તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ક્રીયતા:રોગી કલ્યાણ સમિતિની બેઠક ન બોલાવાયાની બૂમ, કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇને સમિતિની બેઠક બોલાવવી જોઇએ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિનાથી બેઠક બોલાવાઇ નથી, કામગીરી કરાઇ રહ્યાનો સભ્યોનો દાવો

ગાંધીધામના રામબાગ હોસ્પિટલના રેઢીયાળ વહીવટ સામે અગાઉ અવારનવાર ફરિયાદો પણ થઇ હતી. ત્યાર બાદ વહીવટમાં થોડો ઘણો સુધારો પણ આવ્યો હતો. સામાન્ય રીતે દર ત્રણ મહિને હોસ્પિટલના વહીવટથી લઇને ખર્ચ કરવા સહિતના મુદ્દે નક્કી કરવામાં આવેલી રોગી કલ્યાણ સમિતિની બેઠક મળવી જોઇએ પરંતુ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય કે ગમે તેમ હોય આ બેઠક અંદાજે 6 માસથી બોલાવવાનું ટાળ્યં છે. જેને લઇને પણ પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે બીજી બાજુ અધિકારીઓને આપવામાં આવેલી સૂચનાનું પણ પાલન કરવામાં આવતું ન હોવાની બૂમ ઉઠી છે.

જે તે વિસ્તારોમાં હોસ્પિટલોમાં રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવે છે. સરકાર દ્વારા નિશ્ચિત સમયમાં સરકારી અને અન્ય સામાજિક આગેવાનોને તેમાં સમાવેશ કરીને સમિતિનું ગઠન કરવામાં આ‌વતું હોય છે. જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ રોગી કલ્યાણ સમિતિના કાર્યક્ષેત્રમાં જરૂરી ખર્ચાથી લઇને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નક્કી કરવામાં આવેલી છે. પરંતુ હાલ કોરોનાનો સમય છે ત્યારે વધુ જરૂર પડે તેમ છતાં જે તે કારણોસર આ સમિતિની બેઠક બોલાવવામાં આવી ન હોવાનો કચવાટ ભાજપમાંથી જ ઉઠી રહ્યો છે. દરમિયાન આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના અધિકારીઓ આવીને રામબાગ હોસ્પિટલના સંચાલકો, સત્તાધિશોને જે તે સમયે આપેલ સૂચનાનું પાલન પણ થતું ન હોવાનું જણાઇ રહ્યું છે.

કારણ કે અગાઉ દિશા નિર્દેશન માટે બોર્ડ મુકવાથી લઇને આપવામાં આવેલી સૂચનાનું કોઇ પાલન થતું નથી. દર્દીઓને ભટકવું પડતું હોવાની ફરિયાદ પણ ઉઠી છે. શોભાના ગાંઠીયા સમાન બનેલી સમિતિમાં રહેલા એક સભ્યે એવો દાવો કર્યો હતો કે, અગાઉ મીટિંગ મળી હતી જેમાં વિકાસ કામો મંજુર થયા છે. પાંચ કરોડના ખર્ચે સુવિધા ઉપલબ્ધ થઇ રહી છે. જ્યારે બીજી બાજુ સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે, 6 મહિનાથી આ બાબતે કોઇ મીટિંગ જ બોલાવવામાં આવી નથી. મીટિંગ ક્યારે બોલાવવામાં આવી હતી અને હવે ક્યારે બોલાવવામાં આવશે તે બાબતે રામબાગ હોસ્પિટલના અધિક્ષક અનુજ શ્રીવાસ્તાવનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો પરંતુ તેણે ફોન રીસીવ ન કરતાં વિગત જાણી શકાઇ નથી.

બોર્ડમાં આપેલી માહિતિમાં છબરડા
રામબાગ હોસ્પિટલમાં બહારથી આવતા લોકોને જુદી જુદી માહિતી મળી રહે તે માટે બોર્ડ મુકવામાં આવેલું છે. જેમાં એક બોર્ડમાં અધિક્ષક તરીકે સિન્હાનું નામ છે. જ્યારે રોગી કલ્યાણ સમિતિના બોર્ડમાં અધિક્ષક તરીકે અનુજ શ્રીવાસ્તવને બતાવાયા છે. જેને લઇને લોકો અવઢવભરી સ્થતિમાં મુકાય છે. વળી, ધારાસભ્ય માલતીબેનના નામમાં પણ ભૂલ કરવામાં આવી છે. કેટલાક સભ્યોના નામો સુધારવામાં આવ્યા તેમાં યોગ્ય કાળજીનો અભાવ જોવા મળે છે.

અન્ય સમિતિઓની પણ આવી હાલત
સૂત્રોના દાવા મુજબ સરકાર દ્વારા પક્ષના કાર્યકરોને સંતોષ આપી શકાય તે માટે જુદી જુદી સમિતિઓમાં તેને ગોઠવી દેવામાં આવતા હોય છે. રેલવે, પોલીસ, આવાસ, ટ્રાફિક, એરપોર્ટ ઓથોરીટી, એસટી નિગમ સહિતની અન્ય કેટલીય સમિતિઓની રચના થઇ છે. જેમાં અધિકારીઓ સાથે ભાજપના કાર્યકરોને પણ સમાવેશ કરાયો છે. આ પૈકી કેટલીક સમિતિઓની બેઠક મળે છે પરંતુ કેટલીક સમિતિની બેઠક સમયાંતરે મળવી જોઇએ તે મળતી નથી. જોકે, કેટલીક સમિતિઓમાં ચા-બિસ્કીટ ખાઇને ઔપચારીક કરાતી હોય છે તેવી પણ ફરિયાદ ઉઠે છે.

સમયસર સમિતિની બેઠક ન મળતાં લોકો અટવાયા
સામાન્ય રીતે જે તે સમિતિઓની બેઠક બોલાવવી જોઇએ પરંતુ મળતી નથી. તે હકીકત છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, હાલ કોરોનાની વિસમ પરીસ્થિતિ છે. લોકો દવા, ઓક્સિજન, ઇન્જેકશન માટે રઝળપાટ કરી રહ્યા છે. રોગ કલ્યાણ સમિતિની બેઠક શા માટે બોલાવવામાં નથી આવતી? જો બેઠક બોલાવવામાં આવે તો હાલ જે ખુટતી કડીઓ છે તે પૂર્ણ કરી શકાય અને નવી સુવિધાઓ પણ તાકીદે ઉપલબ્ધ કરાવીને લોકોને સુવિધા આપી શકાય તેમ છે. જુદી જુદી સમિતિઓ કાગળ પરના વાઘ સમાન રહેતી હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો હતો. પાલિકાની પણ કેટલીક સમિતિઓની બેઠકો બોલાવવામાં આવતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...