નવા વર્ષનું પહેલું પગલું:ગાંધીધામમાં ટાગોર રોડ પર 130થી વધુ દબાણો હટાવાયા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દબાણ પર બુલડોઝર ફેરવાયું. - Divya Bhaskar
દબાણ પર બુલડોઝર ફેરવાયું.

ગાંધીધામ આદિપુરની જીવાદોરી સમાન બનેલા ટાગોર રોડ પર ગોકળ ગતિએ થતા ઓસ્લો ફ્લાયઓવર કામની સાથે દબાણની સમસ્યા પણ વકરી હતી દબાણને કારણે નાના મોટા અકસ્માતો રોજિંદા બન્યા હતા નવા વર્ષના આરંભથી જ વહીવટી તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવાની કવાયતના ભાગરૂપે આજ સવારથી જ તેઓ બિલ્ડીંગ થઈને આદિપુર બસ સ્ટેશન સુધીના વિભાગ વિસ્તારમાં આવતા દબાણો પર બુલડોઝર ફેરવવા ની કવાયત હાથ ધરવામાં આવી હતી સાંજ સુધીમાં 130 જેટલા નાના-મોટા લારી ગલ્લાના દબાણો ચોપડા દૂર કરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પાલિકા પોલીસ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.

ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં અગત્યનો રોલ ગણાય તેવા ટાગોર રોડ પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી હતી. નાના-મોટા ધંધાર્થીઓ રોડ પર આવીને દબાણ કરતા હતા જેને લઈને નાના-મોટા અકસ્માતો પણ અવારનવાર થતા હતા. આ દબાણ દૂર કરવાની કામગીરી કોના હસ્તક છે તે અંગે પણ સવાલ ઉભા થયા હતા. વહીવટી તંત્ર દ્વારા આખરે આ બાબતે કડક વલણ દાખવીને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આજ સવારથી જ ઓપરેશન હાથ ધરીને જેસીબી સહિતના કાફલાને સાથે રાખીને પાલિકાના કર્મચારીઓએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા, મામલતદાર મેહુલભાઈ, પાલિકાની કારોબારીના ચેરમેન પુનીત દુધરેજીયા, સેનિટેશન કમિટિના ચેરમેન કમલ શર્મા, પપ્પુ ઘેડા વગેરે અને માર્ગ અને મકાન વિભાગના બલદાણીયા તથા અન્ય અધિકારીઓ ટાગોર રોડ પર ખડે પગે રહ્યા હતા. અન્ય પોલીસ અધિકારીઓ પણ આ ઓપરેશન દરમિયાન કોઇ ખલેલ ન પડે અને વિરોધ ન થાય તે માટે ઉપસ્થિત રહ્યા હતા. સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ ઝુંબેશમાં દલીલ અને રકઝક ને બાદ કરતાં કોઈ ઉલ્લેખનીય કહી શકાય તેવો વિરોધ જોવા મળ્યો ન હતો જેને લઇને વહીવટી તંત્રે પણ રાહતનો દમ લીધો હતો.

હજુ બે દિવસ ઓપરેશન ચાલુ રહેશે
પાલિકાના સૂત્રોના દાવા મુજબ આજની દબાણ હટાવ ઝુંબેશમાં 20 જેટલા કામદારો, બે જેસીબી, 4 ટ્રેક્ટર એક ડમ્પરનો ઉપયોગ લેવામાં આવ્યો હતો. સવારથી શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ સાંજે ચાલું રહી હતી. એઓ બિલ્ડીંગથી આરંભાયેલી આ ઓપરેશનની કામગીરી રોટરી સર્કલ સુધી કરવામાં આવી હતી. ગુરૂવારે રોટરી સર્કલથી આદિપુર સહિતના વિસ્તારમાં અને ત્યાર બાદ તબક્કાવાર રાજવી ફાટક, રામબાગ રોડ વગેરે વિસ્તારોમાં દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે. જોકે, આ ઓપરેશન પછી દબાણો યથાવત સ્થિતિમાં પુન: ન આવી જાયતે માટે પણ તકેદારી રાખવાની જરૂર છે.

અંદાજે ચાર વર્ષ પહેલા તંત્ર દ્વારા ટાગોર રોડ પર મોટા પાયા પર દબાણ હટાવાયા હતા
અંદાજે ચારેક વર્ષ પહેલા આવી જ રીતે સંયુક્ત રીતે ઓપરેશન કરી પાલિકા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટાગોર રોડની કાયાપલટ કરવા માટે પગલા ભરવામાં આવ્યા હતા. મોટા ગણતા દબાણો પણ ખુલ્લા કરવામાં આવ્યા હતા. જેમાં જે તે સમયે તત્કાલિન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સાથે દબાણના મુદ્દે રકઝક પણ થઇ હતી. દરમિયાન બે દિવસ સુધી આવી કવાયત કરાવ્યા પછી ફરીથી પાછા દબાણો આવી ગયા હતા. આ અંગે પુનરાવર્તન ન થાય અને દબાણ ન થાય તે માટે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ બન્નેએ સંયુક્ત રીતે ધ્યાન રાખવાની જરૂર છે. જોકે, નગરપાલિકા દ્વારા રોટરી સર્કલથી રોડની એક સાઇડ પર જુદી જુદી સંસ્થાઓ અને કંપનીના સહયોગથી બ્યુટીફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેને લઇને દબાણનો પ્રશ્ન હલ થશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...