ભુજ:પોસ્ટ ગ્રેજ્યુએટની પરિક્ષા 2 નહીં તમામ સેન્ટર પર લેવી જોઇએ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનથી યુનિ.માં ચોથા સેમેસ્ટરની કસોટી બાકી

લોકડાઉનની પરીસ્થિતિને કારણે કચ્છ યુનિવર્સિટી દ્વારા અગાઉ જે પરીક્ષાઓ લેવાઇ ગઇ તેને બાદ કરતા સેમેસ્ટર 4ની પરીક્ષા બાકી છે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાઓ પણ લેવાની બાકી હોવાથી આ બાબતે અગાઉની પદ્ધતિ મુજબ જે રીતે માત્ર આદિપુર અને ભુજમાં જ બે સેન્ટર પર પરીક્ષા લેવાય છે તેને બદલે જે તે વિસ્તારની કોલેજોમાં પરીક્ષા સેન્ટર શરૂ કરીને કસોટી લેવામાં આવે તો સામાજિક અંતર સહિતના મુદ્દાઓ પણ સમાવી શકાશે તેવી બાબત હાલ શિક્ષણના વર્તુળોમાં વહેતી થઇ રહી છે. 

સામાજિક અંતર જળવાય તે માટે અનુકુળ સ્થિતિ ઊભી કરવી પડશે
કોરોનાના પગલે સમગ્ર તંત્ર પર અસર પડી રહી છે. તેમાં શિક્ષણ વિભાગ પણ બાકાત નથી. યુનિવર્સિટીમાં અગાઉ જે પરીક્ષાઓ લેવાઇ ગઇ તેને બાદ કરતા બાકીની પરીક્ષાઓ કેવી રીતે લેવી તે અંગે દલીલબાજીનો દોર થઇ રહ્યો છે. અનિશ્ચિતતા ભર્યા વાતાવરણમાં નવું સત્ર ક્યારે શરૂ થશે તેની અટકળો પણ થઇ રહી છે અને ટુંકાગાળાના આયોજન કરીને છાત્રોને યોગ્ય વ્યવસ્થા પુરી પાડી શકાય અને તેના ભવિષ્યને કોઇ અડચણ ન આવે તે માટે પણ હાલ યુનિવર્સિટીમાં શિક્ષણવિદો દ્વારા તબક્કાવાર સૂચનો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના દાવા મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા લેવાની બાકી છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખવામાં આવે તો જો બે સેન્ટરોને બદલે જિલ્લાના જુદા જુદા મથકોની કોલેજોમાં પણ સેન્ટર વધારીને કસોટી લેવામાં આવે તો ટ્રાન્સપોર્ટ અને સામાજિક અંતર પણ જળવાઇ રહેશે. જે તે સેન્ટર પર ઓછી સંખ્યા હોવાથી સારી રીતે પરીક્ષા લઇ શકાશે. વળી, પેપર પણ મેલ દ્વારા જે તે દિવસે મોકલી શકાય છે. ઉત્તરવહી પણ જે તે કોલેજમાં હાલ ઉપલબ્ધ હોવાના દાવા પણ થઇ રહ્યા છે. આમ શિક્ષણ વિભાગમાં હાલ જુદા જુદા મુદ્દાઓ પર સૂચનો થઇ રહ્યા છે જેમાં યુનિવર્સિટી કેવું વલણ અપનાવે છે તેની ઉપર મદાર છે.

ઓનલાઇન શિક્ષણ, કસોટીનું આયોજન
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ 31મી મે પછી લોકડાઉન ખૂલશે કે કેમ તે અંગે હજુ અવઢવભરી સ્થિતિ છે. યુનિવર્સિટી દ્વારા સંબંધિત કોલેજના સંચાલકો સાથે બેઠક યોજીને તબક્કાવાર આયોજન કરીને જે તે બાબતો પર ચર્ચા વિચારણા કરી છત્ર ક્યારે શરૂ કરી શકાય અને જરૂર પડે ઓનલાઇન ક્લાસ શરૂ કરવા પણ આયોજન કરવું જોઇએ તેવો અભિગમ દાખવવામાં આવે તેવી વાત આદિપુરના શિક્ષણવિદોમાં ચર્ચાના ચકડોળે ચડી છે. એક્ષર્ટનલ કોર્ષ અને રેગ્યુલર પરીક્ષા સહિતના મુદ્દે ચિંતન બેઠકો યોજીને આગામી દિવસોમાં યુનિવર્સિટીના સત્તાધિશોએ આ બાબતે સ્પષ્ટ વલણ જાહેર કરવાનો સમય પાકી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...