ઉપેક્ષા:ગંદા પાણીનો નિકાલ ન થતાં કાર્ગો વિસ્તારની દુર્દશા

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા પછાત વિસ્તારમાં ધ્યાન આપતી ન હોવાની ઉઠે છે ફરિયાદ
  • ગટર મિશ્રિત પાણી, રસ્તા સહિતના મુદ્દે રહિશોના મોરચાએ પ્રમુખને ઘા નાખી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા પછાત અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં પુરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં ન આવતાં જે તે વિસ્તારના લોકોનું જીવન જીવવું દોહલું બની રહ્યું છે. વોર્ડ નં.6, કાર્ગો ઝુંપડપટ્ટી, બાપાસિતારામ અને પીએસએલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ ન થતાં ગંદકી, દુષિત પાણી સહિતની સમસ્યાથી લોકનું જીવન દુષ્કર બની રહ્યું છે. આ વિસ્તારની રહીશોએ આજે તેના એરીયામાં બની રહેલા ગંદકીધામને લઇને તાકીદે પગલા ભરવા પાલિકાના પ્રમુખને ઘા નાખી હતી.

રહીશો દ્વારા પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં રસ્તા, પીવાના પાણી, ગંદા પાણીનાનિકાલ જેવી અનેક પ્રાથમિક સુવિધાની સમસ્યાથી રહીશોનું જીવન દુષ્કર બન્યું છે. વરસાદને કારણે રસ્તા ન હોવાથી કાદવ કિચડ, પાણીના ટેન્કર કે આકસ્મીક સંજોગોમાં એમ્બ્યુલન્સ પણ બાપાસિતારામ નગરમાં પ્રવેશી શકતી નથી. જેથી આરસીસી રોડ બનાવવાની જરૂર છે. ગટર મિશ્રિત પાણી આવતું હોઇ પીવા લાયક ન હોવાથી લોકોને રોગનો ભોગ બનવું પડે છે.

ગંદકી પણ વધી હોવાથી રોગચાળાની ભીતિ ઉભી થઇ છે. સરકારે શૌચાલય બનાવી દીધા પણ ગટરના ગંદા પાણીના નિકાલ માટે ખારકુવાની, સફાઇની સમસ્યાથી ગટરના ગંદા પાણીમાંથી લોકોને અવરજવર કરવી પડે છે. આ રજૂઆતમાં સોમાભાઇ પરમાર, છગનભાઇ, રામજીભાઇ, મનોજ વાઘેલા, અન્ય રહીશો અને કોંગ્રેસના નગરસેવક અમીત ચાવડા વગેરે જોડાયા હતા.

પોશ વિસ્તારમાં પણ પરિસ્થિતિ વિકટ
નગરપાલિકાના ગેરવહીવટને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં સમસ્યાઓ દૂર થાય તે માટે પાલિકા દ્વારા જે રીતે પગલા ભરવા જોઇએ તે ભરવામાં ઉણપ હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ સંકુલના ખુણે ખુણાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કમર કસવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...