કામગીરી:પચરંગી સંકુલમાં ગંદકી વધી જતાં અંતે પાલિકા જાગી: સ્વચ્છ શહેર માટે સફાઈ અભિયાન શરૂ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારો નજીક આવતા શહેરને ચોખ્ખંુ બનાવવાની ચાનક સુધરાઇને ચડી
  • વોર્ડ દિઠ બાવળો ભલે દુર કરાયા પણ શેરીઓમાં સાફ સફાઇની ઉઠી માંગ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના જુદા વિસ્તારમાં વોર્ડ દીઠ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. સફાઈની સાથે બાવળ કટિંગ પણ કરીને શહેરને નમૂનેદાર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં જેસીબી અને અન્ય કર્મચારીઓનો સહયોગ લેવામાં આવ્યો છે. સંકુલને ચોખ્ખું ચણક કરવાની દિશામાં અધીકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પગલાં ભરાઇ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અંદાજે એકાદ માસથી શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહીના વધારાના ભાગરૂપે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. પાલિકાના પ્રમુખ ઈશિતા ટિલવાણી, કારોબારી સમિતિના ચેરમેન દુધરેજીયા અને સેનિટેશન કમિટીના ચેરમેન કમલ શર્મા દ્વારા મોનીટરીંગ કરી કરવામાં આવી રહેલી આ કાર્યવાહીમાં વિવિધ વિસ્તારોમાંથી સફાઈ કરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તહેવારને ધ્યાનમાં રાખીને પણ સફાઈ અભિયાનને વધુ અસરકારક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.

શહેરમાં રોગચાળો વકર્યો
ગાંધીધામ-આદિપુરમાં છેલ્લા પંદર દિવસથી રોગચાળો વકર્યો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ ઊભી થઇ રહી છે. ડેન્ગ્યુ અને ચીકનગુનિયા સહિતના અન્ય વાયરસનાં વધતા પ્રભાવથી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ખાનગી દવાખાના ઉભરાઇ રહ્યા છે. જેમાં વિવિધ રોગના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. દરમિયાન પાલિકા દ્વારા તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. જે-તે વોર્ડના નગરસેવકો દ્વારા સફાઇ ઝુંબેશની સાથે સાથે રોગચાળો પણ કાબૂમાં રહે તે માટે પગલાં ભરવા માંગણી કરવામાં આવી રહી છે. પાલિકાના મેલેરીયા વિભાગને પણ વધુ કાર્યરત બનાવવા માટે માગણી કરવામાં આવી રહી છે.

શહેરીજનોને ડિસ્કો રોડની પીડામાંથી મુક્તિ મળશે
ગાંધીધામ-આદિપુરના લોકોને રસ્તાની સારી સુવિધા મળે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગત ટર્મ વખતે પારખ સર્કલથી સુંદરપુરી ચાર રસ્તા સુધીનો અંદાજે સવા કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો જે તૂટી જતાં વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાની નોબત આવી હતી. ગેરંટી પિરિયડમાં કામ કરવામાં એજન્સી ઠાગાઠૈયા કરતી હતી પરંતુ કારોબારીના ચેરમેન પુનિત દૂધરેજિયાએ ગણેશ કન્સ્ટ્રક્શનના ઠેકેદારને બોલાવી કડકાઇ કરતાં આખરે આ કામ શરૂ કરાયાના સંકેત મળી રહ્યા છે. શહેરના અન્ય બાકી રહેલા રસ્તાઓની મરમ્મત પણ તાકિદે થાય તે માટે પાલીકાએ કાળજી રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...