હોટ સ્પોટ:નવા વર્ષની ઉજવણી મોંઘી પડી, 28 કેસ

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામમાં બીજી લહેરના 10 મહિના બાદ એક સાથે કોરોનાના ચેપનો વ્યાપ વધતાં ચિંતાનો માહોલ
  • મહતમ કેસ હાઈપ્રોફાઈલ વર્ગના જે નવા વર્ષની ઉજવણી કરવા ગોવા, આબુ, મુંબઈ, સ્ટેચ્યુ ઓફ યુનીટી ગયા હતા : અત્યાર સુધી 2.56 લાખને બન્ને ડોઝ મળ્યા

ગાંધીધામમાં અચાનકજ કોરોના કેસનો રાફડો ફાટ્યો હોય તેમ બુધવારના એક સાથે 28 કેસ પોઝિટિવ આવ્યા હતા. અગાઉ દસ મહિના પહેલા જ્યારે એપ્રીલ,2021માં કોરોનાની બીજી અને ભયાવહ લહેર આવી હતી, ત્યારે એક સાથે આટલા કેસ ગાંધીધામમાં જોવા મળ્યા હતા. આ કેસોનું પ્રારંભીક એનાલીસીસ કરતા જુના વર્ષની વિદાય અને નવા વર્ષના સ્વાગતની ઉજવણી કરવા ગયેલા હાઈપ્રોફાઈલ વર્ગના કેસ વધુ હોવાનું સામે આવી રહ્યું છે.

મંગળવારે એક સાથે 14 કેસ પોઝિટિવ ગાંધીધામમાં આવ્યા હતા જે બીજી લહેર બાદ સૌથી વધુ હતા, તો તેજ ક્રમને યથાવત રાખીને ફરી ગાંધીધામ તાલુકામાં બુધવારે એક સાથે 28કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જેમને કોરોના પોઝિટિવ આવ્યું છે તેમાં 19 થી 59 સુધીની આયુના તમામનો સમાવેશ થાય છે, મહતમ આ કેસોમાં એવા લોકો વધુ છે જેઓ નવા વર્ષની ઉજવણી કરવા ફરવા માટે ગોવા, આબુ, મુંબઈ કે સ્ટેટ્યુ ઓફ યુનીટી ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ લક્ષણો જોવા મળતા ચેક કરાવ્યું હતું, જેમાં કોરોના પોઝિટિવ આવ્યું હતુ.

આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાનો પોઝિટિવ આવેલા દર્દીઓની વર્તમાન સ્થિતિ જાણવા અંગે સંપર્ક સાધતા તેમણે એક દર્દીને વિવિધ બીમારીઓ હોવાથી હોસ્પિટલમાં દાખલ હોવાનું, બાકી તમામની સ્થિતિ સ્થીર અને હોમ આઈસોલેશનમાંજ હોવાનું જણાવ્યું હતું. જો કોઇ બહારથી આવ્યું હોય તો તેમને ટેસ્ટ કરાવવા, ઘરે પોતાને આઈસોલેશનમાં રાખવા, ભીડભાડમાં ન જવા, માસ્ક પહેરી રાખવાની સલાહ તેમણે આપી હતી. બીજી તરફ ગાંધીધામ તાલુકામાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ સારી ગતીએ ચાલતી રહી છે. બે દિવસના અભીયાન બાદ બુધવારના 831 ને વેક્સિન અપાઈ હતી. આમ અત્યાર સુધી તાલુકામામ પહેલો ડોઝ લેનારાની સંખ્યા 2.76 લાખ અને બન્ને ડોઝ લેનારાઓની સંખ્યા 2.56 લાખ થઈ છે.

આરોગ્યનો પ્રશ્ન | શાળામાં બાળકોને લઈને વાલીઓમાં ઉચાટ ભર્યો માહોલ
એક તરફ કેસ વધી રહ્યા છે અને બીજી તરફ હજી પણ શાળાઓ ચાલુ છે ત્યારે વાલીઓમાં ચીંતા વધવા પામી છે. વાલીઓનું કહેવું છે કે અમારી પાસે કન્સર્ન ફોર્મ પણ સહિ લેવાય છે, પોતાના બાળક માટે આ પ્રકારના પેપર્સ કોઇ અભીભાવક કઈ રીતે સહિ કરી શકે ? પરંતુ હવે શાળાઓ બંધ કરવાનો સમય આવી ગયો હોવાનો સુર ઉઠવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક છાત્રા પણ કોરોનાની ઝપટે ચડતાં આ શિક્ષણ સંસ્થામાં ક્લાસ બંધ કરવાની નોબતની સાથે અન્ય પગલા ભરવામાં આવ્યા હતા.

ગાંધીધામ સંકુલની બજારોમાં નિયમનો ભંગ
સંકુલની બજારોમાં વેપારી સહિત કેટલાક સ્થળો પર તો લોકો હજુ બેદરકારી દાખવી રહ્યા હોય તેમ જણાય છે. હોટ સ્પોટ બની રહેલા ગાંધીધામમાં વધુ તકેદારી રાખવામાં ન આવે અને કોવિડ માર્ગદર્શીકાનું પાલન કરવામાં આળસ કરવામાં આવશે તો ગાંધીધામને માટે ચિંતાજનક વાતાવરણ ઉભું થઇ શકે તેવી દહેશત પણ નકારી શકાય તેમ નથી. જાગ્યા ત્યારથી સવાર સમજીને આ ખતરાની ઘંટડી સામે સાવચેતીના પગલા ભરીને માસ્ક પહેરવા, સેનિટાઇઝેશન અને જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવું તે સહિતના મુદ્દે હવે ધ્યાન રાખવાનો સમય પાકી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...