DRIના ડીજી ગાંધીધામમાં:જપ્ત હેરોઈનના જથ્થાનું સત્તાવાર સીઝર

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ.વી. જોશી સીએફએસમાં કાર્યવાહી, 200 કિલોથી વધુ ડ્રગ્સ ન મળ્યુંઃ 17 કન્ટેનરની 10318 બેગમાંથી માત્ર 13 બોરીમાં છુપાવેલું હતું
  • કેસની સંવેદનશીલતાના કારણે એજન્સીના રાષ્ટ્રીય વડાએ ગાંધીધામમાં સ્થળ મુલાકાત લીધી

ગાંધીધામ પાસે આવેલા સીએફએસમાંથી ગત મહિનાથી શરૂ કરાયેલી હેરોઈન કેસના જથ્થાની તપાસ આખરે પુરી થઈ હતી. ડીઆરઆઈના ડાયરેક્ટર જનરલ આલોક તીવારીની ઉપસ્થિતિમાં સીઝરની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. આ કદાચીત પ્રથમ બનાવ હતો જ્યારે રાષ્ટ્રીય સ્તરના એજન્સી વડાએ ગાંધીધામમાં સાઈટ વીઝીટ કરીને તાગ પણ મેળવ્યો હતો.

ગત મહિને મુંદ્રા બાદ કંડલા પોર્ટમાં ઈરાનથી આવેલા કન્ટેનરોમાં હેરોઈન આવ્યું હોવાની તપાસ શરૂ થતાજ દેશભરમાં વધુ એક વાર ચર્ચા છેડાઈ હતી. દરમ્યાન ગત સપ્તાહે ડીઆરઆઈ દ્વારા સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરતા 1439 કરોડની કિંમત ધરાવતા 205.6 કિલો હેરોઈનનો જથ્થો હાલ સુધી ઝડપાયો હોવાનું તેમજ તપાસ હજી પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું. રવિવારના આખરે આ તપાસનો દોર પૂર્ણ થયો હતો, આ ક્ષણે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ ના ડાયરેક્ટર જનરલ આલોક તીવારીએ પણ દિલ્હીથી વિશેષ મુલાકાત લઈને જથ્થાની તપાસ કરી હતી.

આ ક્ષણે એડીજી સમીર બજાજ તેમજ એજન્સીના અન્ય સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથેજ આ કાર્ગોની તપાસ પૂર્ણ થઈ હોવાનું નક્કી કરીને સીઝર કરાયું હતું, કાર્ગોની તપાસમાં અગાઉ જાહેર કરાયા સીવાય કોઇ ડ્રગ્સનો કોઇ નવો જથ્થો મળી આવ્યો નહતો.

17 કન્ટેનરમાં રહેલી 10,318 બેગની તપાસ કરાઈ હતી, જેમાંથી 13 બેગમાંથીજ જપ્ત થયેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. નોંધવું રહ્યું કે અગાઉ આ કેસમાં આયાત બાલાજી ટ્રેડર્સના માલીક જોબનજીતસીંગ બલવીંદરસીંગની અટકાયત ડીઆરઆઈ કરી ચુકી છે, જે હાલ રિમાન્ડ પર છે.

પીપાવાવ પોર્ટ પર જપ્ત ડ્રગ્સનું કનેક્શન
ઈરાનથી કંડલા પોર્ટમાં આયાત થયા અને છ મહિના સુધી પડી રહેલા ડ્રગ્સના જથ્થાને સીઝ કર્યા બાદ થોડાજ સમયમાં ડીઆરઆઈ દ્વારા પીપાવાવ પોર્ટ પર પણ કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો સુતરીમાં વીટળાયેલો મળી આવ્યો હતો. તજજ્ઞો બન્ને કેસોમાં સામ્યતાઓને જોઇ રહ્યા છે. બન્ને કન્સાઇમેન્ટ ઈરાનથી આવેલા અને હેરોઈન ઝડપાયું છે.

એનઆઈએ જખૌ, મુંદ્રા બાદ હવે કંડલાની તપાસમાં પણ ઝુકાવે તેવી શક્યતા
કંડલા નજીક સીએસએફથી જપ્ત ડ્રગ્સના જથ્થા મામલે હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) ટુંક સમયમાં જુકાવે તેવી શક્યતા સેવાઈ રહી છે. અગાઉ જખૌ ડ્રગ્સ કેસ અને મુંદ્રા ડ્રગ્સ પ્રકરણમાં પણ આતંકવાદી ફંડિંગ ના તાર બહાર આવતા એજન્સીએ આગળની તપાસનો દોર હાથમાં લીધો હતો. આ કેસમાં પણ આજ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોવાથી તે જુકાવે તેવી સંભાવના સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...