિત્રની બર્થ ડે ઉજવતાં 7 યુવકોની પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી અટકાયત કરતાં બર્થ ડે સેલિબ્રેશન આ યુવાનોને મોંઘુ પડ્યું હતું.
મધરાત્રે પોણા એક વાગ્યાના અરસામાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ટાગોર રોડ પર પહોંચી ત્યારે ડો.હેમાંગ પટેલના દવાખાનાથી સુંદરપુરી જતાં રોડ પર પોતાના બાઇકો રોડ પર આડાશ બનાવી જુની સુંદરપુરી રહેતા સંજય ફકીર કટુઆ, ક્રિષ્ના હરીભાઈ ફમા, હિતેશ ફકીરભાઈ કટુઆ, ગોપી દેવરાજ કન્નર, દિપક નારાણભાઈ ભાગવંત, કરણ નારાણભાઈ ભાગવંત અને પૂનમ અભુભાઈ મહેશ્વરી કોવિડના નિયમોનો ભંગ કરી રાહદારીઓને ત્રાસ થાય તે રીતે સરા જાહેર બર્થ ડેની ઉજવણી કરી રહ્યાં હતા.
મિત્રનો જન્મ દિવસ ઉજવી રહેલા આ સાતે યુવકોએ મોઢે માસ્ક પહેર્યા નહોતા કે સોશિયલ ડિસ્ટન્સ જાળવેલું નહોતું. નાઈટ પેટ્રોલિંગમાં રહેલી એ-ડિવિઝન પોલીસે સાતે સામે કલેક્ટરના કોવિડ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી તેમની અટક કરી હતી.
ગળપાદર હાઇવે પર રાત્રે થતા વીડિયો-ફોટો શૂટ પણ જીવલેણ બની શકે છે
ગાંધીધામ મુન્દ્રા હાઇવે ગળપાદર રોડ જે હાઇવે પર સતત મોટા વાહનો દોડતા રહે છે. આ ધમધમતા રોડ ઉપર રોડની સાઇડમાં બાઇક અને કાર ઉભા રાખી અમુક યુવાનોમાં વિડીયો અને ફોટા શૂટ કરવાનો એક અલગ ટ્રેન્ડ અવાર નવાર જોવા મળી રહ્યો છે. રાત્રે દોડતા વાહન ચાલકોને જો જરાક પણ જોવામાં ચૂક થાય તો આ વીડીયો ફોટા શૂટ કરી થોડીવારની મજા લેતા આ યુવાનો જીવલેણ અકસ્માતોના ભોગ પણ બની શકે છે. પોલીસે આવા શોખિનો વિરૂધ્ધ પણ કડક કાર્યવાહી કરવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.