તસ્કર રાજ:હવે સંકુલમાં ચાલતા સરકારી કામો પર હરામખોરોએ હાથ મારવાનું શરૂ કર્યું !

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-4 માં નાળા સમારકામની 35 હજારની શલ્ટિંગ પ્લેટો સાથે ઓવરબ્રીજના કામમાં પણ ચોરી
  • ઓસ્લો ઓવરબ્રીજની સાઇટ પર રાખેલી 12 કોર્નર પ્લેટો ઉપડી હોવાનું પણ બહાર આવ્યું, પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ

ગાંધીધામ સંકુલમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી સાથે હવે તસ્કર ગેંગ દ્વારા સરકારી કામ ચાલુ હોય તે સાઇટ ઉપર પણ હાથ મારવાનું શરૂ કરી દેતાં હવે મોટો પડકાર ઉભો કર્યો છે. આ તસ્કર ગેંગે સેક્ટર-4 માં ચાલી રહેલા વરસાદી નાળાના સમારકામની સાઇટ ઉપરથી અંદાજે રૂ.35,000 ની કિંમતની 30 શલ્ટિંગ પ્લેટોની ચોરીને અંજામ આપ્યો છે, તો સૂત્રોએ જણાવ્યા મુજબ ઓસ્લો સર્કલ પાસે ચાલી રહેલા ઓવરબ્રીજની સાઇટ ઉપરથી અતિ કિંમતી ગણાતી કોર્નર પ્લેટોની ઉઠાંતરી કરી હતી.

અત્યાર સુધી તસ્કરો ઘરફોડ, બાઇકો, ફોર વ્હીલરને નિશાન બનાવતા હતા પરંતુ હવે સરકારી કામને ટાર્ગેટ કરવા લાગ્યા છે. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ સંકુલમાં સતત ચોરીઓને અંજામ આપતી ગેંગ સતર્કતા પૂર્વક ચોરીનુે અંજામ આપી રહી છે જેમાં સેક્ટર-4 માં રાહુલ ટી સ્ટોલ વાળા રોડ પર હાલે વરસાદી નાળાનું સમારકામ નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે. ઠેકેદાર હસ્તક ચાલતું આ કામ રવિવારે બંધ રહ્યું હતું. આ તકનો સાભ તસ્કરોએ લઇ આ સાઇટ ઉપરથી રૂ.35,000 ની કિંમતની30 શલ્ટર પ્લેટોની ચોરીને અંજામ આપી દીધો હતો. આ બાબતે સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ ઠેકેદારે આ બાબતે તંત્રને જાણ કર્યા બાદ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

તો સૂત્રોમાંથી એવી પણ વાત જાણવા મળી હતી કે, એ જ રાત્રે ઓસ્લો સર્કલ પાસે ચાલી રહેલા આર એન્ડ બી હસ્તકના ઓવરબ્રીજની સાઇટ પર રાખેલી અતિ કિંમતી ગણાતી અંદાજે 12 જેટલી કોર્નર પ્લેટોની પણ ચોરી થઇ છે. જો કે આ બાબતે કોઇ જાણ પોલીસ મથકમા઼ હજી સુધી કરાઇ નથી. આર એન્ડ બીના સૂત્રોના જણાવ્યા મુજબ આ બાબતે કોઇ જાણકારી ન મળી હોવાનું જણાવ્યું હતું. તમામ જવારદારી કોન્ટ્રાક્ટરની છે.

શહેરમાં હાઇ ડેફિનેશન કેમેરા લાગેલા હોવા છતાં નિશાચરો હાથ કેમ નથી આવતા ?
ગાંધીધામ શહેરના વિવિધ વિસ્તારોમાં હાઇ ડેફીનેશન કેમેરા લગાવવામાં આવ્યા છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી તસ્કર ગેંગ સતત ઘરફોડ ચોરી, વાહન ચોરી જેવી ઘટનાને બિંદાસ્ત અંજામ આપી રહી છે. જેમાંથી ઘણા બનાવો વણઉકેલ્યા રહ્યા છે. હવે જ્યારે મોટો પડકાર બની રહ્યા છે આ તસ્કરો ત્યારે કડક પેટ્રોલિંગ અને બાઝ નજર રાખી આ ગેંગને પકડાય તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...