હુકમ:શિણાયમાં બિનખેતીની શરતોમાં ભંગ બદલ ના. કલેક્ટરનો ધાક બેસાડતો ચુકાદો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ ખુલ્લો રાખવા, ગટર પાણીના નિકાલની વ્યવસ્થાનો હુકમ કર્યો

શિણામાં બીનખેતીની શરતોના ભંગના કેસમાં અંજારના મદદનિશ કલેક્ટર દ્વારા પ્લોટ ધારકોના હિતમાં ધાક બેસાડતો ચુકાદો અપાયો હતો. આ કેસની વિગતો એવી છે કે, ચત્રભુજ વિશનજી ભાટિયા દ્વારા મદદનિશ કલેક્ટર અંજાર સમક્ષશિણાયના રેવેન્યુ સર્વે નંબર 24/1 જે બિન ખેતી થયેલો છે તથા યોગીપુરમ ટાઉનશીપના નામે ઓળખાય છે. તેમાં બીન ખેતીની શરતોનો ભંગ થયેલો હોઇ તે બાબતે કાર્યવાહી કરવા તેમજ સ્થાનિક ગટરનું પાણી બંધ કરવા, રસ્તા ખુલ્લા કરવા તથા અનઅધિકૃત બાંધકામ દૂર કરવા અરજી કરી હતી.

જેના અનુસંધાને કલમ 67 તળે કેસ નોંધાયો હતો. જેમાં મદદનીશ કલેક્ટર દ્વારા બિન ખેતી કરાવનાર સ્વ.દેવજી માંડણ સોરઠીયાના વારસદારો તે સમીર દેવજી સોરઠિયા વગેરેને નોટિસો આપી હતી. સાથે સાથે જીડીએ, ગાંધીધામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને ગાંધીધામ મામલતદારે વિસ્તૃત અહેવાલ સાથે સ્થાનિકે શરતોનું પાલન થયું ન હોવાનો રીપોર્ટ પણ આપ્યો હતો.

મદદનિશ કલેક્ટર એમ.વી.દેસાઇએ શરત ભંગ થયો હોવાનું માની મંજૂર લે આઉટપ્લાનમાં દર્શાવેલા 24.40 મીટરનો ડીપી રોડ કાયમ માટે ખુલ્લા રાખવા, ગટર અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા હુકમ કર્યો હતો. વધુમાં આ હુકમના પાલનની ખાત્રી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી, શિણાય ગ્રામ પંચાયત અને ગાંધીધામ મામલતદારને આદેશ કર્યો હતો. આંતરીક રોડ, રસ્તાઓ અને ગટરના પાણીના નિકાનલની વ્યવસ્થા બાબતે જીડીએ દ્વારા ખરાઇ કર્યા બાદ જ તે પ્લોટ પર બાંધકામની પરવાનગી આપવા જણાવ્યું હતું.

આ હુકમ મુજબ સ્વ.દેવજી માંડણ સોરઠીયાના વારસદારોએ યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ તેમના ખાતે આવેલા રહેણાક પ્લોટો વેચસાટ કરી શકશે તેવો ધાક બેસાડતો ચૂકાદો સંભળાવ્યો હતો. અરજદાર વતી એડવોકેટ યશ પોટાએ દલીલો કરી હતી.

આ હુકમની દુરોગામી અસરો પણ આગામી દિવસોમાં જોવા મળશે
સામાન્ય રીતે બિલ્ડરો દ્વારા બિનખેતી કરાવ્યા બાદ પ્લોટો વેચાણ કરી નખાતા હોય છે. ત્યારબાદ કોઇ જ કાર્યવાહી ન કરાતાં પ્લોટ ધારકોને થતી મુશ્કેલી તથા ખર્ચ બાબતે પ્લોટ ધારકોના હિતમાં ચુકાદો અપાયો છે. જે પબ્લિક એટ લાર્જ માટે આશિર્વાદરૂપ બન્યો છે અને આ હુકમની દુરોગામી અસરો પણ આગામી દિવસોમાં પડશે.

અન્ય સમાચારો પણ છે...