સરકારી તિજોરીને કરોડોનો ધુંબો:બળદ અને ઘોડા ગાડીના જુના ટાયર ડિક્લેર કરી નવા ટાયર આયાત કરવાનું ધીકતું કૌભાંડ

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા અને કંડલા પોર્ટમાં મીસડિક્લેરેશન થકી વર્ષોથી ચાલતી ગેરરીતી પર હવે નજર પડતા તપાસ
  • જુના કહીને પણ નવા ટાયર ઇમ્પૉર્ટ થાય છે, કસ્ટમ સહિતના વિભાગો દ્વારા કન્ટેનરો સાઈડ કરી સર્ચ શરૂ

કચ્છજ નહિ પરંતુ દેશના બે મુખ્ય પોર્ટ મુંદ્રા અને કંડલામાં ટાયરની આયાત સંલગ્ન લાંબા સમયથી ચાલતા કૌભાંડ પર હવે કસ્ટમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાબત ચર્ચાના ચકડોળે ચડી છે. બળદગાડી, ઘોડા ગાડી કે જુના ટાયર હોવાનું ઓન પેપર જાહેર કરીને તેની જગ્યાએ નવા નક્કોર ટાયર ઇમ્પૉર્ટ કરી લેવાનું આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. તે કસ્ટમની મીઠી નજર સીવાય શક્ય પણ ન હોવાની ચર્ચા ઉઠી છે ત્યારે હવે ઉઠીને અચાનક આ અંગે સબંધિત સામગ્રી અંગેના કન્ટેનરોની તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

શીપીંગ હબ હોવાના કારણે ગાંધીધામ માટે ટ્રાન્સપૉર્ટ ઉધોગ કરોડરજ્જુ સમાન મહત્વ ધરાવે છે. તેની સાથે સીધી રીતે સંકળાયેલી બાબત છે ટાયર. ભારે વાહનોના ટાયર સમય અનુસાર બદલાવવા, તેની જાળવણી કરવી તે ખુબ આવશ્યક અને સમય અનુસાર લેવા પડતા પગલા છે. જેના કારણે સંકુલમાં ટાયરનો મોટો વેપાર ધમધમ્યો છે, જેનો ફાયદો ઉઠાવીને તે સંલગ્ન મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરીને સરકારની તિજોરીમાં કરોડોનો ધુંબો મારવામાં આવી રહ્યો હોવાની મોડસ ઓપરેન્ડી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેંદ્ર બન્યું છે.

આયાતકાર પેઢી દ્વારા જે જુના ટાયર, બળદ કે ઘોડાગાડીના ટાયર હોવાનું ઓન પેપર જાહેર કરીને તેની જગ્યાએ કન્ટેનરોમાં નવા નક્કોર બ્રાન્ડેડ ટાયરને આયાત કરી દેવાય છે. જે કસ્ટમના સ્થાનિક અધિકારીઓની મિલીભગત વિના શક્ય ન હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે ત્યારે હવે જઈને મુંદ્રા અને કંડલા પોર્ટ પર ટાયરની આયત અંગે હાથ ધરાઈ રહેલી તપાસમાં શું નિકળવા પામી રહ્યું છે અને શું ખરેખર કસ્ટમ કોઇ મોટા કૌભાંડને પકડી રહ્યું છે? તે પ્રશ્ન સ્વાભાવિક ઉઠવા પામ્યો છે. પરંતુ કસ્ટમ વિભાગના શંકાસ્પદ અને ભેદી મૌનના કારણે આ અંગે કશું વધુ હાલ તો બહાર આવવા પામી રહ્યું નથી.

ટાયર સબંધિત તમામ કન્ટેનરોની તપાસ બન્ને પોર્ટ પર હાથ ધરાઈ
ગમે તે પ્રકારના ટાયર જાહેર કરાયા હોય પરંતુ તેની સત્યતતા ચકાસવા માટે આ સંલગ્ન દરેક પ્રોડક્ટ ધરાવતા કન્ટેનરોની તપાસને હાથ ધરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે આ સબંધિત કાર્ગો ધરાવતા કાર્ગો કન્ટેનરોને મુંદ્રા પોર્ટ અને કંડલા પોર્ટ બન્ને સ્થળોએ રોકાવીને તપાસનો દોર હાથ ધરાયો છે.

અન્ય સમાચારો પણ છે...