કાર્યવાહી:આદિપુર બસ સ્ટેશન આસપાસથી મોટા ભાગના દબાણો હટાવાયા

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાગર રોડનું દબાણ હટાવવા બીજા દિવસે પણ ઓપરેશન ચાલુ
  • ટ્રાફિકને અડચણરૂપ એક ધાર્મિક દબાણ પણ હટાવાતા વિરોધ બાદ મામલો સમેટાયો

ગાંધીધામ નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ટાગોર રોડના એઓ બિલ્ડીંગથી આદિપુર બસ સ્ટેશન સુધીના વિસ્તારોમાં ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગઇ કાલે પ્રથમ દિવસે 130 જેટલા દબાણો હટાવવામાં આવ્યા પછી આજે બીજા દિવસે આદિપુર બસ સ્ટેશન આસપાસથી મોટા ભાગના દબાણો અને અન્ય મળીને 150 જેટલા દબાણો દૂર કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દબાણ દૂર થયા પછી યથાવત સ્થિતિમાં ન આવે તે માટે પણ જરૂરી કાળજી રાખવી પડશે. જોકે, આજના દબાણ હટાવ ઝુંબેશમાં એક ધાર્મિક દબાણને હટાવવા જતાં દબાણ શાખાને લોકોના વિરોધનો થોડોક સામનો કરવાની નોબત આવી હતી. ટાગોર રોડ પર ચાલતા ફ્લાય ઓ‌વરના કામની સાથે સાથે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. ગાંધીધામ- આદિપુરમાં અવરજવર કરવા માટે મહત્વના ગણાતા આ રોડ પરના સર્વિસ રોડની હાલત પણ ખખડધજ હોવાથી વાહન ચાલકો તેનો ઉપયોગ કરી શકતા નથી.

ન છૂટકે ટાગોર રોડ પર પસાર થવું પડે છે અને તેમાં મંદ ગતિના ચાલતા ફ્લાય ઓવરના કામને લઇને પણ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. આ મંજુરી પછી પાલિકા, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ વગેરે ઓથોરીટિ સાથે મળીને સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ચીફ ઓફિસર દર્શનસિંહ રાઠોડ, મામલતદાર મેહુલભાઇ સહિતનાના મોનીટરીંગ વચ્ચે ચાલતી આ કવાયતમાં જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ આજે રોટરી સર્કલથી આદિપુર બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં રહેલા લારી- ગલ્લા તથા અન્ય પાકા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સવારથી શરૂ કરવામાં આવેલી આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેવા પામી હતી. હજુ પણ આ દબાણ હટાવ ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રહેશે અને અન્ય વિસ્તારોમાંથી દબાણો હટાવાશે તેવા સંકેત મળી રહ્યા છે.

ટ્રાફિકના નિયમનું પાલન કરાવવું પડશે
ટાગોર રોડ પર કેટલીક વખત બેફામ ગતિએ વાહન ચાલકો વાહન ચલાવીને લોકોના જાનમાલનું નુકશાન નોતરી રહ્યા છે. પોલીસે સમયાંતરે સ્પીડગન સહિતના સાધનોનો ઉપયોગ કરીને આવી રીતે વાહન ગતિ નિયમનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે તવાઇ બોલાવીને પગલા ભરાવી લોકોને અકસ્માતથી બચાવવા પગલા ભરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...