ગાંધીધામ નગરપાલિકાના વહીવટદારોના વહીવટને કારણે લોકોને પાણી મળી શકતું ન હતું. છેલ્લા અઠવાડિયામાં ચારેક દિવસ આદિપુરના વોર્ડ નંબર 1, 2 અને 10 માં તો મોટા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. પાણીની રજૂઆત કરવા લોકોના ટોળા પણ ભરચોમાસે ઉમટ્યા પછી પાલિકાના શાસકોને ગંભીરતા સમજાઇ હતી. આજે પાણીની સ્થિતિ થોડી રાબેતા મુજબ થતાં લોકોએ અને નગરપાલિકાએ હાશકારો અનુભવ્યો હતો.
શહેરમાં 35 એમએલડી પાણી ચોમાસામાં પણ આપવામાં આવ્યું છે તેમાં યોગ્ય આયોજન અને વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે કેટલીક વખત પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. ગાંધીધામમાં એકાંતરે પાણી આપવામાં આવે છે. તેમાં પણ પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવતું ન હોવાથી લોકો અકળાઇ ગયા છે. ચૂંટણી સમયે રોજ પાણી આપવાની વાતો કરતા ભાજપના આગેવાનો દ્વારા પાણી મળતું ન હોવાની કટોકટીના સમયે ઉચ્ચ કક્ષાએ આયોજન કરીને પગલાં ભરવા જોઇએ તેને બદલે લોકોને તેની ઉપર છોડી દીધા હોય તેવો ઘાટ સર્જાયો હતો.
પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને પણ લાઇન તૂટ્યા પછી સમયસર કામ થાય અને સંકલન સાધી ને તેને દબાણ કરીને તાકીદે યોગ્ય વ્યવસ્થા પાણીની ઊભી થાય તે માટે પ્રેશર લાવવું જોઈએ તે પણ લાવવામાં મહત્વના પદાધિકારીઓ દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે કરાવી શક્યા ન હતા. નગરસેવકોને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પાસે દોડાવીને હાથ ખંખેરી લેવાની વૃતિ દાખવીને જવાબદારી ન લેતા ભાજપમાં પ્રશ્નો ઉભા થયા છે. જવાબદારી યોગ્ય પ્રમાણમાં લેવામાં ન આવે તો હોદ્દા પરથી રાજીનામું આપી દેવા જોઈએ તેવી લાગણી પણ ભાજપમાં હાલ બળવત્તર બની રહી છે.
પાણીના શિડયુલમાં ફેરફાર કરવા જોઈએ
નગરપાલિકા પાસે પાણી આવે છે કે કેમ તે જાણવા માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે. માત્ર જે તે વિસ્તારમાં પાણી આપવું હોય ત્યાં થાળી વગાડી ને માણસ મોકલી દેવામાં આવે છે. આજે પાણી આવશે તેવી જાણ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તો રાતે બે કલાકે કે પરોઢિએ ચાર કલાકે પાણીનો વારો હોવાથી લોકો ને ઉજાગરા કરવાની નોબત આવે છે.
ઉજાગરા કર્યા પછી પણ કેટલીક વખત પાણી આવતું ન હોવાથી પાલિકાની નીતિ સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પાણી વિતરણ કરવાનું ન હોય તો લોકોને જાણ કરવા માટે યોગ્ય પદ્ધતિ ઉભી કરવી જોઈએ તથા આવી રીતે રાતના સમયે પાણીના નિકાલ માટે જે શિડયુલ ગોઠવવામાં આવ્યા છે તેમાં યોગ્ય પ્રમાણમાં ફેરફાર કરીને લોકોને મુશ્કેલીમાં મુકાઇ ગયા છે તેમાંથી ઉગારી લેવા પાલિકાએ ધડીના વિલંબ વગર આગળ આવવું જોઈએ એવી લાગણી પણ લોકોમાંથી ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.