તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરનું પરાક્રમ પોલીસ ચોપડે ચડ્યું:વ્યાજ ન ચૂકવતાં દુકાન પર કબજો કર્યો, પોલીસના લોકદરબારના બીજા દિ’એ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીએ ફરિયાદ નોંધાવી

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામ સંકુલના વેપારીને વ્યાજના ચક્કરમાં દવાની દુકાન અને ચેરિટેબલ હોસ્પિટલ પણ ગુમાવવાની નોબત આવી

પૂર્વ કચ્છ પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો બેધડક બની વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી શકે તે હેતુથી શુક્રવારે એસી કચેરીએ યોજાયેલા લોકદરબારના બીજા જ દિવસે વ્યાજખોરોના વિષચક્રમાં પાયમાલ થયેલા દવાના વેપારીએ બે જણા વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે પ્રથમ ફરિયાદ દાખલ કરાવી હતી.

લોકદરબાર બાદ પ્રથમ ફરિયાદી બનેલા ગાંધીધામના લીલાશાહનગરમાં રહેતા વેપારી જીતેન્દ્રકુમાર હરેશભાઇ દેવનાનીને બે વર્ષ પહેલાં તેમના સંધ્યા મેડિકલ અને શ્રીરામ ચેરિટેબલ હોસ્પિટલ માટે રૂપિયાની જરૂર પડતાં તેમણે પોતાના ઓળખીતા વ્યાજનો ધંધો કરતા ગુરૂકુળ પાસે રહેતા રાહુલ કાનાભાઇ ચાવડા પાસેથી વર્ષ-2019 ના જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી કુલ રૂ.32 લાખ 9 ટકા વ્યાજે લીધા હતા. જેના પેટે રાહુલે તેમની પાસેથી પાંચ બ્લેન્ક ચેક સહી કરેલા લીધા હતા.

ત્યારબાદ નવેમ્બર 2019 માં તેમના મિત્ર ભરતભાઇ લખુભાઇ આયરની ઓળખાણમાં અંજારના ભીમાસર રહેતા શંભુભાઇ આહીર પાસે કાર ગીરવે રાખી રૂ.3 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. રૂપિયા લેતી દેતીમાં કોઇ લખાણ તેમના વચ્ચે થયું ન હતું. ઓક્ટોબર 2019 સુધી તેમણે રાહુલ કાનાભાઇ ચાવડાને નવટકાના વ્યાજ પેટે રૂ.2,88,000 ચૂકવ્યા બાદ તેમની પાસે પૈસાની સગવડ ન હોતાં નવેમ્બર 2019 નું વ્યાજ ચૂકવી શક્યા ન હતા. આ વ્યાજ ન ચૂકવી શકતાં રાહુલે તેમની શ્રીરામ ચેરિટેબલ હોસ્પિટલ આવીને તું મારૂં વ્યાજ નથી ચૂકવી શક્યો એટલે હવે તારા ધંધાનો કબજો હું લઇ લઉં છું કહી ગંદી ગાળો બોલી દુકાનમાં બેસી ગયો હતો.

આ વાત હોસ્પિટલ અને દુકાનની બિલ્ડીંગના માલિકને કરતાં તેમણે ખાલી કરાવી દેતાં તેમનો ધંધો પણ બંધ થયો હતો. તો શંભુભાઇ આહિરને પણ રૂ.12,000 વ્યાજ પેટે આપી દીધા હતા પરંતુ તેની પાસે ગીરવે રાખેલી કારના હપ્તા ચૂકવાય તેમ ન હોતાં આ કાર મિત્ર કુલદિપસિંહને વેચવાનું નક્કી કરી પત્નીના ઘરેણા વેંચી શંભુ આહીરને રૂ.1,80,000 આપી બાકીના રૂ.1,20,000 બાકી રખાવી ગાડી છોડાવી પણ ધંધો ન હોતાં વ્યાજ ચૂકવી શક્યા ન હતા અને શંભુ આહીરે ત્યારબાદ ફોનમાં તેમજ રૂબરૂ મળી પૈસા નહીં ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ ત્રાસ ખૂબ વધી ગયો હતો. ગઇકાલે એસપી મયૂર પાટીલ દ્વારા યોજાયેલા લોકદરબારમાં તેમણે કરેલી રજુઆત બાદ બે વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ એન. વી. રહેવર તપાસ ચલાવી રહ્યા છે.

2 વ્યાજખોરે ઓફિસે બોલાવી માર મારવાનો પ્લાન ઘડ્યો
વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા જીતેન્દ્રકુમાર હરેશભાઇ દેવનાનીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.1/4 ના શંભુભાઇ આહીરે ઉઘરાણી માટે ફોન કર્યો તો તેમણે ડિસેમ્બર સુધીમાં પૈસા ચૂકવી દઇશ કહ્યું પરંતુ રાહુલ કાનાભાઇ ચાવડાએ તું ક્યારે આવશ મારી ઓફિસે કહી તે દિવસે સાંજે 7 વાગ્યે રાહુલે કચ્છ કલા રોડ પર આવેલી તેની ઓફિસે બોલાવતાં મારની બીકને લીધે જીતેન્દ્રભાઇએ મિત્ર અનિલ જોષી અને જગદિશ ભાનુશાલી સાથે રાહુલની ઓફિસે જતા જ્યાં રાહુલે અનિલ જોષીને કહ્યું હતું કે જો તું ન આવ્યો હોત તો આજે જીતેન્દ્રને મારત તેમ જણાવી ધમકી આપી હતી.

માત્ર ફરિયાદ નહીં ધાક બેસાડતી કામગીરી જરૂરી
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરોનો ત્રાસ ડામવા લોકદરબારનું આયોજન કરાયું તે ખરેખર સ્તુત્ય કામગીરી કરાઇ છે જેના કારણે વ્યાજના વિષ્ચક્રમાં ફસાયેલા લોકોમાં ફરિયાદ નોંધાવવાની હિમ્મત આવી છે. પરંતુ આ ખરેખર સારા નિર્ણય બાદ હવે માત્ર ફરિયાદ નહીં આવા વ્યાજખોરો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તો જ આ બદી ડામી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...