આંદોલનની ચીમકી:‘રોડ નહીં તો ટોલ નહીં ’ ટ્રાન્સપોર્ટરોની ચીમકી

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરજબારી હાઇવે પર રોજ થતા ચક્કાજામથી ટ્રાન્સપોર્ટ ઓપરેટરો પરેશાન
  • નેશનલ હાઇવે ઓથોરિટી 10 દિવસમાં કામ પૂર્ણ નહીં કરે તો આંદોલન કરાશે

ભચાઉથી માળિયા સુધીના નેશનલ હાઇવેનું છેલ્લા ત્રણ મહિનાથી ગોકળ ગતિએ તેમજ આડેધડ ચાલી રહેલા કામને કારણે આ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોની કતારો લાગતી હોવાને કારણે રોજિંદી બની ગયેલી ટ્રાફીક જામની સમસ્યાથી કચ્છના ત્રસ્ત થઇ ગયેલા ટ્રાન્સપોર્ટરોએ “જો રોડ નહીં તો ટોલ નહીં ‘ ની ચીમકી આપી નેશનલ હાઇવે ઓથોરિટી સામે બાંયો ચડાવી છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોશિયેશન દ્વારા રોષ સાથે જણાવાયું છે કે, રાષ્ટ્રના બે મહાબંદરો, ફ્રી ટ્રેડ ઝોન, ટીમ્બર, ખનિજ, સ્ટીલ અને મોટી ઔદ્યોગિક વસાહતો ધરાવતો કચ્છ જિલ્લો રાજ્યનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ હબ ગણાય છે.

કચ્છને જોડતા નેશનલ હાઇવે પર ચારે ટોલ પ્લાઝા દ્વારા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર અઢળક આવક પ્રાપ્ત કરી રહી છે. છેલ્લા ત્રણેક માસથી ગાંધીધામથી સુરજબારી સુધીના રોડના રિપેરિંગનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવા ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઇપણ પ્લાનિંગ વગર થઇલ રહેલા કામને કારણે રોજ આ હાઇવે ઉપર વાહનોની કતારો બન્ને સાઇડ લાગી રહી છે અને કલાકો સુધી વાહન ચાલકો આ ટ્રાફીકજામમાં ફસાઇ રહે છે. જેને કારણે અનેક માનવ કલાકો અને ઇંધણ વેડફાઇ રહ્યું છે. આ ટ્રાફિકજામની સમસ્યાને લઇ વેપાર-ઉદ્યોગને જબરજસ્ત ફટકો પડી રહ્યો છે.

બંદરો ઉપર પહોંચાડવાનો માલ તેમજ બંદર ઉપર ઉતરેલો માલ સમયસર ન પહોંચતાં મોટી માત્રામાં ડેમરેજનો બોજો પડી રહ્યો છે. જેને લઇ કચ્છના ટ્રાન્સપોર્ટરોમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરો દ્વારા કરવામાં આવેલી વારંવારની રજુઆતો બાદ પણ ઉકેલ ન આવતાં આ બાબતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને આ બાબતે સંપર્ક કરતાં પ્રમુખ અનિલકુમાર જૈને નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર કૃષ્ણપાલ સિંઘનો ટેલિફોનિક સંપર્ક કરી આ સમસ્યા બાબતે વિગતવાર ધ્યાન દોર્યું હતું. જેમાં તેમણે ધીમી ગતિએ ચાલતું કામ 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી રોડ રાબેતા મુજબ ચાલુ કરી દેવાની ખાત્રી આપી હતી જેના જવાબમાં ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સના પ્રતિનિધીઓએ 10 દિવસમાં કામ પૂર્ણ નહીં કરાય તો “ રોડ નહીં તો ટોલ નહીં’ ના નારા સાથે આંદોલન કરવાની ચીમકી આપી છે.

હાલ એમ્બ્યુલન્સ પણ નિકળી શકતી નથી
ગાંધીધામથી માળિયા સુધીના નેશનલ હાઇવે પર ચાલી રહેલા રોડના સમારકામમાં નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કરવામાં આવી રહેલા ધીમા અને પ્લાનિંગ વગરના કામને કારણે મહિનાઓથી આ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઇ છે, આ ટ્રાફિકમાં અનેક પરિવારો ફસાય છે તો રોડની બન્ને બાજુ લાગતી કતારમાં ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઇ જતી હોય છે જેને લો લોકોમાં પણ આ સમસ્યા અંગે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...