વિકાસ આડે ગ્રહણ હટશે:મોટાભાગના સભ્યોએ રસ્તાના કામો સૂચવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખખડધજ રોડની યાતનામાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે? - Divya Bhaskar
ખખડધજ રોડની યાતનામાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે?
  • નગરપાલિકા 5 કરોડના ખર્ચે વિકાસ કામ કરશે : વોર્ડ દીઠ 40 લાખની રકમ નક્કી કરવામાં આવી
  • ગ્રાન્ટ માર્ગદર્શીકા મુજબ જે તે કામો માટે વાપરવા તૈયારી શરૂ કરાઇ : નગરસેવકોએ પોતાના વિસ્તારના સર્વે કર્યા

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના 13 વોર્ડમાં વિકાસ કામો કરાવવા અંદાજે 5 કરોડની આવેલી રકમમાંથી કવાયત હાથ ધરી છે. જે તે વિસ્તારના સભ્યોને સૂચના આપીને કામ સૂચવવા જણાવવામાં આવ્યું છે. એક વોર્ડ દીઠ 40 લાખની ફાળવણી કરવામાં આવશે. જેમાં 4 નગરસેવકો દ્વારા એક અથવા ત્રણ કે ચાર જે કામ સૂચવવામાં આવે તે કરવામાં આવશે. આ બાબતે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસું પુરૂં થતાં જ જુદા જુદા કામોને વેગ આપવામાં આવશે.

નગરપાલિકાના વિકાસની ગાડી હાલ આટાપાટામાં અટવાઇ ગઇ છે. વિકાસ કામો અગાઉના પણ બાકી છે. તે ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી. અંદરો અંદરની ખટપટને કારણે વિકાસનું ગળું રુંધાઇ રહ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. દરમિયાન પાલિકાને આપવામાં આવેલી 5 કરોડની રકમમાંથી કામો સૂચવવા માટે સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે. જે તે વિસ્તારમાં કામ જરૂરીયાત મુજબ કરી દેવામાં આવશે. આ અંગે બધાય સભ્યો પાસેથી જે તે વિસ્તારની દરખાસ્ત પણ મંગાવવામાં આવી છે. આવેલી દરખાસ્ત પરથી ઇજનેર વિભાગ દ્વારા તેના એસ્ટીમેન્ટ કાઢવાથી લઇને અન્ય તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.

લોટ, પાણી અને લાકડાનો વહીવટ ન થાય તે જોવું પડશે
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ નગરપાલિકામાં આવતી જુદી જુદી વિકાસની ગ્રાન્ટમાંથી જે કામો થાય છે તે પૈકી કેટલાક કામોમાં નબળાઇ છતી થાય છે. થોડા સમય પહેલા પણ પાલિકાને આદિપુર કચેરી પાસે બનાવવામાંઆવેલ રોડ ચોમાસામાં ધોવાઇ ગયો હતો. અન્ય નબળા કામ અંગે અગાઉ અવારનવાર વિવાદો થયા છે. લોટ, પાણી અને લાકડાનો વહીવટ ન થાય તે માટે પણ સચેત પદાધિકારીઓએ રહેવું પડશે.

જરૂરીયાત હોય તેવા કામોને પ્રાથમિકતા
જે તે વિસ્તારમાં જરૂરીયાત હોય તેવા કામોને પ્રાથમિકતા આપવાની જરૂર છે. માત્ર વોટ બેંક વાળા વિસ્તારોને જ આવરી લેવામાં આવે અને અન્ય વિસ્તારોની ઉપેક્ષા થાય તે યોગ્ય નથી. અગાઉ પણ આવો ચણભણાટ જાગી ચૂક્યો છે. વર્તમાન સમયે 50 ટકા નગરસેવકો નવા હોવાથી બહોળા વર્ગને ઉપયોગી થાય તેવા રસ્તા સહિતના કામો પર પહેલા અગ્રતા આપવા આગળ આવવું પડશે.

સભ્યો પાસેથી દરખાસ્ત માંગી
પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયાએ જણાવ્યું હતું કે, 5 કરોડની આવેલી ગ્રાન્ટમાંથી જે તે વોર્ડના વિકાસ કામોને વેગ મળે તે હેતુથી પગલા ભરવામાં આવી રહ્યા છે. સભ્યોને તેમના વિસ્તારના કામો સૂચવવા માટે જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...