હાલાકી:કંડલા એરપોર્ટ ચોકડી પર રોજિંદા ટ્રાફિકજામથી લોકો ત્રાહિમામ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ વાહન વ્યવહારને રોકવા એક પોલીસ ચોકીની જરૂર હોવાની માંગ
  • ગળપાદર પાસે સર્વિસ રોડના અધુરા કાર્ય અને ભારે વાહનોનો ધસારો કારણભૂત

કંડલા એરપોર્ટ ચોકડી પાસે ઓવરબ્રીજને કારણે થઇ રહેલા આડેધડ વાહન વ્યવહારને કારણે આ ચોકડી પર કલાકો સુધી ટ્રાફિકજામ થવાની ઘટના રોજિંદી બની ગઇ છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે આ ચોકડી પર એક પોલીસ ચોકી બને તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. આજે પણ આ ચોકડી ઉપર બે થી અઢી કલાક સુધી ખોરવાયેલા ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાયા હતા.

વરસામેડી સીમમાં વધી રહેલી વસાહતો તેમજ કંડલા એરપોર્ટ પણ અહીં આવ્યું હોઇ આ રોડ ઉપર સ્થાનિક લોકોની અવર જવર વધી ગઇ છે, તો સામે મુન્દ્રા ગાંધીધામને જોડતા આ માર્ગ ઉપર 24 કલાક મોટા વાહનો દોડતા હોય છે તો આ ધોરી માર્ગ પર આવેલા ટીમ્બર તથા મોટી કંપનીઓને કારણે સતત ધમધમાટ વચ્ચે શોર્ટ કટ માટે આડેધડ વાહન વ્યવહાર તેમજ આ ચોકડી પર થતા આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક જામ હવે રોજિંદી ઘટના બની ગઇ છે. ખાસ તો એરપોર્ટ જવા ઇચ્છતા લોકો જો આ સમસ્યાનું ધ્યાન ન રાખે તો ફ્લાઇટ ગુમાવવાનો સમય આવી જતો હોય છે.

તો આ અણઘડ અને આડેધડ વાહન વ્યવહાર અનેક વખત નાના મોટા અકસ્માત પણ સર્જે છે. આ માર્ગ પર રોજ અવર જવર કરતા લોકો હવે આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે અને આ લોકો હવે આ કંડલા એરપોર્ટ ચોકડી પર કાયમી પોલીસ ચોકી બને તો જ આ સમસ્યાથી મુક્તિ મળે તેવી માંગ પણ કરી રહ્યા છે.

આ વિસ્તારમાં ખસ્તા હાલતમાં રહેલા રોડ અને નેશનલ હાઇવે ઓથોરીટીની ઢીલી નીતિના કારણે લાંબા સમયથી અધૂરા પડેલા સર્વિસ રોડ સહિતના પ્રશ્નો જવાબદાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ વિસ્તાર આસપાસ ઓથોરીટીની જાણ બહાર કેટલાક લોકોએ તો તેના સાઇડ સપોર્ટ પણ તોડી પાડ્યા હોવાની રાવ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...