કવાયત:પાલિકાના વેરાનું નો-ડ્યુ સર્ટી. બાદ મંજુરી આપવા આગ્રહ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકાએ ડીપીટી, એસઆરસીને પત્ર પાઠ્યો
  • ​​​​​​​દસ્તાવેજ નોંધાતા પહેલા વેરા ભરાયા છે કે કેમ તે વિગત ઉમેરવા કવાયત

ગાંધીધામ નગરપાલિકામાં વેરા વસૂલાતની કામગીરી નબળી હોવાથી દર વર્ષે 50 ટકાથી ઓછી વસૂલાત થાય છે. આ વખતે નગરપાલિકા દ્વારા નવતર અભિગમ દાખવીને ડીપીટી, એસઆરસી નોંધણી નિરીક્ષક, જીડીએ વગેરેને પત્ર પાઠવીને તેમની કક્ષાએ આવતી બાંધકામ કે પ્લોટની મંજુરી વગેરે મુદ્દે જ્યાં સુધી નગરપાલિકાના વેરાની વસૂલાતનો નો-ડ્યુ સર્ટીફિકેટ ન મળે ત્યાં સુધી મંજુરી ન આપવા પત્ર લખવામાં આવ્યો છે. લખાયેલા પત્ર પછી તેની અમલવારી જે તે ઓથોરીટિ કેટલું કરે છે તેની ઉપર મદાર છે. પરંતુ જો આ સંકલન સાધીને વ્યવસ્થિત રીતે સુવિધા ઉપલબ્ધ થાય તો પાલિકાના વેરાની વસૂલાતમાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

શહેરમાં અંદાજે 60 હજારથી વધુ મિલ્કતો રહેણાંક અને બિનરહેણાંકની પાલિકાના ચોપડે બોલી રહી છે. પાલિકા દ્વારા વેરા વસૂલાત માટે જે ગંભીરતા દાખવવી જોઇએ તે દાખવવામાં આવતી નથી. તેને લઇને અગાઉ પાલિકાને જે તે સમયે સચિવ કક્ષાએથી ઠપકો પણ આપવામાં આવ્યો હતો. વેરા વસૂલાત માટે અગાઉ પાલિકા દ્વારા મોટી રકમ જેની બાકી હતી તેના હોર્ડિંગ લગાવીને જાહેરમાં નામ પણ જાહેર કર્યા હતા. આમ છતાં યોગ્ય પરીણામ આવી શક્યું નથી.

કડક વલણ દાખવીને પાલિકા દ્વારા જે તે વેરાની વસૂલાત વ્યવસ્થિત રીતે થાય તે માટે શરૂઆતથી જ આગળ વધવું પડશે. ટેક્સસેશન કમિટિના ચેરમેન મનોજ મુલચંદાણીએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં વેરાની વસૂલાત વધુને વધુ આવે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સંબંધિત ઓથોરીટીને પત્ર પાઠવીને પાલિકાના વેરા ભરાયા છે કે કેમ તેની માહિતી માટે પણ ક્લોઝ ઉમેરવા પત્ર લખવામાં આવ્યા છે.

18 ટકા વ્યાજનો બોજો દૂર કરવાનો મત
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ દર વર્ષે 7 કરોડોથી વધુ રકમ બાકી બોલતી હોય છે. કેટલીક મિલ્કતોમાં વાદ-વિવાદ પણ ચાલી રહ્યા છે અને લીટીગેશનો કરવામાં આવ્યા છે. પરંતુ બીજી જે મિલ્કતો છે તેમાં યોગ્ય પ્રમાણમાં સર્વે કરવામાં આવે તો ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે. કેટલીક મિલ્કતોમાં ત્રણથી ચાર માલિકો બદલાઇગયા છતાં તેની નોંધણી કે ટ્રાન્સફરની પ્રક્રિયા થવી જોઇએ તે એક યા બીજા કારણોસર મિલ્કતદારો દ્વારા કરવામાં આવી નથી. જેને લઇને પણ ભવિષ્યમાં સમસ્યાઉભી થઇ શકે તેમ છે. વળી, પાલિકામાં જ 18 ટકા જેટલું વ્યાજ લેવામાં આવે છે. તેને લઇને પણ અગાઉ પ્રશ્નો ઉભા થઇ ચૂક્યા છે અને તેમાં ઘટાડો કરવા માટે માગણી પણ ઉઠી ચુકી છે. અન્ય નગરપાલિકામાં આવું વેરા વસૂલાતની કામગીરી માટે માળખું ન હોવાની દલીલ પણ કરાઇ રહી છે.

13મી સપ્ટેમ્બર સુધી 6.71 કરોડની વસૂલાત
નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતા વેરામાં સામાન્ય રીતે 10 ટકા રાહતનો લાભ લેવા માટે મિલ્કતદારો વધુ આગ્રહ રાખે છે. જેને લઇને એપ્રિલ મહિનાથી જે તે તબક્કા સુધી કેટલો વર્ગ એવો પણ છે કે આ યોજનાનો લાભ લઇને પોતાના વેરા ભરી દે છે. જેમાં નગરપાલિકાને બહુ કવાયત કરવી પડતી નથી. નાણાંકીય વર્ષ શરૂ થયાના ચાર મહિના પછી વ્યવસ્થિત રીતે ઉઘરાણી શરૂ કરવામાં આવે તો વધુ વસૂલાત થઇ શકે તેમ છે. 1 એપ્રિલથી 13 સપ્ટેમ્બર સુધી 6.71 કરોડની વસૂલાત થઇ છે.

દોઢ માસ બિલની કામગીરી અટકી હતી
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ઇ-ગર્વનર હેઠળ સરકારની સૂચનાથી સિસ્ટમ શરૂ કરવાની હોવાથી અંદાજે દોઢેક મહિના સુધી બિલ જનરેટ થઇ શક્યા ન હતા અને આ કામગીરીના પગલે વિલંબ પણ થયો હતો. આ સિસ્ટમને કારણે હવે રાજ્ય કક્ષાએ એક સાથે અન્ય કેટલી સુવિધાઓ ઉપલબ્ધ થશે અને માહિતી વેરા સહિતની જાણી શકાશે તેમ સમજાય છે.

અન્ય સમાચારો પણ છે...