સમસ્યાનો નિકાલ:રહીશો દ્વારા રહેણાંક વિસ્તારમાં દુકાનોના દબાણના મુદ્દે વિરોધ કરાયો હતો, આખરે ગુરૂકુળમાં દુકાન નહીં બને

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારની રાત્રે મળેલી બેઠકમાં મકાન માલિકે સહમતિ આપી

ગુરૂકુળ રહેણાંક વિસ્તારમાં પ્લોટ નં.289માં બિન રહેણાંકી કામગીરી શરૂ કરવામાં આવી હતી. દુકાન બનાવવાની તજવીજને લઇને ગુરૂકુળ યુથ ક્લબ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકા, જીડીએ વગેરે સ્થળો પર કરવામાં આવેલી રજૂઆત પછી આખરે ગુરૂવારે રાત્રે મળેલી બેઠકમાં મકાન માલિક દ્વારા રહીશોને ખાતરી આપવામાં આવી હતી કે, 10 ફુટ આગળ ખેંચવામાં આવી છે તે પાડીને નવું કામ અંદરની બાજુએ કરવામાં આવશે અને દુકાન બનાવવામાં નહીં આવે તેવી માહિતી મળી રહે છે.

શહેરમાં આડેધડ કાયદાને નેવે મુકીને બાંધકામો થઇ રહ્યા છે. કેટલાક કામોમાં મંજુરી લેવાઇ છે કે કેમ ? કેટલી લેવાઇ છે? તે તપાસનો વિષય છે. ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા નકશાઓ પાસ કરીને બાંધકામની મંજુરી આપવામાં આવે છે અને તેના સર્વેયર દ્વારા જે તે સ્થળો પર તપાસ પણ કરવામાં આવે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગુરૂકુળ વિસ્તારમાં કોઇ આસામી દ્વારા દુકાનો બનાવવાની તજવીજ શરૂ કરવામાં આવતાં જ વિરોધનું વાવાઝોડું ફુંકાયું હતું. ગુરુકુળ યુથ ક્લબ દ્વારા કોઇપણ કાળે આ વિસ્તારમાં દુકાનો નહીં બને તેવું મક્કમ વલણ દાખવીને તંત્રનો કાન આંબળ્યો હતો.

જો પગલા ભરવામાં ન આવે તો ઉગ્ર લડત લડવાના મુડમાં પણ જણાયા હતા. દરમિયાન પાલિકાની ટીમ દ્વારા આ આવેલી ફરિયાદ પછી તપાસ કરવામાં આવી હતી અને નોટિસ અપાઇ હોવાના સંકેત મળી રહ્યા છે. જ્યારે મકાન માલિક દ્વારા 40થી 45 જેટલા ગુરૂકુળના રહીશોની હાજરીમાં ખાતરી આપવામાં આવી હતી કે, 10 ફુટ આગળ બાંધકામ ખેંચ્યું છે તે તોડીને નવું કામ અંદરની બાજુમાં જ કરાશે તેમજ દુકાનો નહીં બનાવે.

ગુરુકુળ યુથ સર્કલ દ્વારા કેટલીક વખત તંત્ર પર ભરોસો રાખવાને બદલે લોકફાળો કરીને સમસ્યાનો નિકાલ આવે તે માટે પગલા ભરાય છે. અગાઉ બિસ્માર બનેલા રોડની મરંમત માટે લોકોએ ફાળો ઉઘરાવીને આત્મ નિર્ભરતા દાખવી હતી. પાણી ભરાવવાની સમસ્યાથી લઇને પાણી આવતું ન હોવા સહિતના મુદ્દે પણ આ સંગઠન દ્વારા તંત્રનો કાન જે તે સમયે પકડવામાં પાછી પાની કરાઇ નથી.

અન્ય વોર્ડમાં લોકો જાગૃત થશે?
ગુરુકુળ વિસ્તારે લોકોને દિશા દેખાડી છે. જે રીતે સંકુલમાં રહેણાંક વિસ્તારમાં બિન રહેણાંકી બાંધકામો વધી રહ્યા છે જેને લઇને મોટા ભાગના દરેક વિસ્તારમાં આ પ્રશ્ન વિકટ બની રહ્યો છે. જે તે વોર્ડમાં પણ ગુરુકુળ યુથ સર્કલની જેમ સંગઠીત થઇને લોકોએ આગળ આવી અવાજ ઉઠાવે તો હવે આગળ રહેણાંક વિસ્તારમાં દુકાનો કે કોમ્પ્લેક્ષો બનતાં અટકશે તેવી દલીલ પણ જાણકારો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...