લોકોનો રોષ:4/એ, 4/બી સહિતના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરમાં વીજ કંપનીની આડોડાઇનો ભોગ બનતા લોકોનો રોષ
  • લગ્નસમારંભમાં યજમાનોને જનરેટરની વ્યવસ્થા કરાવવા દોડધામ કરવી પડી

ગાંધીધામ-આદિપુરમાં છાશવારે વીજ કંપનીની અકોણી નીતિને કારણે લોકોને હેરાન પરેશાન થવું પડે છે. આદિપુરના કેટલાક વિસ્તારોમાં કોઇક ફોલ્ટના પગલે કલાકો સુધી વીજળી વેરણ રહેતાં લોકોમાં રોષની લાગણી જન્મી હતી.વીજ કંપનીમાં ફરિયાદ પણ કરવામાં આવી પરંતુ સાનૂકૂળ જવાબ પણ મળવા પામ્યો ન હોવાની રાવ પણ મળી હતી. દરમિયાન લગ્ન સમારંભની સિઝનમાં લગ્નના આયોજકોમાં પણ વીજરાણીના રૂસણાને કારણે વિક્ષેપ પડ્યો હતો અને જનરેટરની વ્યવસ્થા કરવા દોડધામ કરવી પડી હતી.

આદિપુર 4/એ, 4/બી સહિતના વિસ્તારોમાં પાલિકા હોય કે વીજ કંપની અવાર નવાર કોઇ ને કોઇ બાબતે વિવાદમાં રહે છે. વીજ કંપનીના અધિકારી જયેશભાઇએ સાંજે 6 કલાક આસપાસ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા મુજબ, કોઇ ફોલ્ટની મરમ્મતને લઇને બપોરે 2 કલાકે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.થોડા જ સમયમાં વીજ પુરવઠો પુન: ચાલુ કરાશે તેવો દાવો કરાયો હતો.

પ્રિ-મોનસુનમાં પણ લોકોએ માછલા ધોયા
પ્રિ-મોનસુનની કામગીરી માં પણ વીજ કંપની દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીએ વિવાદ ઉભો કર્યો હતો. કેટલી કામગીરી કેવી થઇ છે તે સહિતના મુદ્દે કેટલીક બાબતો કાગળ ઉપર જ રહી હોય તેવો અનુભવ લોકોને થયો હતો. નબળી કામગીરી સામે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. જોકે, એક વાત એવી પણ આવી હતી કે, અહીંના મટિરિયલના સરસામાનનો વાવાઝોડામાં અન્ય સ્થળોએ ઉપયોગ કરાયો હતો. જોકે તેને સત્તાવાર સમર્થન મળતું નથી. હવે આ બાબતે જાગ્યા ત્યારથી સવાર સમજીને જે-તે રાજકીય પક્ષોએ પણ પોતાની જવાબદારી સમજી લોકોની પડખે રહી વીજ કંપનીની શાન ઠેકાણે લાવવા સક્રિય બનવું પડશે.

અન્ય સમાચારો પણ છે...