તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતા:ગુરૂકુળમાં દુકાન બનાવવાની વેતરણનો વિરોધ

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંક વિસ્તારમાં થઇ રહેલા આડેધડ બિનરહેણાંકી બાંધકામનો રાફડો
  • દબાણ દૂર કરવા ગુરૂકુળ યુથ ક્લબે તમામ સ્થળે ધા નાખી
  • અગાઉ પાણી, રસ્તાની સમસ્યા આ એરિયા ભોગવી ચૂક્યો છે

ગાંધીધામ- આદિપુર સંકુલમાં રહેણાંક વિસ્તારમાં બિનરહેણાંક એકમો મોટા પાયા પર ધમધમી રહ્યા છે. જીડીએની નાક નીચે થઇ રહેલા આ આડેધડ બાંધકામને લઇને સંકુલની જે પરીકલ્પના કરવામાં આવી હતી તેને ખેદાન મેદાન કરી દીધી છે. ગુરૂકુળ જેવા વિસ્તારમાં દુકાનો ઉતારવાની પ્રવૃતિ શરૂ કરવામાં આવતાં ગુરૂકુળ યુથ સર્કલ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા જીડીએ, પાલિકા સહિતની ઓથોરીટિને રજૂઆતો કરી છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં અભિયાન ચલાવીને રણનીતિ નક્કી કરવા ગુરૂવારે રાત્રે બેઠક પણ રાખવામાં આવી છે. અગાઉ પાણી, ખખડધજ રસ્તાની સમસ્યા આ વોર્ડ ભોગવી ચૂક્યો છે

શહેરમાં રહેણાંક વિસ્તારમાં કેટલાક લોક દ્વારા દુકાનો કે અન્ય વ્યવસાય સ્થળો શરૂ કરી દેવામાં આવ્યા છે. ચંડીગઢના ધરણે તૈયાર કરવામાં આવેલા શહેરની દુર્દશા રોકવા માટે સંબંધિત ઓથોરીટિ દ્વારા ગંભીરતા દાખવવી જોઇએ તે રાખવામાં આવી નથી. જેના પરીણામે આવા એકમોનું પ્રમાણ વધી રહ્યું છે. સંકુલના જુદા જુદા વિસ્તારમાં રહેણાંક ઝોન હોવા છતાં બિનરહેણાંકી સ્થળ શરૂ કરી દેવામાં આવ્યા છે. જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ ચોક્કસ ઓથરીટિ પાસે કોઇ સત્તા ન હોવાથી હોતી હૈં ચલતી હૈં ની પદ્ધતિએ આંખ મિંચામણા કરવામાં આવી રહ્યા છે.

જેને લઇને રહેણાંક વિસ્તારોમાં દુકાનો, કોમ્પ્લેક્ષો ધમધમી રહ્યા છે. થોડા સમય પહેલા પણ લીલાશાહ વિસ્તારમાં આવો બનાવ પ્રકાશમાં આવ્યો હતો ત્યારે વિરોધ કરાયો હતો. દરમિયાન ગુરૂકુળ યુથ ક્લબ દ્વારા બિલાડીના ટોપની જેમ ગુરૂકુળ એરીયામાં વધી રહેલા દબાણો સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમસ્યાઓથી ઘેરાયેલા આ વિસ્તારના નાગરીકો હેરાન- પરેશાન થઇ રહ્યા છે. હાલમાં ગુરૂકુળ ગેટની સામે પ્લોટ નં. 289, રહેણાંક વિસ્તાર છે ત્યાં દુકાન બનાવવામાં આવી રહી છે અને અન્ય દબાણ પણ પાલિકાની જમીન પર કરવામાં આવી રહ્યાની વાત બહાર આવી છે.

સંસ્થા દ્વારા આ બાબતે અધિકારી- પદાધિકારીઓને મૌખીક અને લેખિત રજૂઆત કરી છતાં માત્ર ઠાલા આશ્વાસન સિવાય કોઇ કાર્યવાહી થઇ નથી. આગામી દિવસોમાં હવે આ સંસ્થા દ્વારા રણનીતિ અપનાવીને લડત આપે તેવા સંકેત મળી રહ્યા છે.

જીડીએએ 100 કેસ કર્યા છે ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળના આસિસ્ટન્ટ સેક્રેટરી ભગવાનભાઇ કલ્યાણીએ જણાવ્યું હતું કે, જીડીએ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોની તપાસ કરવામાં આવે છે. અગાઉ પણ સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં તબક્કાવાર આવેલી માહિતી પછી 100 જેટલા કેસ કરાયા છે જે ભુજમાં ચાલી રહ્યા છે.

બાંધકામ તોડવાની સત્તા કોની?
પચરંગી વસ્તી ધરાવતા શહેરમાં નિયમને લઇને અનેકવિધ અર્થઘટનો જે તે સમયે થતા હોય છે. જીડીએ, ડીપીટી, એસઆરસી, પાલિકા અને મામલતદાર કચેરી વચ્ચે જમીનના મુદ્દે કેટલીક વખત લોકો પીસાઇ રહ્યા છે. જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ જીડીએ બાંધકામને મંજુરી આપે છે. નકશાઓ મંજુર કરે છે. જ્યારે તેની પાસે ગેરકાયદેસર બાંધકામ થયું હોય તો તોડવાની સત્તા નથી. પાલિકા કોઇ બાંધકામ ગેરકાયદેસર હોય કે રોડ વિથના હોય તેવા દબાણો દૂર કરવા માટે સક્ષમ છે. હવે એસઆરસીની ભૂમિકા જમીનને લઇને કેટલીક વખત વિવાદમાં રહી છે. દીન દયાળ પોર્ટ ગ્રાઉન્ડ રેટ ઉઘરાવે છે જે અગાઉ એસઆરસી ઉઘરાવતી હતી.

ઓપન પ્લોટનો મુદ્દો સળગતો
જે તે સમયે એસઆરસી કે ડીપીટી દ્વારા આપવામાં આવેલા પ્લોટ પર સમયસર બાંધકામ થવું જોઇએ જે ઘણા પ્લોટમાં થયું નથી. કેટલાક પ્લોટ ધારકો પાસે બેંકની લોન સહિતની આર્થિક વ્યવસ્થા ન હોવાથી ખુલ્લા પ્લોટ રાખવા પડે તેવી સ્થિતિમાં છે. પોતાની જમીનમાં પતરાંની ઓરડી બનાવી હોય જીડીએ મંજુરી આપતી નથી. સિમેન્ટનું બાંધકામ હોય તો જ મંજુરી આપે છે. જીડીએનો પોતાનો અલગ કાયદો અને નિયમ છે. તેના માળખામાં રહીને કામગીરી કરવામાં આવે છે પરંતુ નહોર વગરના વાઘ જેવી સ્થિતિમાં જીડીએ કામ ચલાવે છે.

જીડીએ મંજુરી આપી હતી
સૂત્રોના દાવા મુજબ રહેણાંક વિસ્તારમાં બિનરહેણાંકી બાંધકામ માટે જે તે સમયે જીડીએ દ્વારા મંજુરી આપવામાં આવતી હતી. કન્વર્ઝેશન ચાર્જ લઇને અપાતી આ મંજુરીએ ઘણા વિવાદ પણ કર્યા છે. જ્યારે બીજી તરફ જોવામાં આવે તો હોસ્પિટલો માટે કોઇ પ્લોટ જ ન હોઇ દવાખાના બનાવવા માટે રહેમાંક વિસ્તારમાં જ ડોક્ટરોને પસંદગી કરવી પડે તેવી સ્થિતિ છે. જેને લઇને રહેણાંક વિસ્તારમાં ક્લિનીકો ધમધમી રહ્યા હોવાનું તારણ પણ નિકળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...