બેઠક:ટેન્ડર વગર અપાયેલા કામો પર રોક લગાવાઇ, પાલિકાની કારોબારીની બે મહિના બાદની બેઠકમાં 250થી વધુ દરખાસ્ત મંજુર

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મદનસિંહ સર્કલથી જીડીએ સુધી અંડરગ્રાઉન્ડ નાળું બનાવાશે : ટેન્ડર વગર જ બગીચાઓની લહાણી કરાઇ હતી

ગાંધીધામ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક બે મહિના પછી મળી હતી. એજન્ડા પરની 250 જેટલી દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરીને મંજુરી આપવામાં આવી હતી. ગત બોડી વખતે આપવામાં આવેલા બારોબાર પદ્ધતિથી કેટલાક બગીચાઓ સહિતની અન્ય કામોમાં ચિંતન કરીને આ બગીચાઓ અને અન્યોમાં ટેન્ડર બહાર પાડવા નક્કી કરવામાં આવ્યું હતું. શહેરના વિકાસલક્ષી આયોજનોને બહાલી આપવામાં આવી હતી. નગરપાલિકામાં તોતિંગ બહૂમતિ ભાજપને ફરી એક વાર લોકોએ આપી હતી.

47 જેટલી વિક્રમ સર્જક બેઠકો મળ્યા પછી અંદરોઅંદરની ખટપટ કે અન્ય કારણોસર 7 મહિનાથી વધુ સમય થયો પણ ગણ્યાગાંઠ્યા કામોને બાદ કરતાં ઉલ્લેખનીય કહી શકાય તેવી કામગીરી લોકનજરે ચડે તેવી કરવામાં નબળાઇ છતી થઇ રહી છે. દરમિયાન પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મંજુરીની મહોર લગાવવામાં આવી હતી.

વોર્ડ નં.5 અપનાનગરમાં વરસાદી ઋતુમાં પાણી ભરાતા તેના નિકાલ માટે 12.80 લાખના ખર્ચે ભુર્ગભ નાળું, વોર્ડ નં.10ના મદનસિંહ સર્કલથી જીડીએ કચેરી સુધી અને આદિપુર ખાતે જુના એસઆરસી બસ સ્ટેશનની બાજુમાં વરસાદી પાણી મોટા પ્રમાણમાં ભરાતાં તેના નિકાલ માટે નવું નાળું બનાવવા અપનાનગરથી સુંદરપુરી વરસાદી નાળા વગેરેને બહાલી આપવામાં આવી હતી.

ગત બોડી વખતે બારોબારી પદ્ધતિ અપનાવીને ટેન્ડર વગર આપવામાં આવેલા હોલ, પાર્કમાં રિટેન્ડર કરવા નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કમલ શર્મા, રામ માતંગ, ભરત મીરાણી, અનિતાબેન દક્ષિણી, મીના ધારક વગેરે હાજર રહ્યા હતા.

240 બિલ વાહન રીપેરીંગના જ બાકી હતા
નગરપાલિકાની કારોબારીની બેઠકમાં જે મંજુરી આપવામાં આવી છે તેમાં મુકવામાં આવેલી દરખાસ્તોમાં અંદાજે 240 જેટલા જુદા જુદા કિસ્સામાં વાહનોની મરંમતના બિલનો સમાવેશ થાય છે.

એક જ એજન્સીના લાખોના બિલ ચૂકવાશે
પાલિકાના એક પદાધિકારીના જેની ઉપર ચાર હાથ ગણાય છે તેવી એક કોન્ટ્રાક્ટર એજન્સીના પેવર બ્લોક લગાવવા વગેરે કામોની જુદી જુદી 10થી વધુ દરખાસ્તો પર મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત જુદા જુદા વોર્ડમાં વૃક્ષારોપણ કરવા માટે લોખંડની પિંજરાની ખરીદી કરવા 10 લાખની રકમ મંજુર કરવામાં આવી છે.

રોટરી સર્કલ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા મુકાશે
રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ રોટરી સર્કલ, ટાગોર રોડની સામે મહારાણા પ્રતાપની પ્રતિમા સાથેનું સ્મારક બનાવવા મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત ટાગોર રોડથી ભાઇપ્રતાપ સર્કલ તરફ જતા રસ્તાના સર્વિસ રોડ પર ગુરૂનાનક દેવજી માર્ગનું નામ રાખવા તથા એન્ટ્રી ગેટ બનાવવા પણ મંજુરી આપવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...