ટાગોર રોડ પર ઓવરબ્રીજના કામથી 274 વૃક્ષોનું નિકંદન નીકળવાની સંભાવના રહેલી છે, જેને જેમ જેમ કામ આગળ વધી રહ્યું છે તેમ આવશ્યકતા અનુસાર દુર કરાઈ રહ્યા છે. આ કામ ચલાવી રહેલા માર્ગ અને મકાન વિભાગનું કહેવું છે કે વૃક્ષો મોટા હોવાથી તેનું રિ પ્લાન્ટેશન શક્ય નથી. તો બીજી તરફ નિર્માણ કાર્ય પુરુ થયા બાદ જેટલી જગ્યા હશે તે અનુસાર વૃક્ષારોપણ કરાશે તેમ સુધરાઈનું કહેવું છે.
ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે ઓવરબ્રીજનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અગાઉ કરાયેલા સર્વેક્ષણ અનુસાર આ સંપુર્ણ કાર્ય દરમ્યાન 274 વૃક્ષો ને દુર કરવા જરૂરી હોવાનો અભિપ્રાય અપાયો હતો. જે અંગે આરએન્ડબીએ વૃક્ષો દુર કરવાનું કામ પાલિકાના ખંભે નાખવાના પ્રયાસ કર્યા બાદ પાલિકાએ તેનેજ ઓછાં કાપવાની સલાહ સાથે પધરાવી દીધું હતું. દરમ્યાન હવે જેમ કામ આગળ વધી રહ્યું છે તેમ વૃક્ષોને કાપવાની શરૂઆત થઈ ગઈ છે.
કપાયેલા વૃક્ષોના થડને જોઇને પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી ઉદભવવા પામી છે, તો રીપ્લાંટેશનનો પ્રયાસ શા માટે ન કરાયો તે અંગે શહેરમાં ફરી ઉભી થયેલી ચર્ચાના પ્રત્યુતરમા માર્ગ અને મકાન વિભાગના સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે આ વૃક્ષો જુના અને મોટા છે, જેથી તેના મુળીયા ઉંડે સુધી ગયેલા હોવાથી તેને કાઢીને બીજે પ્રસ્થાપિત કરવાથી પરિણામ નથી મળી શકતા. તો જેટલા વૃક્ષો કટ થઈ રહ્યા છે તે અંગે પણ નગરપાલિકા દ્વારા કોઇ પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કર્યો નથી. સીઓએ જણાવ્યું કે ઓવરબ્રિજ બન્યા બાદ જગ્યા જે પ્રમાણે રહેશે, તે અનુસાર ફરી વૃક્ષારોપણ કરાશે.
ટાગોર રોડના સિક્સલેનના વિસ્તૃતિકરણ સમયે રીપ્લાન્ટ કરેલા વૃક્ષો મુરજાઈ ગયા હતા
ટાગોર રોડને ફોર લેનથી સિક્સલેન કરવાનું કામ સમયે વૃક્ષોને મુળીયા સાથે કાઢીને અન્ય સ્થળે ફરી વવાયા હતા. પરંતુ સમય જતા તે પણ મુરજાઈ ગયા હતા અને તે પ્રયોગ સફળ નહતો રહ્યો. જે આધારે અહિ આ પ્રયાસ ન કરાઈ રહ્યો હોવાનું વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.