તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:9 કરોડથી વધુ રકમના વિકાસ કામો અટવાયા

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજું ચોમાસું માથે આવી ગયું, ગાંધીધામ નગરપાલિકાને ગત વર્ષે રસ્તાના ધોવાણથી 12 કરોડની રકમ મળી હતી
  • સરકાર દ્વારા દિવાળી પહેલા બિસ્માર માર્ગો ટનાટન કરી દેવા આપેલી સૂચના પાલિકા ઘોળીને પી ગઈ
  • વિપક્ષ પણ જોઇએ તેવો રસ લેતો ન હોય તેવો ઘાટ

ગાંધીધામ નગરપાલિકાની ગત વર્ષે રસ્તાના ધોવાણ થતા સર્વે બાદ 12 કરોડની રકમ આપવામાં આવી હતી. આમાંથી કામ થાય તે પહેલા ખટપટ વધી ગઈ હતી. એજન્સીને કામ આપ્યા પછી હજુ સુધી માત્ર અંદાજે ત્રણેક કરોડનાં કામો કરવામાં આવ્યા છે. બાકી ના કામો ડામરના ભાવ વધી ગયા હોવાનું જણાવીને અટકાવી દેવામાં આવતા વિકાસ અટવાઇ ગયો હોય તેવી સ્થિતિ ભાજપના જ શાસનમાં ઊભી થઈ છે. અન્ય ગ્રાન્ટના પણ બેથી અઢી કરોડના કામો હાલ ઠપ્પ થયા છે. પાલિકામાં બીજું ચોમાસું આવ્યું છતાં જે ગતિએ કામ થવા જોઇએ તે ન થતાં લોકોને સારી સુવિધા અપાવવા માટે સરકારની શુભનિષ્ઠા પર પાલિકાના શાસકોએ ઠંડુ પાણી ફેરવું દીધું છે.

નગરપાલિકાને ગત વચ્ચે ચોમાસામાં રસ્તાનું ધોવાણ થતાં થયેલ નુકશાન અંગે રીપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારમાં મોકલવામાં આવેલા રિપોર્ટ પછી દસ કરોડ ને બદલે 12 કરોડ જેટલી તોતિંગ રકમની ગ્રાન્ટ આપવામાં આવી હતી. આ રકમમાંથી શહેરના જુદા જુદા વિસ્તારમાં રસ્તા તૂટી ગયા હતા તેની મરંમતની કામગીરી હાથ ધરવાની હતી. રીપેરીંગ માટે જે તે સમયે પાલિકાના શાસકો દ્વારા અપનાવવામાં આવેલી કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ હતી અને જેને લઇને એક જ એજન્સી પર ઓળઘોળ થઈને કામ આપવાની નીતિ સામે સવાલ ઊભા થયા હતા.

આખરે સત્તાધિશોને બારોબાર કામ આપવાને બદલે ટેન્ડર બહાર પાડવાની નોબત આવી હતી. ટેન્ડર બહાર પાડવામાં આવતા આવેલી રકમ ને કારણે ઓછા ભાવે કામ કરવા એજન્સી સંમત થઇ હતી.જેને લઇને પાલિકાને અંદાજે પોણા ચાર કરોડનો નફો પણ થયો હતો. અંકિતા કન્ટ્રકશનને કામ આપવામાં આવ્યું તે એજન્સીએ જુદા જુદા વિસ્તારના કામો કરવાના હતા. તબક્કાવાર શરૂઆતના તબક્કે શહેરના જુદાજુદા વિસ્તારના રોડ બનાવવાની કામગીરી શરૂ કરતાં લોકોમાં સારા રસ્તા મળશે તેવી આશા જાગી હતી.

અંદાજે છ જેટલા રોડના કામો થયા પછી ડામરના ભાવ વધી ગયા હોય પોસાય તેમ ન હોય તેવું જણાવી ને કહેવાય છે કે એજન્સી દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી અને નગરપાલિકાએ પણ આ લોકસુવિધા લક્ષી અને સરકારના અભિગમ ને પ્રોત્સાહન મળે તેને બદલે આંખ આડા કાન કરી દીધા, તેને લઈને આજ સુધી કોઈ જ કામ ક્યાં નથી તેવો ચણભણાટ ભાજપમાંથી જ ઊભો થયો છે. શહેરમાં લોકોને સારી સુવિધા મળી રહે તે માટે જંગી રકમ ફાળવવામાં આવ્યા પછી પણ પાલિકાના જે તે સમયના અધિકારી અને પદાધિકારી ના ગેર વહીવટને લઇને અનેકવિધ પ્રશ્નો ઊભા થયા હતા.

એક તબક્કે રાજ્યકક્ષાએથી પણ આ બાબતે પાલિકાનું પૂછાણું લઇને કામ કેમ શરૂ નથી થયા તે મુદ્દે જવાબ માગ્યો હતો. જે તે સમયે સમયસર કામગીરી કરી દેવામાં આવી હોત તો નિયમ મુજબ થયેલી કાર્યવાહી ને કારણે શહેરીજનોને સરકારની શુભનિષ્ઠા નો લાભ મળી શક્યો હોત પરંતુ સરકારની જ નિષ્ઠા પર પાલિકાના ભાજપના શાસકોએ ઠંડુ પાણી ફેરવી દીધું અને હાલ પણ ભાજપનું શાસન હોવા છતાં આ વખતે કોઈ અવાજ ઉઠાવતો નથી. અલબત્ત, ભાજપના એક પદાધિકારી દ્વારા આ મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે જેને લઇને વાતાવરણમાં ગરમી આવી છે આગામી દિવસોમાં શું થાય તે જોવું રહ્યું.

શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે નગરપાલિકા વામણી પુરવાર થઇ છે સત્તાધીશો દ્વારા રાજકારણ રમાતા લોકોને સુવિધાને બદલે સુવિધાઓને બદલે દૂવિધાઓ મળી હોય તેવો તાલ થઈ રહ્યો છે. આ બાબતે પાલિકા ના નવા આવેલા પદાધિકારીઓ સક્રિય બનીને તાકીદે લોકોને જરૂરી સુવિધાઓ પ્રાથમિક તબક્કે મળે તે માટે આળસ મરડે તે પણ જરૂરી બન્યું છે.

કોન્ટ્રાક્ટરો સામે પાલિકાની મીઠી નજર
ગાંધીધામ નગરપાલિકામાં કેટલાક કોન્ટ્રાક્ટરો સામે પાલિકાની મીઠી નજર રહી છે. જેને લઇને જે તે સમયે એજન્સી દ્વારા કરવામાં આવતા કામોમાં ફરિયાદો ઉઠ્યા છતાં કોઇને વાળ વાંકો થયો નથી. એક તબક્કે તો મટેરીયલ ટેસ્ટીંગ સહિતની ફરિયાદો કરીને જવાબ માંગવામાં આવ્યો હતો તેમ છતાં પાછળથી કોઇ પગલા ભરાય ન હતા તેવો ચણભણાટ પણ જે તે સમયે ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...