ફરિયાદ:યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરવાની સાથે પૈસા અને દાગીના પણ પડાવાયા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંકુલમાં અવાર નવાર પ્રકાશમાં આવતા આવા બનાવો લાલબત્તી સમાન
  • ભોગ બનનાર યુવતીએ ફાઇનાન્સ કંપનીના સિઝર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

ગાંધીધામમાં લોનના હપ્તા ન ચૂકવી શકનાર યુવાનના ઘરે ફાઇનાન્સનો સિઝર પહોંચી ગયા બાદ તેની બહેનના સંપર્કમાં આવ્યા બાદ સતત ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, સૃષ્ટિ વિરૂધનું કૃત્ય કર્યા ઉપરાંત તેની પાસેથી બળજબરી પૂર્વક રૂ.95 હજાર રોકડા, રૂ.30 હજારની બે સોનાની વીંટી વિડીયો અને ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપી પડાવી લીધા હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ, તેના ભાઇએ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી તેના હપ્તા તે ભરી ન શક્તો હોઇ તે ફાઇનાન્સ કંપનીના સિઝર અંજારના દબડા રોડ પર રહેતા જગદિશસિંહ કાલુભા સોઢા તેમના ઘરે પહોંચી ગયો હતો અને તારો ભાઇ હપ્તા ભરતો નથી તું તારા નંબર આપ કહી યુવતીનો નંબર મેળવ્યા બાદ ઉઘરાણીના બહાને તે ફોન કરી પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ એક દિવસ તે ઘરે પહોંચી ગયો હતો અને બળ જબરી પૂર્વક કિસ કરી તેના ફોટા પાડી લીધા હતા.

તે પછી ફોટા વાયરલ કરી બદનામ કરી નાખવાની ધમકીઓ આપી અવાર નવાર અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં પણ આ તમામ વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઇલ કરી ભોગ બનનાનર પાસેથી રૂ.95,000 રોકડા, રૂ.30,000 ની કિંમતની સોનાની બે વીંટી પણ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનું તેમજ આ શખ્સ દ્વારા વર્ષ-2018 થી તેનું શોષણ કરાઇ રહ્યું હોવાનું યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

પીએસઆઇ એન.વી.રહેવર આ ઘટનામાં ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને રાઉન્ડ અપ પણ કરી લેવાયો છે. અહીં નોંધવું રહ્યું કે, છેલ્લા ઘણા સમયથી અડપલા, અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. સંકુલમાં આવા અનેક કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યા છે જે લાલબત્તી સમાન છે.

આટલું ઓછું હોય તેમ પોતાની લોન માટે ડાઉન પેમેન્ટ પણ યુવતી પાસે ભરાવ્યું
આ ઘટનામાં યુવતી સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી રોકડ અને દાગીના પડાવી લેનાર આરોપીએ છેલ્લે પોતાને એપલ કંપનીનો મોબાઇલ લેવો હોઇ તે માટે લોન લેવી હતી તો ડાઉન પેમેન્ટ પણ ભોગ બનનાર યુવતી પાસેથી ભરાવડાવ્યું હતું અને જો કોઇને આ વાત જણાવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ બ્લેકમેઇલિંગથી કંટાળી આખરે યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...