તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી સ્પોર્ટ્સ:કચ્છના ઇશાન હિંગોરાણીને મેન્સ સિંગલ્સમાં સિલ્વર મેડલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરમાં યોજાઇ રહેલી ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં ચિત્રાક્ષ ભટ્ટે બે ટાઇટલ જીત્યા
  • ભારતની સાતમા ક્રમની ક્રિત્વિકા વિમેન્સ ચેમ્પિયન

એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં યુવાન ચિત્રાક્ષ ભટ્ટે ટુર્નામેન્ટ માટેનો પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરતાં બે ટાઇટલ જીત્યા હતા. ભારતની સાતમા ક્રમની ક્રિત્વિકા સિંહા રોયે પડકારનો સામનો કરીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ ફાઇનલ રોમાંચક બની હતી જેમાં ત્રીજા ક્રમના અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે કચ્છના ચોથા ક્રમના ઇશાન હિંગોરાણીને હરાવીને કારકિર્દીમાં પહેલી વાર મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચિત્રાક્ષ ભટ્ટે 11-6થી પ્રથમ ગેમ જીતી હતી પરંતુ કચ્છની ટીમને મેન્સ ટીમ ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા તથા હાલમાં શાનદાર ફોર્મ ધરાવતા ઇશાને વળતો પ્રહાર કરીને બીજી ગેમ્સ જીતી લીધી હતી. આજનો દિવસ ચિત્રાક્ષનો હતો જેણે આગામી બે ગેમ જીતી લીધી હતી. બીજી તરફ ઇશાને પણ લડત જારી રાખી હતી અને પાંચમી ગેમ હાંસલ કરી હતી પરંતુ ચિત્રાક્ષે છઠ્ઠી ગેમ જીતવાની સાથે મેચ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. 18 વર્ષના ચિત્રાક્ષ માટે આ ટુર્નામેન્ટ યાદગાર બની રહી હતી કેમ કે તેણે જુનિયર બોયઝ (અંડર-19) ટાઇટલ પણ હાંસલ કર્યું હતું જ્યાં ફાઇનલમાં તેણે ચોથા ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈને હરાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સુરતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ક્રિત્વિકા સિંહા રોયે તેની ઉચ્ચ કક્ષાની રમત જીવંત રાખતાં પોતાની જ ટીમની અને મોખરાનો ક્રમાંક ધરાવતી ફ્રેનાઝ છિપીયાને હરાવીને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. દરમિયાન બીજા ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીએ જુનિયર ગર્લ્સ (અંડર-19) ટાઇટલ જીતવા માટે ભાવનગરની આઠમા ક્રમની નામના જયસ્વાલને હરાવી હતી. તમામ વિજેતાઓને અભિનંદન પાઠવતાં જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે “હું ચેમ્પિયનશિપના તમામ વિજેતાઓને અભિનંદન આપવા માગું છું. હું સમજું છું કે આટલા લાંબા ગાળા બાદ ફરીથી સ્પર્ધાત્મક રમતનો પ્રારંભ કરવો ખેલાડીઓ માટે આસાન હોતો નથી પરંતુ તેમણે પ્રભાવશાળી રમત દાખવીને આપણા દિલ જીતી લીધા છે અને એ સુનિશ્ચિત કરાવી દીધું છે કે રમત સુરક્ષિત હાથમાં છે.” વિજેતા ખેલાડીઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના કચ્છ રીઝનલ મેનેજર શંકર એમ. ઐયેર, કેડીટીટીએના ઉપપ્રમુખ નરેશ બુલચંદાની, મહેશ ગુપ્તા, તુલસી સુઝાન, જીએસટીટીએના માનદ મંત્રી કુશલ સંગતાણી, કેડીટીટીએના કારોબારી સભ્ય ડી.કે.અગ્રવાલ વગેરે મહાનુભાવો દ્વારા ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેડીટીટીએના માનદ મંત્રી મનીષ હિંગોરાણી, ખજાનચી હરી પિલ્લઇ, સહમંત્રી સુનીલ મેનન, કમલ આસનાની, સ્થાપક સભ્યો કીરીટ ધોળકિયા, મહેશ હિંગોરાણી વગેરે હાજર રહ્યા હતા.

ટાઇટલ જીતવાનો લક્ષ્યાંક હતો : ચિત્રાક્ષ
“2019માં આણંદ ખાતે મેં આણંદ ખાતે સ્ટેટ રેન્કિંગ ટાઇટલ જીત્યું હતું પરંતુ મારા માટે પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતા આ ટુર્નામેન્ટ વિશેષ છે.” તેમ કહીને મેન્સ ફાઇનલ જીત્યા બાદ ચિત્રાક્ષે ઉમેર્યું હતું કે “પ્રામાણિકતાથી કહું તો ટાઇટલ જીતવાનો મારો લક્ષ્યાંક હતો અને તે સાર્થક કરવાનો મને આનંદ છે પરંતુ સાથે સાથે એમ પણ કબૂલીશ કે આ બાબત આસાન ન હતી કેમ કે અમે એક વર્ષ કરતાં વધુ સમય બાદ આવી સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ રમી રહ્યા હતા.

અમદાવાદ ચેમ્પિયનશિપ ટાઇટલ વિજેતા
ટુર્નામેન્ટમાં અમદાવાદે તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું કેમ કે અમદાવાદને ચેમ્પિયનશિપ ટાઇટલ વિજેતા જાહેર કરાયું હતું. ઓવરઓલ ચેમ્પિયનશિપ હાંસલ કરવા માટે અમદાવાદે સારી રમત દાખવીને 8 ટાઇટલ જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...