તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકશાહી:હવે કારોબારીની બેઠક બોલાવવાની તૈયારી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની સમિતિઓની રચના બાદ શરૂ થયેલો ધમધમાટ
  • અગાઉના વર્ષોમાં શોભાના ગાંઠીયા સમાન બનેલી પબ્લિક વર્કસ, લાઇટ, ગાર્ડન, વોટર સહિતની સમિતિઓની બેઠક બોલાવાશે?

ગાંધીધામ નગરપાલિકામાં તાજેતરમાં જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. લાંબા સમયથી રચના કરવામાં ન આવતાં કારોબારી સહિતની કમિટિઓમાં કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. 9 કરોડથી વધુ રકમના કામોનો નિર્ણય લેવાયો નથી. હવે આગામી દિવસોમાં કારોબારીની બેઠક બોલાવી વિકાસ કામોને વેગ આપવામાં આવે તેવા એંધાણ જણાઇ રહ્યા છે. જોકે, વર્ષોથી અન્ય સમિતિઓ જેવી કે પબ્લિક વર્કસ, લાઇટ, ગાર્ડન, પાણી વગેરે સમિતિઓ શોભાના ગાંઠીયા સમાન રહેતી હોય છે.

જેની કોઇ બેઠક વર્ષમાં એકલ દોકલ બોલાવવામાં આવતી હોય છે. કેટલીક સમિતિઓમાં તો બેઠક બોલાવવામાં જ આવતી નથી. હવે નવી ટીમ આવી છે ત્યારે આ સમિતિઓની બેઠક સમયસર નિયમ મુજબ મળશે કે કેમ તે એક પ્રશ્ન છે. પાલિકામાં ભાજપે ફરી એક વખત બહૂમતિ મેળવી છે. વિક્રમ સર્જક કહી શકાય તેવી 52માંથી 47 બેઠકો મેળવ્યા પછી વહીવટી ક્ષેત્રે જે ઝડપથી કામગીરી થવી જોઇએ તેમાં ઓટ આવી હતી. સમિતિઓની રચના ન થતાં અગાઉ મંજુર થયેલા કામોને બાદ કરતા નવા કામો આવશ્યક હોય તો નાના મોટા કરવાની ફરજ પડી હતી.

જ્યારે રસ્તા સહિતના અન્ય કામો પેન્ડીંગ છે. જાણકારોના મત મુજબ નિયમ મુજબ જે તે સમિતિઓની રચના તો કરવામાં આવી છે પરંતુ કારોબારી સિવાયની અન્ય 11 સમિતિઓની બેઠક બોલાવવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે. કેટલીક સમિતિઓમાં ચેરમેન તરીકે નવા ચહેરાને તક મળી છે ત્યારે તેનો ઉત્સાહ પણ જળવાઇ રહે અને સમિતિઓની બેઠકમાં એજન્ડાઓ આવે તે દિશામાં પગલા ભરવામાં આવે તે પણ ઇચ્છનીય છે.

ગેરવહીવટ | 12 કરોડની આવેલી ગ્રાન્ટમાંથી રસ્તાના કામોના રિ-ટેન્ડર થશે?
સૂત્રોના દાવા મુજબ ગત ચોમાસે શહેરના રસ્તાઓના ધોવાણ થયા હતા ત્યારે સરકારે ઓળઘોળ થઇને 10 કરોડની માંગેલી રકમમાંથી વધારો કરીને 12 કરોડ જેટલી જંગી કહી શકાય તેટલી રકમ ફાળવી હતી. એક જ એજન્સીને જે તે સમયે કામ આપવાની મમત્વ ધરાવતા વહીવટદારોએ લીધેલા પગલાને કારણે વગોવાણા પણ થયા હતા. ત્યાર બાદ બારોબાર કામ આપવાને બદલે ટેન્ડર બહાર પાડવામાં આવતાં અંકિતા કન્ટ્રકશન કે જેને અગાઉ કામ આપવામાં આવ્યું હતું તેને ટેન્ડર લાગ્યું હતું.

પરંતુ તેમાં જે ભાવ ભરાયા હતા તેમાં પાલિકાને અંદાજે પોણા ચાર કરોડ રૂપિયાનો ઓછો ખર્ચ થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. કામ આપ્યા પછી એજન્સીએ કેટલાક રોડના કામો કરીને કામ બંધ કર્યા બાદ હવે આ એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની કામગીરી હાથ ધરાશે અને તેની ડિપોઝીટ જપ્ત કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

નવા બનેલા રોડ તોડવા સામે વિરોધ
નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રસ્તાના કામો મંજુર કરવામાં આવ્યા છે. સેક્ટર વિસ્તાર સહિતના સ્થળો પર મંજુર થયેલા કેટલાક કામોમાં તો સારો રોડ હોવા છતાં તેને તોડીને નવો બનાવી પ્રજાના લાખો રૂપિયાનું આંધણ કરવામાં આ‌વી રહ્યું છે. જેની સામે ખુદ ભાજપમાં જ વિરોધ થઇ રહ્યો છે. હવે જવું એ રહ્યું કે, આ રસ્તાના કામો શરૂ થાય છે કે કેમ? નવી ટીમ પર લોકોની અપેક્ષાઓ વધારે છે ત્યારે અગ્નિપરીક્ષામાં આવેલી આ ટીમ કેવો નિર્ણય લે છે તેની ઉપર લોકોની મીટ મંડાણી છે.

અન્ય સમાચારો પણ છે...