લોકમત:ગાંધીધામની 6 ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ મતદાન

ગાંધીધામ,આદિપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં સવારથી જ મતદાન કરવા ઉત્સાહ જોવા મળ્યો : મોડી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહી
  • મતપેટીઓ સીલ કરીને સ્ટ્રોગરૂમમાં મુકવામાં આવી : મોડી રાત સુધી વહીવટી તંત્ર દ્વારા પગલા ભરાયા

ગાંધીધામ તાલુકાની સાત પૈકી ગળપાદર ગ્રામ પંચાયત બિનહરીફ થયા પછી આજે બાકીની 6 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સભ્ય માટે સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેલેટ પેપરથી શરૂ થયેલી આ મતદાનની પ્રક્રિયામાં સવારથી જ કેટલાક ગામોમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા ઉમેરાયેલા યુવા મતદારોથી લઇને વૃદ્ધ પણ પોતાની ફરજ અદા કરીને લોકશાહીના પર્વને જીવંત રાખવા માટેનો અભિગમ દાખવ્યો હતો. સાંજના 6 કલાક સુધી 37437માંથી 22750એ મતદાન કરતાં 60.77 ટકા મતદાન નોંધાયું હતું.

આમ આ ચૂંટણીમાં કુલ 60થી 65 ટકા જેટલું અંદાજીત મતદાન થયું હોવાનું મોડી રાત સુધી બહાર આવવામાં પામી રહ્યું છે. જેમાં પુરૂષ મતદારો મતદાન કરવામાં અગ્રેસર રહ્યા હતા. ત્યાર પછીના આંકડા મેળવવા માટે રાહ જોવી પડી હતી. વહીવટી તંત્ર દ્વારા જે તે ગામોમાંથી બૂથ પરથી આવેલા મત પેટીને સ્ટ્રોંગરૂમમાં મુકવા માટેની તજવીજ પણ મોડી રાત સુધી ચાલું રહેવા પામી હતી. મૈત્રી સ્કૂલમાં મંગળવારે મત ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીના લીટમસ ટેસ્ટ સમાન ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શરૂઆતથી જ ગામડાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભલે જે તે રાજકીય પક્ષો સીધી રીતે સંકળાયેલા ન હતા. પણ આડકતરી રીતે તેના સમર્થકો કે તેની પેનલો ઉતારીને તેને જીતાડવા માટેના પ્રયત્નો કર્યા હતા. ગઇ કાલે મોડી રાત સુધી કેટલાક મતદારોને રીઝવવા માટે પ્રયત્નો પણ થયા હોવાના સંકેત મળ્યા હતા. દરમિયાન આજે 40થી વધુ બુથ પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે થોડી ગતિ ધીમી હતી.

ત્યાર બાદ મતદાનનો પ્રવાહ વધ્યો હતો. પડાણા સહિતના ગામોમાં તો પ્રથમ ચારેક કલાકમાં જ 40 ટકાથી વધુ મતદાન થયાના સંકેત મળી રહ્યા હતા. તબક્કાવાર મોટા ગામો કિડાણા, શિણાય, મીઠીરોહર, ખારીરોહર સહિતના સ્થળો પર જે તે બુથ પર ઠંડી હોવા છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન કરવા માટે કતાર લગાવી હતી. સામાન્ય રકઝકને બાદ કરતાં મોટી કોઇ મહત્વની ઘટના બની ન હતી અને શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.

દરમિયાન જોવામાં આવે તો મૈત્રી સ્કૂલ ખાતે મત પેટીઓ આવવાની શરૂ થઇ ગઇ હતી અને મોડી રાત સુધી આ કામગીરી ચાલું રહેવા પામી હતી. સૂત્રોના દાવા મુજબ જે તે ગામોમાં ગોઠવવામાં આવેલી વ્યુ રચનાના ભાગરૂપે મતદાન થયું છે. જે તે પેનલો દીઠ મતદાન થયાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવા વચ્ચે મંગળવારે મત ગણતરી બાદ પેનલ ટુ પેનલ મત મળ્યા છે કે, ક્રોસ વોટીંગ થયું છે તેનો ખ્યાલ આવશે. મામલતદાર મેહુલ ડાભાણીએ જણાવ્યું હતું કે, તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. કોઇ બિનઇચ્છનીય ઘટના બની નથી.

ગાંધીધામની 6 તા.પં.-કુલ મતદારો : 37437
કુલ મતદાન : 22750
ટકાવારી : 60.77

મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો
વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારથી જ જે તે મતદાન મથકો પર મતદારોનો પ્રવાહ વધવા લાગ્યો હતો. ઉમેદવારો અને તેના સમર્થકો દ્વારા એક એક મતનું મતદાન થાય તે દિશામાં ચાંપતી નજર રાખવામાં આવી હતી અને મતદારોએ પણ ઉત્સાહ દાખવીને કેટલાક સ્થળો પર સ્વયંભૂ બહાર આવી ગામના મુખી અને વોર્ડ સભ્ય માટે મતદાન કર્યું હતું.

તંત્રે રાહતનો દમ લીધો
કચ્છના સૌથી નાના તાલુકાની માત્ર 6 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી. તેમ છતાં અગાઉની ઘટનાઓ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને મતદાનની પ્રક્રિયામાં કાંઇક અઘટીત ન બને તે માટે તૈયારી દાખવી હતી. વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલા અને ગ્રામજનોએ પણ પોતાની રીતે મતદાનમાં ભાગ લઇને શાંતિપૂર્ણ રીતે મતદાન કરતાં વહીવટી તંત્ર દ્વારા પણ રાહતનો દમ લેવામાં આવ્યો હતો.

ગત ચૂંટણી કરતાં આ વર્ષે મતદાન વધ્યું
ગત ચૂંટણી વખતે 7 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું હતું. જ્યારે આ વખતે એક ગ્રામ પંચાયત સમરસ થતાં બાકીની 6 ગ્રામ પંચાયતો માટે થયેલા મતદાનમાં ગત વર્ષની સરખામણીએ સારો એવો વધારો થયો હોવાના સંકેત મળી રહ્યા છે. પરંતુ ફાઇનલ આંકડો ન આવે ત્યાં સુધી કહી શકાય તેમ નથી. જોકે, જાણકાર વર્તૂળો દ્વારા ગત ચૂંટણી કરતાં વધુ મતદાન થયું હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. કેટલાક ગામોમાં તો વધુને વધુ મતદાન થયું હોવાના દાવા પણ થઇ રહ્યા છે. સત્ય હકીકત તો તમામ સ્થળો પરથી મતદાનના આંકડા આવ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થશે. આ અંગે મોડી રાત સુધી વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...