ગાંધીધામના મુખ્ય બજારમાં આવેલી અંજતા ટુ ઈમારતમાંના બીજા માળે મંગળવારના અચાનક છતમાંથી પોપડાનું તુટેલુ માળખુ પડ્યું હતું. સદભાગ્યે આ સમયે અહિ કોઇ ઉભુ ન હોવાથી મોટી દુર્ઘટના થતામાં અટકી હતી, ઘટના બન્યાના થોડા સમય પહેલાજ આ ગેલેરી પર ઉભા રહીને ઓફિસ ધારકો બહારથી પસાર થતી રેલી જોઇ રહ્યા હતા, તેમના ગયા બાદ આ ઘટના બની હતી.
આદિપુરમાં હજી થોડા સમય પહેલાજ ખસ્તાહાલ ઈમારતની લોબી તુટીને નીચે પડતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું, તો ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગર, ગાંધીમાર્કેટ, નગરપાલિકા પાસેની ચેતના ચેમ્બરથી પણ મલબો પડવાની ઘટના થોડા સમય પહેલાજ બની હતી. એક બાદ એક થતી આવી ઘટનાઓ છતા આ માટેની જવાબદારી જીડીએ અને પાલિકા એક બીજા પર ઢોળી રહી છે અને સરવાળે લોકોના જીવ આ તમામ વચ્ચે ગૌણ બન્યા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ગાંધી માર્કેટની હાલત જર્જરીત છે અને વારંવાર પોપડા પડી રહ્યા છે તેવી ફરિયાદ ઉઠતી રહી છે, પરંતુ પાલિકા આંખ આડા કાન કરતી હોય તેવું પ્રતિત થઈ રહ્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
જીડીએ દ્વારા કાર્યવાહી કરવામાં મોડુ કેમ?
અન્ય સતા મંડળોની જેમ સીધા જેસીબી લઈને દબાણોને તોડી પાડવાની સતા જીડીએ પાસે નથી, પરંતુ ગત મહિનાથી વર્ષોથી લંબીત કેસો હવે કોર્ટમાં ચાલવા લાગ્યા હોવાનું અને તેના ઓર્ડર પણ નિકળવા લાગ્યા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તે ઓર્ડર બહાર પડ્યા બાદ પણ અનધીકૃત દબાણોને દુર કરવાની દિશામાં પગલા લેવામાં મોડુ થઈ રહ્યું હોય તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. નોંધવુ રહ્યું કે અગાઉ ત્રણ દશકા પુર્વ જીડીએ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.