હાલાકી:ડીપીડીએ વાયબ્રન્ટ ગુજરાતની કરેલી તૈયારી પાણીમાં ગયાનો ઘાટ!

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુકીંગથી લઇને અનેકવિધ બાબતોમાં ઓર્ડર પણ અપાઇ ગયા હતા
  • છેલ્લી​​​​​​​ ઘડીએ કાર્યક્રમ મુલત્વી રહ્યાની જાણ થતાં જ અધિકારીઓમાં હલચલ મચી

રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસ માટે વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને જે તે બાબતો માટે સંબંધિત ઓથોરીટીઓને પણ સાંકળી લેવા માટે પ્રયત્ન કરાયા હતા. દીન દયાળ પોર્ટ અને અન્ય બંદરોની કામગીરીની માહિતીલક્ષી સ્ટોલની સુવિધાની સાથે પ્રેઝન્ટેશન માટે પગલા ભરાયા હતા. આ બાબતે છેલ્લા કેટલાય દિવસોથી ડીપીટીમાં તડામાર તૈયારી કરવામાં આવી હતી.

સંબંધિત અધિકારીઓ માટે આવવા જવા માટે વિમાનની ટિકિટથી લઇને રહેવા માટે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી અને બુકીંગ કરાયા હતા. ઉપરાંત કેટલાક સાહિત્ય પણ તૈયાર કરાયા હતા. પરંતુ આજે સવારના સમયે આ કાર્યક્રમ મુલત્વી રહ્યાનો સંદેશો આવતાં જ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ડીપીટી દ્વારા કરવામાં આવેલી તૈયારી પાણીમાં ગઇ હતી.

ડીપીટીના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે આવેલી સૂચનાના પગલે છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ કરવામાં આવી હતી. પોર્ટને લગતા અનેકવિધ ગતિવિધિલક્ષી બાબતો પર ફોકસ વધતુ થાય તે દિશામાં પણ ફિલ્મ બનાવવાથી લઇને અનેકવિધ સાહિત્ય તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓની ટીમને તેની જવાબદારી પણ નક્કી કરીને જાણ કરી દેવામાં આવી હતી અને તેને માટે આવવા જવાની સુવિધાઓ પણ નક્કી કરી દેવામાં આવી હતી.

હવે અન્ય કામોમાં વધુ ધ્યાન આપવું પડશે
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ ડીપીટીના કરોડો રૂપિયાના અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. સમયસર આ પ્રોજેક્ટ પુરો થાય તે દિશામાં પગલા ભરવા જોઇએ તેમાં કેટલીક વખત ચકાસ રખાતી હોવાની બૂમ પણ ઉઠતી હોય છે. જ્યારે કોઇ અન્ય સંજોગોને કારણે પણ મુદ્દત વધારી દેવાની નોબત આવતી હોય છે. દીન દયાળ પોર્ટમાં વધુને વધુ આધૂનિક સુવિધાઓ મળે તે દિશામાં પણ પગલા ભરાય છે તેમાં કોઇ કચાસ ન રહે તે અંગે પણ આગળ વધવું પડશે અને હવે આ બાબતોની ઉપરાંત અન્ય કામોમાં ઝડપ આવે તે માટે અધિકારીઓએ બેઠકો યોજીને મોનીટરીંગ કરીને ગતિ લાવવા માટે વધુ પ્રયત્ન કરવા પડશે તેવું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...