તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધેર તંત્ર:જર્જરિત ઇમારતો તોડવા નોટિસ પણ ચૂકાઇ !

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે ચોમાસા પહેલા લોકોને જોખમરૂપ બિલ્ડીંગનો સર્વે કરવામાં આવે છે
  • ઇજનેર વિભાગમાં અનુભવના અભાવે ઉદ્દભવી સ્થિતિ : બિલ્ડીંગ પડતાં જાનહાની થશે તો જવાબદારી કોની?

ગાંધીધામ નગરપાલિકામાં નવી ટીમે સત્તાના સુકાન સંભાળ્યાને ખાસો સમય થઇ ગયો પરંતુ હજુ કેટલાક કિસ્સામાં અંદરો અંદરની ખટપટ કે અન્ય કોઇ કારણોસર વહીવટની ગાડી પાટા પર આવતી નથી. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા પહેલા જોખમરૂપ હોય તેવી ઇમારતોનો સર્વે કરીને તેને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે. આ વખતે અત્યાર સુધી આ બાબતે કોઇ જ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી નથી. અગાઉ 12 જેટલી બિલ્ડીંગોના સર્વે બાદ તેને ઉતારી લેવા માટે આપવામાં આવેલી મહેતલ પછી હાઇવે પર એક વર્ષો જૂના કોમ્પ્લેક્ષ અને અન્ય એક ઇમારતને બાદ કરતાં 10ને હજુ પાલિકાની નોટિસના પગલે કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાની વિગત પણ મળી રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરીના ભાગરૂપે જુદા જુદા પગલા ભરવામાં આવી રહ્યા છે. હાલ નાળા સફાઇ, વૃક્ષ કટીંગ વગેરે મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઇજનેર વિભાગ દ્વારા દર વખતે તૈયાર કરવામાં આવતી કેટલીક કામગીરીઓમાં ઓટ આવી રહી હોય તેમ જણાય છે. અનુભવ વગરના અધિકારી અને અન્ય કર્મીઓ પૈકી કેટલાકને સાઇટ ટેક કરી દેવામાં આવતાં શહેરના વિકાસના કામોથી લઇને અન્ય કામોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. પાલિકાના ઇજનેર વિભાગના અધિકારી આશિષને કેટલી મિલ્કતો ઉતારી લેવા માટે નોટિસ અપાઇ છે તે પૂછતાં આવી કોઇ નોટિસ અપાઇ ન હોવાનું જણાવ્યું હતું.

ગેરવહીવટ : નોટિસ આપીને પાલિકા સંતોષ માનતી હોય છે
સામાન્ય રીતે જુદા જુદા કિસ્સામાં જોવામાં આવે તો નગરપાલિકા દ્વારા નોટિસ આપીને સંતોષ માનતી હોય તેવી સ્થિતિ પણ ઉભી થતી હોય છે. કેટલાક કિસ્સામાં પાલિકાની નોટિસને લોકો ગંભીરતાથી લેતા હોય છે. જ્યારે કેટલીક વખત પાલિકાની નોટિસને ગણકારતા પણ નથી. આવા સંજોગો વચ્ચે કડક હાથે કામ લઇને પાલિકાએ લોકોની સુરક્ષા માટે પગલા ભરવા જોઇએ તે જરૂરી બન્યું છે.

હાઇવે પરનું કોમ્પ્લેક્ષ ઉતારી લેવાયું હતું
અગાઉ સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે નગરપાલિકા દ્વારા કરાયેલી કામગીરીમાં લોકોને માટે જોખમરૂપ હોય તેવી ઇમારતો દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જે તે સમયે કરવામાં આવેલી કાર્યવાહીમાં હાઇવે પરની એક વર્ષો જૂની ઇમારત જે ખખડધજ થઇ ગઇ હતી અને 200થી વધુ દુકાનો, ઓફિસો, હોટલ હતી તે ઇમારતને જમીનદોસ્ત જે તે સંસ્થાએ જ કરી હતી. આ ઉપરાંત અન્ય એક સ્થળે પણ ઇમારત દૂર કરવામાં આવી હતી. ટાગોર રોડ પરની એક ઇમારતનો વિવાદ વકરી રહ્યો છે. જેમાં રાજકારણ પણ મહત્વની ભૂમિકા ભજવતું હોવાથી આ ઇમારતી ખાલી કરવા માટે જોઇએ તેવી કાર્યવાહી થતી નથી. એક માળ જ દૂર કરવાનો છે તેવી ઇમારતો પર પણ હજુ કોઇ પગલા ભરાયા નથી.

પાલિકા ધારે તો જે તે પાર્ટીના ખર્ચે અને જોખમે આવી ઇમારતો ઉતરાવી શકે તેમ છે પરંતુ મન હોય તો માળવે જવાય તે ઉક્તિ અનુસાર પાલિકાની નીતિને કારણે ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની તે પણ એક પ્રશ્ન છે. મુખ્ય બજારના એક નાગરીક દ્વારા તેમના ઘરની પાસે જોખમરૂપ પડું પડું થતી ઇમારતને દૂર કરવા માટે સ્થાનિકથી લઇને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...