ખાતમુહૂર્ત:ઓસ્લો સર્કલે 32 કરોડના ખર્ચે ફલાયઓવર, કાર્યક્રમમાં માણસો દેખાડવા પાલિકાના કર્મીઓને બેસાડયા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 206 કરોડના ખર્ચે ગાંધીધામ સહિત રાજ્યમાં વિવિધ સ્થળો પર મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત

કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહુર્ત કાર્યક્રમ મુખ્યમંત્રીની ઈ-ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ગાંધીધામમાં ટાગોર રોડ પર 32 કરોડના ખર્ચે ફ્લાય ઓવરનું નિર્માણ એક વર્ષમાં કરવામાં આવનાર છે તેનો સમાવેશ થાય છે. આજે આ અંગે યોજાયેલા ખાતમુહૂર્તના કાર્યક્રમ વેળા આગવાનોએ એક વર્ષ સુધી લોકોને થોડી મુશ્કેલી પડશે તેમ જણાવીને લોકસુવિધા માટે આ પગલું ભરાયું હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જોઇએ તેવી સંખ્યા ન થતાં ભાજપના કાર્યકરોમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું હતું અને પાલિકાના કર્મચારીઓને બોલાવીને બેસાડવાની નોબત આવી હતી.

જોકે, એવી જાહેરાત કરાઇ હતી કે, સામાજિક અંતર જાળવીને પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. અગાઉ સવારના કાર્યક્રમમાં પ્રભુદર્શનમાં આવું કોઇ પગલું કેમ ન ભરાયું તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. 206 કરોડના ખર્ચે વિવિધ માર્ગ અને મકાન વિભાગના વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જે અન્વયે કચ્છમાં ગાંધીધામ ખાતે 32 કરોડના ખર્ચે ફલાય ઓવર ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, આ ફલાયઓવર એ કચ્છના ઔધોગિક પાટનગર ગાંધીધામના વિકાસમાં શિરમોર સમું છે.

આ તકે અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, હું ગાંધીધામની તેમજ આસપાસની પ્રજાને શુભકામનાઓ પાઠવું છું કારણ કે તેમનું વર્ષોનું સ્વપ્ન સાકાર થવા જઇ રહયું છે. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો થયા છે. ટાગોર રોડ એ ગાંધીધામનો મુખ્ય માર્ગ છે ત્યારે ફોરલાઇન ફલાય ઓવરનું સર્જન થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે. આ સુવિધા ઉભી કરવામાં શરૂમાં થોડી મશ્કેલી સર્જાશે તે અંગે સહકાર આપવા પણ નગરજનોને તેમણે અપીલ કરી હતી.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રાજેન્દ્ર બલદાણીયાએ કર્યુ હતું તેમજ આભારવિધિ અગ્રણી વિજયસિંહ જાડેજાએ કરી હતી. આ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ ઓસ્લો સર્કલ ખાતે શ્રીફળ વધેરી ફલાયઓવરના કામનું ખાતમુર્હુત કર્યું હતું.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, અગ્રણી ભરતભાઇ ઠકકર, પંકજભાઇ ઠકકર, બાબુભાઇ ગુજરિયા, ધનજીભાઇ હુંબલ, બળવંત ઠકકર, ગુલ બેલાણી, મનોજ મુલચંદાણી, બાબુભાઇ હુંબલ, ગોવિંદ નિંજાર, પપ્પુ ઘેડા વગેરે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, પ્રાંત અધિકારી વી.કે.જોષી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વાઘેલા, મામલતદાર હિરવાણીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...